જ્યારે પણ તમે કોઈ ઉદ્યોગપતિને કોઈ મોટી ચૅલેન્જ માટે પૂછશો તો મોટે ભાગે એક જ જવાબ મળતો હોય છે કે સારા માણસો મળતા નથી. સારા માણસો મળે તો કંપનીની વધુ પ્રગતિ થઈ શકે છે. હાલમાં ભારતની આર્થિક પરિસ્થિતિ જ્યારે પાછી ટ્રેક પર આવી ગઈ છે ત્યારે ફરી ઍમ્પ્લૉયમૅન્ટનું માર્કેટ ખૂલવા માંડ્યું છે. સારા કર્મચારીઓની અછત વર્તાઈ આવે છે. સમાચારપત્રોમાં ઍપૉઇન્ટમૅન્ટનાં પેજ ફરી ભરાવા લાગ્યાં છે. ગયા વર્ષના પર્ફોર્મન્સને આધારે આ વખતે કર્મચારીઓને મળેલો સારો પગારવધારો સારા દિવસોની આગાહી કરી રહ્યો છે. કર્મચારીઓની માર્કેટ મુવમૅન્ટ ફરી વધવા લાગી છે. પગારવધારાની સાથે કર્મચારીઓનું નોકરી છોડી દેવાનું પ્રમાણ પણ વધવા માંડ્યું છે. જ્યારે એક સારો કર્મચારી કંપની છોડીને જાય ત્યારે તેનું રિપ્લેસમૅન્ટ શોધવા માટે વધુમાં વધુ 10 કર્મચારીઓને જોવામાં આવે છે છતાં પણ કંપનીઓને સારા કર્મચારીઓ મળતા નથી તેવી ફરિયાદ થતી હોય છે.
કંપનીના માલિકો અથવા તો મેનેજમેન્ટ સારા કર્મચારીઓની નિમણૂક માટે HR ડિપાર્ટમેન્ટ પર મોટો મદાર રાખે છે પરંતુ પરિસ્થિતિ એ છે કે HR ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીઓ અથવા તો ખુદ HRના હેડને ભાગ્યે જ બિઝનેસ સાઈકલની સમજ હોય છે. દસમાંથી ફક્ત બે જ HR હેડ પોતાની કંપનીના બિઝનેસને સમજે છે અને કંપનીના લાઈન મેનેજર જેટલું નોલેજ ધરાવે છે. બહુ ઓછા HR પ્રોફેશનલ્સને જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તે ઇન્ડસ્ટ્રીઝની જાણકારી હોય છે. HR ડિપાર્ટમેન્ટ મોટા ભાગની કંપનીમાં હજી પણ સપોર્ટ ડિપાર્ટમેન્ટનું કામ કરે છે.
કંપનીનું HR ડિપાર્ટમેન્ટ જ્યારે કર્મચારીની નિમણૂક કરવાની હોય ત્યારે બાયૉડેટાનો જથ્થો આપે છે પરંતુ મોટા ભાગે એવું બને છે કે એમાંથી 80 ટકા બાયૉડેટા રિલેવન્ટ હોતા નથી. તેનું મુખ્ય કારણ HR ડિપાર્ટમેન્ટ કંપનીની બિઝનેસ સાઇકલ સમજી શકતા નથી અને બીજા કારણમાં કંપનીને ખરેખર કેવા પ્રકારના માણસની જરૂર છે તેમની સમજ તેમને હોતી નથી. તેઓ યંત્રવત્ કામ કરવામાં જ માને છે.
એવી જ રીતે ઇન્ટરવ્યૂ લેનાર ડિપાર્ટમેન્ટ મૅનેજર ટાઇમના અભાવે ઉતાવળમાં ઇન્ટરવ્યૂ લેતા હોય છે અને આવી ઉતાવળમાં ખોટા કર્મચારીને પસંદ કરી લે છે અને અંતે તો આનું પરિણામ કંપની ભોગવતી હોય છે. જરૂર છે નીચે દર્શાવેલા મુદ્દા ઉપર ધ્યાન આપવાની.
નવા કર્મચારીને અપૉઇન્ટ કરો ત્યારે આ બાબતો ધ્યાનમાં રાખો.
