Columns

બ્રિટનના વડા પ્રધાન બનવાની હોડમાં ઋષિ સુનાક અને લિઝ ટ્રુસ જ બાકી રહ્યા

બ્રિટનના વડા પ્રધાન બનવાની હોડ ક્લાઈમેક્સને બદલે એન્ટી ક્લાઈમેક્સ તરફ આગળ વધી રહી હોય તેવું જણાય છે. શાસક ટોરી પક્ષના નેતા બનવા માટે તેના સંસદસભ્યોનું પાંચ રાઉન્ડનું મતદાન થયું એ તમામ રાઉન્ડમાં ભારતીય મૂળના ઋષિ સુનાક મોખરે રહ્યા હતા. પાંચમા રાઉન્ડમાં ઋષિ સુનાકને ૧૩૭ અને તેમનાં હરીફ લિઝ ટ્રુસને ૧૧૩ મતો મળ્યા હતા. અગાઉ બીજા નંબરે રહેલાં પેન્ની મોર્ડન્ટ ૧૦૫ મતો સાથે ત્રીજા નંબરે ધકેલાઈને રેસમાંથી આઉટ થઈ ગયાં હતાં. પાંચ રાઉન્ડના અંતે વિજયી રહેલા ઋષિ સુનાક કુદરતી રીતે ટોરી પક્ષના નેતા અને બ્રિટનના વડા પ્રધાન બનવા જોઈએ, પણ ઓપિનયન પોલ કાંઈક અલગ જ સૂચવી રહ્યા છે. હવે જે બે ઉમેદવારો બાકી રહ્યા છે, તેમની ચૂંટણી ટોરી પક્ષના સંસદસભ્યો નથી કરવાના પણ તેના ૧.૮૦ લાખ જેટલા સભ્યો કરવાના છે. તે પૈકી ૭૩૦ સભ્યોનો સર્વે કરવામાં આવ્યો તો તેમાંના ૬૨ ટકાએ કહ્યું કે તેઓ લિઝ ટ્રુસને મત આપશે, જ્યારે માત્ર ૩૮ ટકાએ ઋષિ સુનાકને મત આપવાનું કહ્યું હતું. જો મતદારો તે મુજબ જ મતદાન કરે તો ૫ સપ્ટેમ્બરે લિઝ ટ્રુસ બ્રિટનનાં વડાં પ્રધાન બનશે.

૨૦૧૯ માં ટોરી પક્ષની ચૂંટણી થઈ ત્યારે તેના સભ્યોની સંખ્યા આશરે ૧.૬૦ લાખની હતી. ત્યાર પછી સંખ્યા વધી હોવાનું કહેવાય છે. વર્તમાન સંખ્યા ૧.૮૦ થી ૨ લાખ વચ્ચે હોઈ શકે છે. આ પૈકી તમામ વયજૂથમાં અને સ્ત્રીપુરુષોમાં પણ લિઝ ટ્રુસ વધુ લોકપ્રિય છે. બુકીઓ પણ હવે લિઝ ટ્રુસના વિજયની સંભાવના વધુ જોઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે જ્યારે ૨૦૧૬ માં બ્રેક્સિટ માટે મતદાન થયું ત્યારે ઋષિ સુનાકે તેની તરફેણમાં પ્રચાર કર્યો હતો, જ્યારે લિઝ ટ્રુસ તેના વિરોધમાં હતાં. બોરિસ જોનસન વડા પ્રધાન બન્યા તે પછી તેમણે કાચિંડાની જેમ રંગ બદલ્યો હતો અને તેઓ બ્રેક્સિટના કેમ્પમાં જોડાઈ ગયાં હતાં. આ કારણે બ્રેક્સિટનો વિરોધ કરનારા ટોરી સભ્યો તેમનાથી નારાજ છે. તેઓ ફાઇનલ ચૂંટણીમાં ઋષિ સુનાકને જ પોતાનો મત આપવાના છે.

