ડીપી પર ધ્યાન આપો
ઓનલાઈન ડેટિંગમાં ફોટાનો પ્રભાવ સૌથી વધારે હોય છે. ફોટાનો અર્થ એ પણ છે કે સામેવાળાની પ્રોફાઈલ ફેક નથી. લગભગ 50 % યુવતીઓ પ્રોફાઈલ પિક્ચર જોઈને જ ડેટિંગનું નક્કી કરે છે. એટલે એક સ્પષ્ટ પ્રોફાઈલ પિક્ચર રાખો. સાથે જ એક ગ્રુપ ફોટો મૂકો જેથી ખબર પડે કે વ્યક્તિ સામાજિક છે કે નહીં, એના કેટલા ફ્રેન્ડઝ, સિબ્લિંગ્સ કે ક્લીગ્સ છે. યુવતીઓએ ડેટિંગ એપ્સ અને સોશ્યલ સાઈટ્સ પર અલગ-અલગ પિક્ચર્સ મૂકવા જોઈએ. જો તમારા ડેટીંગ પ્રોફાઈલમાં જે ફોટો હોય તે જ તમારા ઈન્સ્ટ્રાગ્રામ કે ફેસબુક અકાઉન્ટ પર હોય તો કોઈક તમને સહેલાઈથી સોશ્યલ મીડિયા પર શોધી શકશે.
ફોટો જરૂરી છે
ઘણી વાર જોવા મળે છે કે પ્રાઈવસીના નામે યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર્સ રાખવાનું ઈચ્છતા નથી પરંતુ જ્યારે પ્રોફાઈલ અને બાયોડેટા બંનેમાંથી ફોટા ગાયબ હોય તો એ સ્પષ્ટ રીતે રેડ સિગ્નલ છે. ફોટા વગરની પ્રોફાઈલ યોગ્ય હોય તો પણ ડેટિંગ સાઈટ્સમાં એને ફેક માની શકાય છે. 99% કિસ્સામાં આવું હોય પણ છે એટલે ક્યાંક એક ઈમેજ જરૂર મૂકો.
ઉતાવળ ન કરો
નંબર એક્સચેન્જ કરવા, સોશ્યલ મીડિયા હેન્ડલની જાણકારી મેળવવા કે વાતચીતને બીજા લેવલ સુધી પહોંચાડવામાં ઉતાવળ ન કરો. એ અંગત રીતે નુકસાનકારક હોઈ શકે છે. સાથે જ બીજા સુધી ખોટો સંદેશ પણ પહોંચી શકે છે. પ્રેમસંબંધ સ્થાપિત કરવા ઉતાવળમાં નેગેટિવ પ્રભાવ પણ પડી શકે છે.
કોન્ટેક્ટ શેર કરતાં પહેલાં..
ડેટિંગ સાઈટ પર પ્રોફાઈલ બનાવતી વખતે કદી તમારા મોબાઈલ નંબર્સ કે સોશ્યલ મીડિયા હેન્ડલ્સની લિંક શેર ન કરો. વાતચીત થવા માંડે તો ચેટ્સ પર એની આપલે કરી શકાય. કોઈ પણ સંવેદનશીલ વાત કે જાણકારી શેર કરતી વખતે સચેત રહો. સામેની વ્યક્તિ ભરોસામંદ લાગી રહી છે કે નહિ તેનાથી કોઈ ફેર પડતો નથી, ચેટ પર વાત થતાં જ કોન્ટેક્ટ, ફોટોઝ, સોશ્યલ મીડિયા હેન્ડલ્સ કે અન્ય પારિવારિક પ્રોફેશનલ ડીટેલ્સ શેર કરવાથી નુકસાન થઈ શકે છે.
