Entertainment

કિયારા, જાન્હ્‌વી, અનન્યા દો કદમ આગે, તીન કદમ પીછે

કોરોનાએ દેશનાં દરેક ક્ષેત્રનાં માળખાં ધ્વસ્ત કરી નાંખ્યા છે. એ દરેક વ્યકિત કે જે ભવિષ્યની યોજના બનાવીને આગળ વધતી હતી તે બધાની યોજનાઓ હોલ્ડ પર છે ને ફરી બધું શરૂ થશે ત્યારે એ યોજનાઓનું આખું સ્વરૂપ, તેના સંજોગો બદલાઇ ગયા હશે. ફિલ્મોદ્યોગ પણ આજ અનુભવે છે. દરેકે દરેક ફિલ્મ સાથે અનેકનાં સ્વપ્નો અને ભવિષ્યની યોજનાઓ જોડાયેલા હોય છે પણ હમણાં એ બધા પર જાળા બાઝયા છે યા કાટ ચડી ગયો છે. જેઓ અત્યારે પણ સક્રિય રહી શકયા હોય તેની શકિત – દૃષ્ટિને બિરદાવી શકાય, બાકી અનેકની હાલત ખરાબ છે. આપણે ફિલ્મસ્ટાર્સના જીવન કેવા વીતી રહ્યા છે તેના આધારે આખા ફિલ્મોદ્યોગ વિશે કહી ન શકીએ. જેઓ કરોડો કમાયને બેઠા છે તે તો આ સમય પસાર કરી જશે, પણ બીજા અનેકને આપણે જાણતા નથી.

જે સ્ટાર્સ છે યા આવનારા સમયનાં સ્ટાર તરીકે જોવાય રહ્યા છે તે બધાની સ્થિતિ પણ સરખી નથી. જાન્હ્‌વી કપૂર, કિયારા અડવાણી, તારા સુતરીયા, ફાતિમા સના શેખ, અનન્યા પાંડે, સારા અલી ખાન જેવી અભિનેત્રીઓની કારકિર્દી હજુ આરંભિક તબકકામાં છે અને આ ટેબ્લો પડયો છે. હજુ આમાં ઉમેરવા જેવા નામો બીજાં ય છે પણ મૂળ વાત તો તેઓ જે પ્રકારના સંજોગો અનુભવી રહ્યા છે તેની છે. ઘણી અભિનેત્રીઓ તેમના એકદમ હોટ કહેવાય તેવા ફોટા ઇન્સ્ટાગ્રામ પર મુકી ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે તો કોઇ વળી માલદીવ્સના પ્રવાસના ફોટા મુકે છે. શૂટિંગના ફોટાઓ તો આપવા મુશ્કેલ છે અને મુહુર્તશોટના ફોટા તો ભૂતકાળની વાત બની ગઇ છે.

અત્યારે જે અભિનેત્રીઓના ભવિષ્ય વિશે સારી વાત થતી હતી તેમાં જાન્હ્‌વી, કિયારા, અનન્યા, તારા સુતરીયા વગેરે છે. અનન્યાની કારકિર્દી તો જસ્ટ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી શરૂ થઇ હતી. ૨૦૧૯ માં એ ફિલ્મ આવી અને પછી ‘પતિ પત્ની ઔર વો’ અને ‘ખાલી પીલી’ રજૂ થઇ ત્યાં ફિલ્મોના કામ અટકી પડયા. બ્યુટીફૂલ અનન્યા, ચંકી પાંડેની દિકરી છે. ચંકીની પોતાની કારકિર્દી તો ખૂબ સફળ રહી નહોતી પણ અનન્યાએ સારી શરૂઆત કરેલી. તેને હિન્દી, તેલુગુમાં બની રહેલી ‘લાઇગર’માં તક મળી. કરણ જોહરના બેનરની ફિલ્મ છે અને ગ્રાન્ડ લેવલ પર બની રહી છે. અનન્યાનો હીરો વિજય દેવરકોંડા હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો માટે જાણીતો નથી પણ ‘લાઇગર’ માટે ખૂબ સારી વાત થાય છે. ૯મી સપ્ટેમ્બરે તેને રજૂ કરવાની યોજના છે. જો એમ થશે તો અનન્યા ખુશ થશે. કારકિર્દીના આરંભે તો દરેક રજૂ થતી ફિલ્મ આવનારા સમયની સફળતા – નિષ્ફળતા નકકી કરે છે.

