નડિયાદ: નડિયાદ તાલુકા પંચાયતની સામે આવેલ એક દુકાનની બહાર બેસી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતાં એક યુવકને ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મોબાઈલ અને રોકડ મળીકુલ રૂ.૧૦,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલ પુજન બંગ્લોઝમાં રહેતો અનિલ ઉર્ફે અન્નુ દયાલદાસ મોટવાણી ગુરૂવારના રોજ સાંજના સમયે નડિયાદ તાલુકા પંચાયતની સામે આવેલ એક દુકાનની બહાર બેસી ભારત-શ્રીલંકા વચ્ચે ચાલતી ટી૨૦ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો હોવાની બાતમી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ તાત્કાલિક બાતમી મુજબની જગ્યાએ પહોંચી અનિલ મોટવાણીની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે અનિલ મોટવાણીનો મોબાઈલ તપાસતાં તેમાં એક વેબસાઈટ ઓપન હતી. જેમાં ક્રિકેટ મેચના દાવ પરના સોદા અને સેસન્શ ચાલતાં હતાં. જ્યારે બીજી વેબસાઈટ પર ક્રિકેટ મેચનો લાઈવ સ્કોર ચાલતાં હોવાથી તે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પોલીસે અનિલ મોટવાણી પાસેથી મોબાઈલ રૂ.૫૦૦૦ તેમજ રોકડા રૂ.૫૩૦૦ મળી કુલ રૂપિયા ૧૦,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પુછપરછ હાથ ધરી છે. જેમાં અનિલ મોટવાણીએ અજય ઉર્ફે ડાલુ નામના વ્યક્તિ પાસેથી આઈ.ડી મેળવી ઓનલાઈન સટ્ટો રમતો હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે અનિલ મોટવાણી અને અજય ઉર્ફે ડાલુ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.