Editorial

થરૂર કરતાં અશોક ગેહલોત જ કોંગ્રેસનો ઉદ્ધાર કરી શકશે

2014માં લોકસભાની ચૂંટણીમાં હારી ગયા બાદ દેશની સૌથી જૂની ગણાતી કોંગ્રેસ પાર્ટીની હાલત ખરાબ થઈ જવા પામી છે. લોકસભાની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ મોટાભાગના રાજ્યોમાં હારતી રહી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને લોકસભાની કુલ બેઠક પૈકી 10 ટકા જેટલી બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જે રાજ્યોમાં કોંગ્રેસ જીતી હતી ત્યાં પણ ધારાસભ્યો ભાજપમાં જતાં રહેતા કોંગ્રેસે જે તે રાજ્ય ગુમાવવા પડ્યા હતા. ધારાસભ્યો કેમ જતાં રહ્યા? તે અલગ વિષય છે પરંતુ કોંગ્રેસ પક્ષને ફરી જીત સુધી લઈ જવામાં તેના નેતાઓ નબળા સાબિત થયા તે હકીકત છે.

છેલ્લે કોંગ્રેસમાં ગાંધી પરિવારના નહીં હોય તેવા સીતારામ કેસરી કોંગ્રેસ અધ્યક્ષ હતા. 24 વર્ષ પહેલા સોનીયા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસે કેન્દ્રમાં 10 વર્ષ સુધી સત્તાનો સમય જોયો પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધી કોંગ્રેસને આગળ લાવવામાં સમક્ષ રહ્યા નથી. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહાસચિવ બન્યા પરંતુ યુપીમાં તમામ સત્તા લીધા બાદ પણ કોંગ્રેસને સત્તા પર લાવી શક્યા નહીં. કોંગ્રેસના નેતાઓ તો હજુ પણ ગાંધી પરિવારની વ્યક્તિને જ અધ્યક્ષ તરીકે જોવા માટે ઈચ્છે છે પરંતુ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનવામાં રસ નથી. સોનીયા ગાંધીની તબિયત હવે તેમને સાથ આપતી નથી. આ સંજોગોમાં કોંગ્રેસે કોઈપણ રીતે નવા અધ્યક્ષ તરીકે ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિની પસંદગી કરવી પડે તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની પ્રક્રિયા જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળી ગયા છે.

જે રીતે રાજકીય પરિસ્થિતિ આકાર લઈ રહી છે તે પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગાંધી પરિવારના વફાદાર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ઝંપલાવશે તે ચોક્કસ છે. અશોક ગેહલોતે જાહેરાત કરી દીધી છે કે જો રાહુલ ગાંધી નહીં માને તો પોતે કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણી લડશે. સામે શશી થરૂર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ઝંપલાવશે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે પણ કહી દીધું છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે નહીં. આ કારણે હવે કોંગ્રેસના અધ્યક્ષનો જંગ કોની-કોની વચ્ચે લડાશે તે મુદ્દો મહત્વનો બની ગયો છે. ગુરૂવારે તા.22મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે અને સંભવત: આગામી તા.17મી ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ માટે મતદાન થશે.

કોંગ્રેસ અધ્યક્ષ માટેની ચૂંટણી અશોક ગેહલોત અને શશી થરૂર વચ્ચે લડાશે તે લગભગ નક્કી છે. શશી થરૂર જી-23માં અગાઉ જોડાયેલા હતા પરંતુ બાદમાં પરત સોનીયા ગાંધીના કેમ્પમાં આવી ગયા. સંભવત: જે રીતે સ્થિતિ છે તે જોતાં અશોક ગેહલોત જ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી જીતશે અને જો કોંગ્રેસનો ઉદ્ધાર કરવો હોય તો પણ અશોક ગેહલોત જ ચૂંટણી જીતે તે કોંગ્રેસના હિતમાં છે. કોંગ્રેસમાં જો ઘડાયેલા નેતા તરીકે જોવામાં આવે તો તેમાં અશોક ગેહલોત પ્રથમ સ્થાને આવે તેમ છે. અશોક ગેહલોત જમીન સાથે જોડાયેલા નેતા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ જીતી તેમાં અશોક ગેહલોતનો મોટો ફાળો છે. એટલું જ નહીં, ભાજપના લાખ પ્રયત્નો છતાં પણ રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો તોડવામાં ભાજપના નેતાઓ સફળ રહ્યા નથી. જે અશોક ગેહલોતની આવડત છે. સામે જો શશી થરૂરને જોવામાં આવે તો શશી થરૂર પોલિશ્ડ નેતા છે પરંતુ એટલા જમીન સાથે જોડાયેલા નથી. સંગઠનમાં પણ શશી થરૂર એટલા મજબૂત નથી. હિંદીભાષી પટ્ટામાં જેટલો સ્વીકાર અશોક ગેહલોતનો થાય તેટલો સ્વીકાર શશી થરૂરનો થઈ શકે તેમ નથી. શશી થરૂરની ભ્રમરવૃત્તિ પણ તેમને નડી શકે તેમ છે.

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં પણ અશોક ગેહલોતની રણનીતિને કારણે જ કોંગ્રેસને મોટી સફળતા મળી હતી. આ કારણે જ આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અશોક ગેહલોતને જ જવાબદારી સોંપવામાં આવી છે. જો અશોક ગેહલોત રાષ્ટ્રીય પ્રમુખ બને તો કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર કરી શકે છે અને તેને કારણે કોંગ્રેસ મજબુત પણ બની શકે તેમ છે. આ કારણે જ કોંગ્રેસના મોટાભાગના નેતાઓ અશોક ગેહલોત જ પ્રમુખ બને તેમ ઈચ્છી રહ્યા છે. જો અશોક ગેહલોત પ્રમુખ બનશે તો જ કોંગ્રેસ લોકસભાની આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરી શકશે તેમ ચોક્કસ છે.

Most Popular

To Top