જાન્હ્‌વી કપૂરે અનન્યાથી એક જ વર્ષ પહેલાં ૨૦૧૮ માં કારકિર્દી શરૂ થયેલી તેની કુલ પાંચ ફિલ્મો રજૂ થઇ છે તેમાં ‘ધડક’ ઉપરાંત ‘ગુંજન સકસેના: ધ કારગીલ ગર્લ’ અને ‘રુહી’ પણ સફળ રહી છે. જાન્હ્‌વી પાસે ઘણી આશા રાખવામાં આવે છે. તેની પાસે ય અનન્યાની જેમ જ કુલ બે જ નવી ફિલ્મો છે જેમાંની એક ‘ગુડ લક જેરી’ બની ગઇ છે અને ‘દોસ્તાના-2’ નું શુટિંગ અમૃતસરમાં શરૂ થયેલું પણ પછી લાંબો સમય અટકયું તે આ એપ્રિલથી ફરી શરૂ થયું છે.

તેની સાથે કાર્તિક આર્યન હતો પણ નિર્માતા કરણ જોહરે તેને પડતો મુકયો છે. ‘દોસ્તાના’ની સિકવલરૂપે બની રહેલી આ ફિલ્મમાં અત્યારે જાન્હ્‌વી સાથે લક્ષ લાલવાણી છે. ‘ગુડ લક જેરી’ આનંદ એલ. રાય જેવાના નિર્માણમાં બની છે જે તમિલ ફિલ્મ ‘કોલામાવુ કોકીલા’ની રિમેક છે. જાન્હ્‌વી તેમાં ખુશમિજાજ પાત્રમાં દેખાવાની છે. આ ફિલ્મમાં તેના સિવાય તો દીપક કોબ્રિયાલ, સુશાંત સીંઘ વગેરે છે એટલે જાન્હ્‌વીએ પોતાને જ ‘ગુડલક’ કહેવાનું છે ને તેના પાત્રનું નામ જેરી છે એટલે ‘ગુડલક જેરી’ કહી શકે! અત્યારે તેને આ ગુડલકની તાતી જરૂરિયાત છે. આ બે ઉપરાંત કિયારા પણ આ ૧૫ મહિના જેવા વિત્યા તેનાથી નારાજ છે. તેની પાસે તો ‘જુગ જુગ જીયો’ ફિલ્મ કમ્પલીટ થઇને પડી છે.

‘શેરશાહ’ અને ‘ભૂલ ભૂલૈયા-2’ નું શૂટિંગ ચાલુ છે અને ‘મિસ્ટર લેલે’ અનાઉન્સ થઇ છે. તેણે ૨૦૧૪ થી કારકિર્દી શરૂ કરેલી અને ૧૦ ફિલ્મો રજૂ થઇ ગઇ છે પણ ‘કબીરસીંઘ’ અને ‘ગુડ ન્યૂઝ’ની સફળતા પછી તેને ગમતો ટ્રેક મળ્યો અને ચાર ફિલ્મો સાથે તે ભવિષ્ય જોતી હતી. તેને વરુણ ધવન, સિધ્ધાર્થ મલ્હોત્રા, કાર્તિક આર્યન, વિકી કૌશલ જેવા સાથે ફિલ્મો મળી છે. તે આવતી કાલની અભિનેત્રીઓમાં પોતાની સારી પોઝીશન જુએ છે પણ અત્યારે સિચ્યુએશન લોકડ છે.આ ત્રણ સિવાય બીજી અભિનેત્રીઓ છે જે પોતાના વિશે અત્યારે ચૂપ રહે છે જેથી તેમનું દુ:ખ સચવાયેલું રહે છે. બીજા છ એક મહિનામાં સંજોગો બદલાય તો તેઓ પોતાના ભવિષ્યના દાવા આગળ કરી શકે.

Most Popular

To Top