Charchapatra

ઓપરેશન આમઆદમી

ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારત સરકાર અને ભારતીય સૈન્યને ખૂબ ખૂબ અભિનંદન. પણ સમગ્ર ભારતવર્ષમાં કેટલાય નિર્દોષ લોકોના અપમૃત્યુ થાય એવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જેને માટે કારણભૂત ગુંડાગીરી, દગાબાજી, નાણાંકીય છેતરપીંડી, વ્યાજખોરી, બળાત્કાર, નકલી દવાઓ, નકલી ખાદ્યપદાર્થો, દારૂ ડ્રગ્સ, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત અને બીજી એવી અનેક અસમાજિક પ્રવૃત્તિઓ છે જે આતંકવાદી પ્રવૃત્તિઓની સમકક્ષ ગણી શકાય. આ સંજોગોમાં દેશમાં એવા ઓપરેશન આમાદમીની જરૂર છે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિર્દોષોના અપમૃત્યુ માટે જવાબદારોનો સફાયો અમીર-ગરીબ, ધર્મ, નાત-જાત, નજીકના-દૂરના એવા કોઈપણ પ્રકારના પક્ષપાત, ભેદભાવ, દયાભાવના રાખ્યા વિના, કાયદાકીય છટકબારીનો ઉપયોગ ન થઈ શકે એ રીતે હાથ ધરવામાં આવે. આ ઓપરેશનમાં પણ એક સાચા દેશભક્ત સૈનિક જેવા જ વ્યક્તિઓને સામેલ કરવામાં આવે અને આમજનતા પણ એમને પૂરતો સાથ સહકાર આપે એ અનિવાર્ય છે. આશા રાખીએ કે આવું ઓપરેશન શક્ય એટલું જલ્દી હાથ ધરાય અને ભારત સાચા અર્થમાં રામરાજય બને.
સુરત     – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રિપોર્ટિંગનો પ્રભાવ
ન્યૂઝ ચેનલ દ્વારા દૈનિક સમાચાર અહેવાલ પ્રસ્તુતિમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કાર્યક્રમને અસરકારક બનાવે છે. ‘ઓપરેશન સિંદૂર’ની વિસ્તૃત માહિતી દર્શાવવા 3-ડી ઈમેજમાં તૈયાર કરવામાં આવેલ રોકેટ, મિસાઈલ વિગેરે દર્શકની ઉત્સુકતામાં વધારો કરે છે. સમાચાર ઋતુ સંબંધિત હોય કે સ્વાસ્થ્ય સંબંધિત, રાજકારણને લગતા હોય કે રમતગમતને‌ સમાવતા હોય, માહિતી અનુસાર તેમનું ચિત્રાત્મક ડિજિટલ રૂપાંતરણ દર્શકોને તત્કાલ સમજાઈ જાય છે. વળી, સમગ્ર રિપોર્ટિંગને અંતે કોઈ મહાપુરુષ દ્વારા અપાયેલ જીવનસૂત્રની સદૃષ્ટાંત સમજૂતી મનમાં સકારાત્મકતાની જ્યોત જગાવી જાય છે!
સુરત     – દિપ્તી ટેલર       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top