જે ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાંથી દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા હતા તે ગુજરાતમાં છેલ્લા 36 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી. આશ્ચર્ય થાય પરંતુ આ સત્ય છે. ભલે કોંગ્રેસ દેશમાં ફરી સત્તા પર આવવાની ગુલબાંગો હાંકતી હોય પરંતુ કોંગ્રેસ હાલના તબક્કે ગુજરાતમાં પણ સત્તા મેળવી શકે તેવી સ્થિતિમાં નથી. એવું નથી કે કોંગ્રેસના મતદારો નથી. કોંગ્રેસના આજે પણ કમિટેડ મતદારો છે. કોંગ્રેસ કોઈપણ ઉમેદવારને ઊભો રાખે પરંતુ ચોક્કસ મતો તેને મળે જ પરંતુ સમસ્યા એ છે કે કોંગ્રેસ યોગ્ય નેતાને ગુજરાતનું સુકાન સોંપી શકતી નથી. એવું નથી કે ગુજરાતમાં કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળી નથી. છેલ્લા 36 વર્ષમાં ગુજરાતને સરકાર બનાવવા માટે અનેક તકો મળી પરંતુ સમસ્યા એ થઈ કે દરેક વખતે નેતાઓ નબળા સાબિત થયા. 2017માં તો કોંગ્રેસને 77 બેઠક મળી હતી. જો કોંગ્રેસના નેતાઓએ તે સમયે ગંભીરતા દાખવી હોત તો ગુજરાતમાં સત્તા મળી શકી હોત. પરંતુ કોંગ્રેસના નેતાઓ ફરી વખત નાકામ સાબિત થયાં.
મોદી ભલે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે પરંતુ કોંગ્રેસને આજે પણ મતો મળે છે, પરંતુ સરવાળે કોંગ્રેસનું સંગઠન નબળું હોવાને કારણે ઉમેદવારો જીતતાં નથી. જે જીતે છે તે બાદમાં ભાજપમાં જોડાઈ જાય છે. જેને કારણે મતદારોએ કોંગ્રેસના ઉમેદવારો પર મુકેલો વિશ્વાસ તૂટી જાય છે. કોંગ્રેસના સંગઠનની નબળાઈ ભાજપ સારી રીતે સમજે છે અને તેને કારણે જ ભાજપ પોતાના મજબૂત સંગઠનના આધારે ચૂંટણીઓ જીતી જાય છે. આ કારણે જ હવે કોંગ્રેસને જરૂર છે એવા મજબુત નેતા કે જે આખા ગુજરાતમાં ફરીને કોંગ્રેસના સંગઠનને મજબૂત કરી શકે. ભાજપની જે પેજપ્રમુખની થિયરી છે તે થિયરીને તોડી શકે તેવા આયોજનો કરી શકે તેવા નેતાની ગુજરાત કોંગ્રેસને જરૂર છે. પરંતુ સમસ્યા મોટી એ છે કે ગુજરાત કોંગ્રેસમાં એના એ જ જૂના નેતાઓને સુકાન સોંપવામાં આવે છે અને સરવાળે કોંગ્રેસ મજબૂત થતી નથી.
હાલમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા કાર્યરત છે.
અગાઉ ભરતસિંહ સોલંકી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતાં. હાલમાં જેને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવાની ચર્ચા ચાલી રહી છે તેવા અર્જુન મોઢવડીયા પણ જૂના નેતા છે. કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષી નેતા તરીકે અર્જુન મોઢવડીયા કાર્યરત રહી ચૂક્યા છે. કોંગ્રેસના હાઈકમાન્ડે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નવા પ્રમુખ નિમવાની કવાયત શરૂ કરી છે. જેમાં હાર્દિક પટેલને પણ દિલ્હી બોલાવવામાં આવ્યાં છે પરંતુ કોંગ્રેસ દ્વારા જો જુના નેતાઓને જ ફરી પ્રદેશ પ્રમુખનો તાજ સોંપવામાં આવશે તો કોંગ્રેસ મજબુત થવાની શક્યતાઓ નિર્મુળ થઈ જાય તેમ છે. મોઢવડીયા ત્રણ વર્ષ વિધાનસભાના વિપક્ષી નેતા તરીકે રહી ચૂક્યા છે. પરંતુ સંગઠન મજબુત કરી શકે તેવા નેતા નથી. 2012 પછીની ચૂંટણીઓમાં મોઢવડીયા હારી ચૂક્યા છે. મોઢવડીયા આખી ગુજરાત કોંગ્રેસને સાથે લઈને ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. ખરેખર તો કોંગ્રેસને એવા નેતા જ ગુજરાતમાં ઉગારી શકે તેમ છે કે જે યુવા મતદારોને આકર્ષી શકે.
આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ આવશે. ભાજપની અનેક નિષ્ફળતાઓનો કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં મોટો લાભ ઉઠાવી શકે તેમ છે. કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ બને તેણે પહેલા કોંગ્રેસને મજબુત કરવાની કામગીરી કરવી પડશે. સાથે સાથે ભાજપની નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ લાવવી પડશે. જૂના નેતાઓનું હાલમાં એવું ગજું નથી. અનામત આંદોલન દ્વારા હાર્દિક પટેલે પાટીદાર યુવાનોમાં કરીશ્મા ઊભો કર્યો હતો પરંતુ કોંગ્રેસે તેને કાર્યકારી પ્રમુખ બનાવીને સાઈડમાં જ રાખ્યો છે. મતદારો પણ ઈચ્છી રહ્યા છે કે કોંગ્રેસનું નવીનીકરણ થાય. મતદારો ભાજપનો વિકલ્પ મળે તેની રાહ પણ જુએ છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડનો પ્રદેશ પ્રમુખનો નિર્ણય જ ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસનું ભાવિ નક્કી કરશે તે ચોક્કસ છે.