સુરત: શહેરના રાંદેર (Rander) ખાતે રહેતા અને સાઉદી (Saudi)માં નોકરી કરતા યુવક સાથે યુટ્યૂબ (YouTube) પર રોકાણ (Invest)ની સ્કીમો બતાવી 6.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં 56 હજારનું વળતર આપ્યા બાદ રકમ નહીં આપતા છેતરપિંડી (Fraud)ની ફરિયાદ દાખલ કરાવી હતી. આરોપી કંપનીના સીઈઓ (CEO) સામે દેશના મુંબઈ, હૈદ્રાબાદ અને દિલ્હીમાં પણ ફરિયાદો નોંધાઈ છે. કંપની દ્વારા દેશભરમાં કરોડોની છેતરપિંડી કરાઈ હોવાની વાત છે.
રાંદેર ખાતે પટેલ સ્ટ્રીટમાં રહેતા 41 વર્ષીય ફારૂક હાસમ ઇસ્માઈલ શેખ વર્ષ 2016 ડિસેમ્બરમાં સાઉદી અરેબિયાના જિઝાન શહેરમાં વેલોસી કંપનીમાં ક્વોલીટી ઇન્સપેક્ટર તરીકે નોકરી કરવા ગયા હતા. જુલાઈ 2020 માં રજા પર સુરત આવ્યા હતા. ત્યારબાદ કોરોનાને કારણે ફરી સાઉદી જઈ શક્યા નથી. વર્ષ 2017 માં સાઉદી અરેબિયાના જિઝાન શહેરમાં નોકરી કરતા હતા ત્યારે તેમની સાથે નોકરી કરતા મોહમદ કુતુબુદ્દીનએ એક યુટ્યુબ ઉપર વિડીયો જોયો હતો. જેમાં હીરા ગોલ્ડ નામની કંપનીમાં અલગ અલગ સ્કીમો હેઠળ રૂપિયાનું રોકાણ કરવાથી સારો આર્થિક ફાયદો થાય તેમ હોવાનું કહ્યું હતું. જેથી વર્ષ 2017 જુલાઈમાં ફારુક શેખએ હીરા ગોલ્ડ કે હીરા ગ્રુપનો વિડીયો જોઈ તે કંપનીના સીઈઓ/એમડી નૌહેરા નન્નીસાહેબ શેખ છે. તે પછી ગુગલ પર સર્ચ કરતા નજીકની ઓફિસ મુંબઈ ખાતે બતાવી હતી. ઓફિસનો મોબાઈલ અને વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. આ કંપનીના માર્કેટીંગ એજન્ટ મોહમદ સલીમ સલમાની સાથે વાત થઈ હતી. તેમણે ફોન ઉપર રોકાણ કરવાની વિવિધ સ્કીમો જણાવી હતી. જેમાં ફારુક શેખને બે સ્કીમ પસંદ આવી હતી. જેમાં ટીસીએન-એએ સ્કીમમાં બે લાખનું રોકાણ બે વર્ષ પછી દર વર્ષે એક લાખ મળશે. અને બીજી ટીસીએન-ઈ બે સ્કીમમાં એક લાખના રોકાણ કર્યા બાદ ત્રીજા મહિનાથી દર મહિને 3300 રૂપિયા પરત મળશે તેવું જણાવ્યું હતું.
આ માટે આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટો મોકલી આપ્યા હતા. કંપનીના એચડીએફસી બેંક ખાતામાં ચેક મારફતે રૂપિયા જમા કરાવ્યા હતા. ફારુક શેખને રોકાણનું વળતર ત્રીજા મહિનાથી ચાલુ થઈ ગયું હતું. દર મહિને તેમના તથા તેમની માસીના ખાતામાં 3300 રૂપિયા જમા થતા હતા. વર્ષ 2018 જાન્યુઆરીમાં 15 દિવસ સુરત આવ્યા હતા. ત્યારે આ સ્કીમમાં સારૂ રોકાણ મળતું હોવાથી વધારે રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી ફારુકે માતા જમીલાબીના ચેકબુકથી 2.25 લાખ તથા પત્ની સોહાના ખાતામાંથી 2.25 લાખ મળી કુલ 4.50 લાખ જમા કરાવ્યા હતા. તેમના દ્વારા કંપનીમાં કુવ 6.50 લાખનું રોકાણ કરાયું હતું. જેની સામે 58 હજાર રૂપિયા વળતર તરીકે મળ્યા હતા. ત્યારબાદ પૈસા મળવાનું બંધ થઈ જતા કંપનીના માર્કેટીંગ એજન્ટ મોહમદ સલીમ સાથે વાત કરતા તેમણે કંપનીની પોલીસી બદલાઈ છે, હવે દર મહિને નહીં પણ દર ત્રીજા મહિને વળતર મળશે તેવું કહ્યું હતું. બાદમાં જીએસટીની સમસ્યા બતાવી પછી વાયદાઓ કરતા આવ્યા હતા. અંતે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં કંપનીના સીઈઓ નૌહેરા નન્નીસાહેબ શેખ અને માર્કેટીંગ મેનેજરની સામે અડાજણ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
સીઈઓની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરાઈ હતી
ઓક્ટોબર 2018 માં ફારુક શેખ સાઉદીમાં હતા ત્યારે તેમને યુટ્યૂબના વિડીયો પરથી જાણ થઈ હતી કે હીરા ગોલ્ડ કંપનીના સીઈઓ/એમડી નૌહેરા શેખની હૈદ્રાબાદ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. તેમની વિરુધ હૈદ્રાબાદમાં બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી ફારૂક શેખે માર્કેટીંગ એજન્ટને ફોન કરતા તેણે હવે સીઈઓ જેલમાંથી છુટશે પછી પૈસા મળશે તેવું કહ્યું હતું. સીઈઓ નૌહેરા જામીન પર છુટી પછી યુટ્યૂબ પર વિડીયો બનાવી અપલોડ કરીને ગ્રાહકોને તમારા રૂપિયા પરત કરી દઈશ, કોઈ ફરિયાદ કરશો નહીં તેવો વાયદો કર્યો હતો.