એક ગામના છેવાડે એક ગરીબ મજૂર રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે બાળકો હતાં.તે રોજ સવારે મજૂરી કરવા જતો અને સાંજ સુધી જે મજૂરી મળે તે કરતો અને જે કંઈ પણ મજૂરી મળે તે પત્નીને આપતો. જે મજૂરી મળી હોય તે પ્રમાણે પત્ની સામાન લાવતી અને રોટલા બનાવી બાળકોને જમાડતી અને પછી જે કંઈ વધતું તે બંને પતિ-પત્ની ખાતાં. આ ઓછાં સાધનમાં જીવતાં ગરીબ મજૂર પરિવારમાં ભાગ્યે જ બે ટંક પૂરું ભોજન મળતું. એક દિવસ વરસાદની મોસમમાં બહુ વરસાદ વરસી રહ્યો હતો.
આજે કોઈ બહુ મજૂરી પણ મળી ન હતી.ઘરમાં ચાર સૂકા રોટલા સિવાય કંઈ ન હતું.પત્નીએ બે રોટલા પાણીમાં વઘારી બાળકોને ખવડાવી દીધા અને બે રોટલા લઇ બે જણ જમવા બેઠાં. બરાબર ત્યારે જ બારણે ટકોરા પડ્યા. બહાર કોઈ અજાણ્યો યાત્રી ભીનો થઈ વરસાદમાં આશરો માંગવા આવ્યો હતો.મજૂરે તેને અંદર આવકાર આપ્યો, પાણી આપ્યું, શરીર લૂછવા સાફ કપડું આપ્યું.મનમાં વિચાર્યું કે આજે મજૂરી મળી નથી અને સાવ ઓછું ભોજન છે ત્યાં આ મહેમાન, હવે શું કરીશું.પત્ની તરફ જોયું.પત્નીએ થાળીમાંથી એક રોટલો લીધો, પતિના હાથમાં થાળી આપી.
મજૂરે યાત્રીને કહ્યું, ‘‘ભોજનમાં આ સૂકો રોટલો જ છે ચાલશે?’’ યાત્રી ભૂખ્યો હતો એટલે સૂકો રોટલો ખાઈને પાણી પીધું અને પછી થાકને કારણે સૂઈ ગયો.મજૂર અને તેની પત્નીએ અડધો અડધો રોટલો ખાધો અને બે લોટા પાણી પીધું અને સૂઈ ગયાં. બીજે દિવસે સવારે યાત્રી ઊઠ્યો. વરસાદ રહી ગયો હતો એટલે તેણે નીકળવાનું નક્કી કર્યું. મજૂરની પત્નીએ વાડામાં ઊગેલી લીલી ચા અને ફુદીનો નાખી લીલી ચા બનાવી, મજૂરે કહ્યું, ‘‘અમારા ઘરમાં દૂધ નથી. આ લીલી ચા ચાલશે?’’ યાત્રીએ ચુપચાપ ચા પી લીધી અને વિદાય લેતાં એટલું કહ્યું, ‘‘ભગવાન તમારું ઘર હંમેશા ભરેલું રાખે.’’ યાત્રી ચાલ્યો ગયો અને મજૂર મજૂરી કરવા નીકળ્યો.
સાંજે મજૂર ઘરે આવ્યો તો જોયું, ગઈ કાલ રાતવાળો યાત્રી પોતાના પરિવાર સાથે આવ્યો હતો અને ઘણી ભેટ સોગાદ સાથે લાવ્યો હતો. યાત્રીએ કહ્યું, ‘‘કાલે હું અહીં ગાડી બગડી, માર્ગ ભૂલ્યો અને વરસાદમાં ફસાયો ત્યારે તમે મને આશરો આપી મદદ કરી હતી. તેનો આભાર માનવા આવ્યો છું. હું અહીં ગામડાંઓમાં સડક બાંધવાના કોન્ટ્રાકટ લઉં છું અને આજથી મારા બધા કામમાં મજૂરો બરાબર કામ કરે છે કે નહિ તે જોવાની જવાબદારીનું કામ તને આપવા માંગું છું. આજથી તું રોજ મજૂરી નહિ શોધે પણ મજૂરો શોધી બધાને કામ આપીશ.’’ મજૂર અને તેની પત્નીની આંખોમાં ખુશીના આસું હતા. મજૂરે ગઈ કાલે યાત્રી માટે ઘરનો દરવાજો નહોતો ઉઘાડ્યો, જાણે તેણે પોતાના ભાગ્યના દરવાજા ઉઘાડ્યા હતા. જે પોતાની પાસે જે કંઈ હોય ,ઓછું હોય છતાં પણ તેમાંથી બીજાને મદદ કરે છે તો જીવન તેના માટે નવા માર્ગ આપોઆપ બનાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.