સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) પરીક્ષાનાં (Exam) ફોર્મ ભરતી વખતે હવે શાળાની તમામ માહિતી રજિસ્ટ્રેશન કરાવવાનો ફતવો બહાર પાડતાં શાળા (Schools) સંચાલકોની હાલત કફોડી બની છે. બોર્ડે ગયા સપ્તાહથી પરીક્ષાલક્ષી કામગીરીની તૈયારીઓ શરૂ કરી છે. શિક્ષણ બોર્ડે શાળાઓમાં ધો.10/12ની પરીક્ષાનાં ફોર્મ (Form) ભરતી વખતે શાળાઓ પાસે મૂળ રજિસ્ટ્રેશન (Registration) એટલે કે પરવાનગી સહિત ભૌગોલિક સ્થિતિનો ચિતાર સવિસ્તાર અપલોડ કરવા આદેશ કર્યો છે. બીજી તરફ બોર્ડ દ્વારા માંગવામાં આવેલી માહિતીને પગલે માળખાકીય સુવિધા અને યોગ્ય વ્યવસ્થા નહીં ધરાવતી શાળાની પોલ ખુલ્લી પડી જવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે.
સુરત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે પ્રવર્તમાન શૈક્ષણિક સત્રના મોટા ભાગના દિવસો વેડફાઇ ગયા છે. શાળાઓમાં હજી બોર્ડનાં વર્ષોના ક્લાસ શરૂ થયા છે. તે સિવાય હજી તો અન્ય ધોરણોના વર્ગો ચાલુ થયા નથી. બીજી તરફ શાળાઓમાં બોર્ડનાં ધોરણોની પરીક્ષાઓ પણ માથે આવી પડી છે. જેને કારણે બોર્ડે ગયા સપ્તાહથી પરીક્ષાલક્ષી કામગીરીની તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે શાળાઓમાં ધો.10/12ની પરીક્ષાનાં ફોર્મ ભરતી વખતે શાળાઓ પાસે મૂળ રજિસ્ટ્રેશન એટલે કે પરવાનગી સહિત ભૌગોલિક સ્થિતિનો ચિતાર સવિસ્તાર અપલોડ કરવા આદેશ કરતાં શાળા સંચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે.
શાળામાં મેઇન ગેટ, રમતગમતનાં મેદાન, તેનું ક્ષેત્રફળ તેમજ મંજૂર પ્લાન સહિત વાહનપાર્કિંગ સુવિધા જેવી વિગતો અપલોડ કરાવવા જણાવતાં શાળા સંચાલકોની હાલત કફોડી બની છે. બોર્ડે આ માહિતી અપલોડ કરનાર શાળાનાં ફોર્મ સ્વીકારવા પણ જણાવતાં સંચાલકોની મૂંઝવણ વધી ગઇ છે. જોકે બોર્ડ દ્વારા માંગવામાં આવેલી આ માહિતી શાળાની ભોગૌલિક પરિસ્થિતિ તેમજ સુવિધાઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે પણ હોઈ શકે છે.
બોર્ડે આ માહિતી મંગાવતાં લેભાગુ શાળાઓ ઉપર તવાઈ, પરીક્ષા કેન્દ્ર જ નહીં મળે
ગુજરાત શિક્ષણ બોડે ધોરણ-10/12 બોર્ડનાં પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવા સાથે શાળાઓ પાસે જે માહિતી માંગી છે તે પૈકી જે શાળાઓ સેટિંગમાં પરવાગની લઇને આવી હશે અને પૂરતી વ્યવસ્થા નહીં હોય તેમનું સત્ય બહાર આવી જશે તેવી જ રીતે જે શાળાઓ પાસે પૂરતી વ્યવસ્થા ન હોય તેમને પરીક્ષા સેન્ટર પણ મળશે કે કેમ તે પણ મહત્ત્વની બાબત છે.