Madhya Gujarat

દેશમાં માત્ર 20 ટકા માલિકી મહિલા ઉદ્યોગસાહસિકો પાસે છે

આણંદ : ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન દ્વારા મહિલા સાહસિકોને મદદ કરવાની દિશામાં નક્કર પગલાના રુપે લજ્જા-વિમેન્સ ફોરમ સાથે એમઓયુ કરાયું હતું. લજ્જા – વિમેન્સ ફોરમ એ સમગ્ર દેશમાં 69 હજારથી વધારે મહિલાઓનું નેટવર્ક ધરાવતું મહિલા પ્લેટફોર્મ છે. લજ્જા – વિમેન્સ ફોરમ એ ભારતનું પ્રથમ પ્લેટફોર્મ છે જે મહિલાઓની વૃદ્ધિ, વિકાસ અને સ્વ-સશક્તિકરણ પ્રત્યે સતત કાર્યરત છે.તેમની સાથે એમઓયુ કરીને મહિલાને આગળ વધારવાના કામમાં એક ડગલુ ભર્યું હતું.

ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન એ મહિલા સાહસિકોને સાચા અર્થમાં વિકાસ કરવામાં મદદ કરવાની દિશામાં એક નક્કર પગલું ભર્યું છે. ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશનએ મહિલા ઉદ્યોગસાહસિકતાને સંયુક્ત રીતે પ્રોત્સાહન આપવા અને મહિલા સાહસિકોના આર્થિક વિકાસના માર્ગો શોધવા માટે લજ્જા- વિમેન્સ ફોરમ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો હેતુ ગતિ વૃદ્ધિ માટે મહિલા સાહસિકોને આકર્ષવા, મહિલા સાહસિકોને સશક્ત કરવા, મહિલા સાહસિકો માટે ઇકોસિસ્ટમ બનાવવી, ચારુસેટ યુનિવર્સિટીના વિમેન ડેવલપમેન્ટ સેલ (WDC)ને મજબૂત કરવાનો હતો.

ચારુસેટ અને લજ્જા – વિમેન્સ ફોરમ વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર કરવાનું આયોજન ચારુસેટ ઈનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશનના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન સીઆઈવીએફના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશી, ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લીકેશન્સના ઇન્ચાર્જ ડીન અને ડબ્લુડીસીના કો-ઓર્ડિનેટર ડો. સંસ્કૃતિ પટેલ, સીએસપીઆઈટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડબ્લુડીસીના કો-ઓર્ડિનેટર પિનલ પટેલ ઉપરાંત લજ્જા – વિમેન્સ ફોરમના સ્થાપક ડો. રિદ્ધિ દોશી પટેલ અને લજ્જા – વિમેન્સ ફોરમના ગુજરાતના વડા પ્રીતિ ઠક્કર હાજર રહ્યા હતા. ભારતમાં લગભગ 20 ટકા MSMEsની માલિકી મહિલા ઉદ્યોગસાહસિકો પાસે છે જે પુરૂષ સાહસિકોની તુલનામાં ખૂબ ઓછી છે. આથી CIVF મહિલા સાહસિકો, સૂક્ષ્મ સાહસિકો અને વિવિધ વિકલાંગ સાહસિકોના ગતિ વૃધ્ધિ અને સશક્તિકરણ માટે ઇકોસિસ્ટમ બનાવવા સતત પ્રયત્નશીલ છે. ચારુસેટ હંમેશા “સર્વેષાન્હિતાય” માં માને છે અને અમારા કાર્યો અમારી માન્યતાઓ સાથે સુસંગત છે.

Most Popular

To Top