બ્રિટનના વડા પ્રધાન બનવાની હોડમાં જે બે ઉમેદવારો બાકી રહ્યા છે, તેઓ બંને બોરિસ જોનસનના પ્રધાનમંડળમાં સામેલ હતા. ઋષિ સુનાક ચાન્સેલર ઓફ ધ એક્સચેકર (નાણાં પ્રધાન) હતા તો લિઝ ટ્રુસ વિદેશ પ્રધાન હતા. જ્યારે બોરિસ જોનસનનાં કૌભાંડો બહાર આવ્યાં તે પછી ઋષિ સુનાકે રાજીનામું આપીને તેમની સામે બળવો કર્યો હતો, જેને પરિણામે જોનસનને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારે લિઝ ટ્રુસ બોરિસ જોનસનને વફાદાર રહ્યાં હતાં અને તેમણે છેલ્લે સુધી રાજીનામું નહોતું આપ્યું. બોરિસ જોનસને ઋષિ સુનાકને બ્રિટનના વડા પ્રધાન બનાવવાની ઝુબેશનો વિરોધ કરતી ઝુંબેશ ચલાવી હતી. તેમનો સંદેશો હતો કે બીજા કોઈને પણ વડા પ્રધાન બનાવો, પણ ઋષિ સુનાક ન જોઈએ. તેનું કારણ એ હતું કે તેમને લાગતું હતું કે ઋષિ સુનાકે રાજીનામું આપીને તેમની પીઠમાં ખંજર માર્યું છે. વળી ઋષિ સુનાક કાળી ચામડીના હોવાથી રંગભેદી વલણ ધરાવતા ટોરી મતદારો ગોરી ચામડી ધરાવતાં લિઝ ટ્રુસને પસંદ કરી રહ્યા છે. જો ઓપિનિયન પોલ સાચા પુરવાર થાય તો તા. ૫ સપ્ટેમ્બરે લિઝ ટ્રુસ વડાં પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.

લિઝ ટ્રુસનો જન્મ ૧૯૭૫ માં થયો હતો. તેમનાં માતાપિતા ડાબેરી વિચારસરણી ધરાવતાં હતાં, પણ તેઓ પોતે જમણેરી વિચારસરણી ધરાવે છે. ઋષિ સુનાક કરવેરાઓ વધારવાની હિમાયત કરે છે ત્યારે લિઝ ટ્રુસ કરવેરા ઘટાડવાની હિમાયત કરે છે. માર્ગારેટ થેચર જ્યારે બ્રિટનનાં વડાં પ્રધાન હતાં ત્યારે તેમણે ટીનએજરના રૂપમાં તેમની નીતિઓનો પણ વિરોધ કર્યો હતો અને તેમની વિરુદ્ધના દેખાવોમાં પણ જોડાયાં હતાં. માર્ગારેટ થેચરના અણુ કાર્યક્રમો સામેના વિરોધમાં તેઓ જોડાયાં હતાં. લિઝ ટ્રુસ મિર્ઝાપુરી લોટા જેવા હોવાથી તેમની કોઈ નક્કી વિચારધારા નથી. આ કારણે તેઓ ૨૦૧૪ થી લઈને અત્યાર સુધીના તમામ પ્રધાનમંડળનાં સભ્ય બન્યાં હતાં. તેમણે કુલ ત્રણ વડા પ્રધાનોના હાથ નીચે કામ કર્યું છે. હાલમાં પ્રધાનમંડળનાં તેઓ સૌથી સિનિયર સભ્ય છે.

લિઝ ટ્રુસનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો. તેમનું બાળપણ લિડ્સમાં વીત્યું હતું. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફી, રાજનીતિ અને અર્થકારણનો અભ્યાસ કર્યો હતો. તેમણે શેલ કંપનીમાં આર્થિક સલાહકાર તરીકે કામ કર્યું હતું. રાજકારણમાં પ્રવેશ કરીને તેઓ સાઉથવેસ્ટ લંડનના કોર્પોરેટર બન્યાં હતાં. ૨૦૧૦ માં ચૂંટણી લડીને તેમણે સંસદમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૨ માં ડેવિડ કેમેરોને તેમને શિક્ષણ મંત્રી બનાવ્યાં હતાં. ૨૦૧૪ માં તેઓ પહેલી વખત પ્રધાનમંડળમાં જોડાયાં હતાં. તેઓ ન્યાય ખાતાંમાં અને વેપાર ખાતાંમાં પણ પ્રધાન બની ચૂક્યાં છે.

