વડોદરા: આગામી ડિસેમ્બર મહિનામાં એમ. એસ. યુનિવર્સિટીની સેનેટની વિવિધ વિભાગોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે દરેક વિભાગના ઉમેદવારોએ કમર કસીને ચૂંટણી લડવા માટેની તૈયારીઓ આરંભી છે. રજીસ્ટર્ડ મતદારોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને મતદારોની યાદી પણ બહાર પાડવામાં આવી છે. ટ્રેડ યુનિયનની બેઠક માટે આજે એડવોકેટ નઇમ શેખે પિતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. એમ.એસ. યુનિવર્સીટીની વિવિધ વિભાગોની સેનેટની બેઠકો માટે ડિસેમ્બર માસમાં ચૂંટણીઓ યોજાશે ત્યારે યુનિવર્સીટીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સહુપ્રથમ ટ્રેડ યુનિયનની ચૂંટણી યોજાશે. વડોદરાનાં ટ્રેડ યુનિયનોએ સંયુક્ત રીતે એડવોકેટ નઇમ શેખની પસંદગી કરી હતી. તેથી તેમણે વિધિવત રીતે યુનિ.ની હેડ ઓફીસ ખાતે આવીને તેમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેમની સાથે સંયુક્ત કામદાર સમિતિના અગ્રણીઓ સંતોષ પવાર અને તપન દાસગુપ્તા સહિતના આગેવાનો જોડાયા હતા. એમ.એસ. યુનિવર્સીટીમાં 46 જેટલા શહેરના વિવિધ કામદાર સંગઠનો રજીસ્ટર્ડ થયેલા છે. કામદાર અગ્રણી બીપીનચંદ્ર પટેલ ચૂંટણી જીતીને સેનેટ સભ્ય બન્યા હતા. ત્યારે આ વર્ષે એડવોકેટ નઇમ શેખે ફોર્મ ભરી સેનેટના ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.