એપના મેસેન્જર પર જ વાત કરો
ઘણી વાર ડેટિંગ સાઈટ્સ કે એપ પર સ્કેમર્સ પણ હોય છે જે પોતાના ટાર્ગેટ્સ માટે બીજી મેસેજીંગ એપ્સની જાણકારી લે છે. બહારના મેસેન્જર પર વાત કરવાને બદલે ઈન-એપ મેસેન્જર પર વાત કરો. આવી ચેટ્સ પર એપની નજર રહે છે. કોઈ રેડ સિગ્નલ મળતાં જ એક્શન લેવા તરત જ એપનો સંપર્ક કરો.
જ્યારે મીટિંગ કરો…
પર્સનલી મળો તે પેલાં વીડિયો ચેટ
સામાન્ય રીતે મોટા ભાગની એપ્સ સલાહ આપે છે કે ફિઝિકલ મીટિંગ પહેલાં યુઝર્સ ઓછામાં ઓછી એક વાર વર્ચ્યુઅલ મીટિંગ કરે. એના પરથી તમને ખબર પડશે કે એમના પ્રોફાઈલમાં છે તે જ આ વ્યક્તિ છે. જો એ વીડિયો કોલની સતત મના કરે તો માની લો કે દાળમાં કંઈક કાળું છે, શંકાસ્પદ એક્ટિવિટીની એ નિશાની છે.
તમે ક્યાં જાવ છો તે ફ્રેન્ડ કે નિકટની વ્યક્તિને જણાવો
તમારા ડેટ્સના પ્રોફાઈલનો સ્ક્રિન શોટ લઈ એ તમારા ફ્રેન્ડને મોકલો. એકાદ વ્યક્તિને તો ખબર હોવી જ જોઈએ કે તમે ક્યાં, કોની સાથે, ક્યારે જવાના છો. જો તમે પ્લાન કરેલી જગ્યાનું સ્થળ બદલાય તો મેસેજ કરીને જાણ કરો. તમે છૂટાં પડો અને ઘરે પહોંચો પછી પણ ફ્રેન્ડને મેસેજ કરો.
પબ્લિક પ્લેસ પર મળો
તમે જેને બરાબર ઓળખતાં નથી એમની સાથેની પહેલી ડેટ તમારા ઘરે કે વર્કપ્લેસ પર ન રાખો. યુવતીઓએ મીટિંગ માટે કેફે, મોલ, રેસ્ટોરાં જેવાં પબ્લિક સ્થળ પસંદ કરવાં જોઈએ. કોઈ જાણીતી જગ્યાએ જ મળો. ફર્સ્ટ ડેટ એકાંત જગ્યાએ, ઓછી અવરજવર હોય ત્યાં ન રાખો.
ટ્રાન્સપોર્ટેશન માટે તમારા ડેટ પર આધાર ન રાખો.
ડેટના સ્થળે તમે તમારી રીતે જ પહોંચો એ સલાહભર્યું છે જેથી તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરો તો ઈચ્છો ત્યારે ત્યાંથી નીકળી શકો. જો તમે જેમની સાથે જવાનાં હો એ તમને પીકઅપ કરવાનું કહે તો પણ તમે જેને બહુ બરાબર જાણતા નથી કે વિશ્વાસ નથી તેમની સાથે જવાનું ટાળો. તમારા આવવાજવાની વ્યવસ્થા જાતે જ કરો. કેબની એપ્સ ડાઉનલોડ કરી રાખો.
પૈસાની લેવડદેવડ
ઘણી વાર સ્કેમર્સ પર્સનલ ફાઈનાન્સ જેવી વાતોમાં ફસાવી શકે છે અને ડીટેલ્સ લઈ શકે છે. આર્થિક મુશ્કેલી આવી છે, કોઈ કુટુંબીજન હોસ્પિટલમાં છે, કસ્મટમમાં ગિફટ ફસાઈ છે જેવી ઘણી ઘટનાઓ બને છે. સાચાખોટાની જાણકારી મેળવવી જરૂરી છે. સાવધાન રહો અને સામેવાળા ફસાવા માંગે તો વાતચીત બંધ કરી એને અનમેચ કરો.
ઓનલાઈન ડેટિંગ :બચ કે રહેના…
By
Posted on