ઋષિ સુનાક જ્યારે નાણાં પ્રધાન હતા ત્યારે તેમણે કરવેરા વધારીને બ્રિટનના અર્થતંત્રને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોરોના દરમિયાન તેમણે નોકરી ગુમાવનારાં બ્રિટીશ નાગરિકોને તેમના પગારના ૬૦ ટકા ઘેર બેઠા આપીને તેમને ટકાવી રાખ્યા હતા. તેથી વિરુદ્ધ લિઝ ટ્રુસ કરવેરા ઘટાડવાનાં હિમાયતી છે. તેમણે જાહેર કર્યું છે કે જો તેઓ વડાં પ્રધાન બનશે તો કરવેરામાં ૪૧ અબજ ડોલરનો ઘટાડો કરશે. આ ઘટાડાને કારણે જે ખાધ ઊભી થશે તે તમે કેવી રીતે પૂરશો? તેના જવાબમાં તેઓ કહે છે કે તેઓ લોન લઈને ખાધ ભરપાઈ કરી દેશે. તેમનો આ જવાબ અર્થશાસ્ત્રના નિષ્ણાતો હજમ નથી કરી શકતા, પણ મતદારોને તો કરવેરામાં ઘટાડો કરવાની વાત ગમે છે. કદાચ આ કારણે જ તેઓ ટોરી પક્ષનાં નેતાં બનવાની હોડમાં આગળ જણાય છે.

લિઝ ટ્રુસ સૌથી લાંબા સમયથી પ્રધાનમંડળમાં છે તો પણ બ્રિટનનું મીડિયા તેને ગંભીરતાથી લેતું નથી. ભારતમાં રાહુલ ગાંધીને જેમ પપ્પુ ગણવામાં આવે છે તેમ બ્રિટીશ મીડિયામાં તેમના ઘણા છબરડાઓની ચર્ચા ચાલે છે. ૨૦૧૪ ના એક ભાષણમાં તેમણે જાહેર કર્યું હતું કે બ્રિટનમાં આટલાં બધાં ચીઝની આયાત કરવામાં આવે છે તેમાં તેમને શરમ જેવું લાગે છે. તેમનાં આવાં તો ઘણાં હાસ્યાસ્પદ ભાષણો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યાં છે. તેમની સાથે કામ કરનારા ટોરી સંસદસભ્યો કહે છે કે લિઝ ટ્રુસ ઘણી વખત તેમની સાથે વાત કરનારા શખ્સની આંખોમાં તાકી રહે છે અને કંઈ બોલ્યા વિના સ્મિત આપ્યા કરે છે. તેમના પ્રશંસકો તેને મૈત્રીપૂર્ણ વ્યવહાર માને છે. જ્યારે પ્રધાનમંડળની મીટિંગ ચાલી રહી હોય અને કોઈ સરકારી અધિકારી પોતાની વાત રજૂ કરી રહ્યા હોય ત્યારે તેઓ તોછડાઈથી તેમને રોકીને કહી દે છે કે, હું તમારી વાત સાથે સંમત નથી.

ઋષિ સુનાક પોતે બહુ ધનવાન છે અને તેમણે અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થામાં શિક્ષણ લીધું છે. તેમનાં પત્ની અક્ષતા ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનાં પુત્રી છે. તેમની ગણતરી બ્રિટનની સૌથી ધનવાન મહિલાઓમાં થાય છે. તેની સામે લિઝ ટ્રુસ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. તેને તેઓ પોતાનો પ્લસ પોઇન્ટ ગણાવે છે. મધ્યમ વર્ગનાં મતદારોને લાગે છે કે તેઓ તેમના જૂથનાં છે. તાજેતરમાં એક ટી.વી. ડિબેટમાં ઋષિ સુનાકે તેમને સવાલ કર્યો ત્યારે તેમણે જવાબમાં કટાક્ષ કર્યો હતો કે મેં તમારી જેમ બ્રિટનની શ્રેષ્ઠ ગણાતી સ્કૂલમાં શિક્ષણ નથી લીધું. તેઓ ઋષિ સુનાકની ટીકા કરતાં કહે છે કે તેમની આર્થિક નીતિને કારણે તો બ્રિટન કટોકટીમાં મૂકાઈ ગયું છે. જો કે ઋષિ સુનાકે હજુ હાર કબૂલી લીધી નથી. તેમને આશા છે કે ઓપિનિયન પોલ ખોટા પડી શકે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top