- 1.કર્મચારીની યોગ્યતા નક્કી કરવા માટે તેણે કેટલો અભ્યાસ કર્યો છે તે ચેક કરવું અગત્યનું છે પરંતુ તેનાથી પણ અગત્યનું કેન્ડિડેટનો એપ્રોચ કેવો છે, તેનું બિહેવિયર પૉઝિટિવ છે કે નહીં તે જોવાનું છે.
- 2. મોટે ભાગે ઇન્ટરવ્યૂ લેનાર પહેલી પાંચ મિનિટમાં કેન્ડિડેટ વિશે અભિપ્રાય મનમાં બાંધી લે છે જે ખોટું છે. તમારે તટસ્થ મનથી ખૂબ ઊંડાણમાં જઈને કર્મચારીની પૂરી ચકાસણી કરવી જરૂરી છે અને પછી જ તમારો અભિપ્રાય બાંધો.
- 3.મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે કેન્ડિડેટ પોતાનો બાયૉડેટા બનાવવા માટે ઇન્ટરનેટમાંથી કોપી કરતા હોય છે. આથી ખૂબ જ સરસ રીતે બનાવેલા બાયૉડેટાથી ભરમાશો નહીં અને બાયૉડેટામાં લખેલી બાબતોની કેન્ડિડેટ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી. આથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
- ઇન્ટરવ્યૂ લેતાં પહેલાં ઇન્ટરવ્યૂ લેનારે પણ તૈયારી કરવી ખૂબ જરૂરી છે. જો તમારે સાચો કેન્ડિડેટ સિલેક્ટ કરવો હોય તો એક પેપરમાં લખો કે તમારે કેવા પ્રકારનો કર્મચારી જોઈએ ને પછી કેન્ડિડેટને યોગ્ય પ્રશ્નો પૂછી તમને જોઈએ છે તે પ્રકારનો માણસ છે કે નહીં તે નક્કી કરો.
- 4.ઇન્ટરવ્યૂ લેનાર લાઇન મૅનેજર ઇન્ટરવ્યૂ લેવા માટે સમર્થ છે કે નહીં તે ચકાસો કારણ કે ઘણા લાઇન મૅનેજર પોતાની ખોટી ધારણાઓ સાથે ઇન્ટરવ્યૂની શરૂઆત કરે છે અને પોતાનાં પર્સનલ મંતવ્યોને ધ્યાનમાં રાખી કેન્ડિડેટની પસંદગી કરતા હોય છે. આવા મૅનેજરને ઓળખો અને તેમને પહેલાં તો યોગ્ય ટ્રેનિંગ આપો અને પછી ઇન્ટરવ્યૂ લેવા બેસાડો.
- 5.મોટા ભાગના HR ડિપાર્ટમેન્ટ ફક્ત ઇન્ટરવ્યૂ કૉ-ઑર્ડિનેશનનું જ કામ કરતા હોય છે. જરૂર છે HR ડિપાર્ટમેન્ટે બિઝનેસ સમજવાની અને તે પ્રમાણે કેન્ડિડેટની પસંદગી કરવાની. જો તમારું HR ડિપાર્ટમેન્ટ કૉમ્પિટન્ટ નહીં હોય તો તમને સારા માણસો મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
- 6.જુનિયર કેન્ડિડેટની પસંદગી માટે ત્રણ બાબતોના સમન્વયની જરૂર હોય છે : યોગ્ય અનુભવ, બહોળું નૉલેજ અને કામ કરવાની આવડત. જો આ ત્રણ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે તો કર્મચારી કંપનીમાં જોડાતાંની સાથે જ સરસ કામ કરવાની શરૂઆત કરી શકે છે.
- 7.જો તમારે કોઈ સીનિયર કેન્ડિડેટની પસંદગી કરવાની હોય તો તમે ઇન્ટરવ્યૂ માટેની યોગ્ય પેનલ બનાવો અને દરેકના અભિપ્રાયને પૂરતું મહત્ત્વ આપો અને યોગ્ય કર્મચારીની પસંદગી કરો.
- 8. કેન્ડિડેટને નિમણૂક આપતાં પહેલાં આગળની કંપનીમાં તે કેવું કામ કરતા હતા તેની જાણકારી મેળવવી જરૂરી છે.
- 9. છેલ્લે, તમે જ્યારે ઇન્ટરવ્યૂ લો ત્યારે કેન્ડિડેટને પસંદ કરવા માટે ઇન્ટરવ્યૂ લો, નહીં કે તેને રિજેક્ટ કરવા માટે.