આણંદ : બોરસદના કણભા પ્રમુખપુરા સીમ વિસ્તારમાં પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહને અમીયાદ જ્યોતીગ્રામ ફિડર પર આવેલા ટ્રાન્સફોર્મને ભારે નુકશાન કર્યું હતું. જેના કારણે વિજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જેમાં ઓએનજીસીના બે વેલ પણ બંધ રહેતા કરોડોનું નુકશાન થયું હતું. મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડના જુનિયર ઇજનેર રઘુવરસિંહ સિંધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાસ પેટા વિભાગીય કચેરીમાં બોરસદના કણભા ગામનો સમાવેશ થાય છે. દરમિયાનમાં 6ઠ્ઠી જુલાઇના રોજ આશરે મોડી રાત્રે દોઢેક વાગ્યાના સુમારે કણભા ગામની પ્રમુખપુરા સીમ વિસ્તારમાં અમીયાદ જ્યોતિગ્રામ ફિડર પર આવેલા ટીસી 13માંથી નિકળતી દબાણની લાઇન કોઇ અજાણ્યા વાહનમાં ભરાવવાથી સ્થળ પર રહેલા ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર ભાંગી નાંખ્યું હતું અને ભારે દબાણના વીજ પોલમાં પણ નુકશાન થયું હતું.
આ ઘટનાના પગલે તાત્કાલિક તુટેલી ટેપ લાઇનના ઇલેક્ટ્રીક વાયરના જંપર કનેકશન કટ કરી બાકીની ઇલેક્ટ્રીક લાઇન ચાલુ કરવાની કામગીરી શરૂ કરી હતી. હળવા દબાણની લાઇન ઇલેક્ટ્રીક વાયરમાં વાહનનો ઉપરનો ભાગ ભેરવી સ્થળ પર રહેલા ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર ભાંગી નાંખ્યું હતું અને ભારે દબાણના રેતી સિમેન્ટનો પોલ તોડી નાંખ્યો હતો. જેથી 95 હજારનું નુકશાન કર્યું હતું. આ અંગે વિરસદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો. અલબત્ત, આ ઘટનાને કારણે છેલ્લા 36 કલાકથી સોથી સવા ઘરમાં વિજ પુરવઠો બંધ છે.
આ ઉપરાંત પાંચેક કોમર્શીયલ કનેકશન પણ બંધ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ વીજ પુરવઠો બંધ થતાં ઓએનજીસીના બે વેલ 36 કલાકથી પણ વધુ સમયથી બંધ છે. આ વેલમાં દૈનિક 9 હજાર લીડર ક્રુડ બહાર કાઢવામાં આવે છે. આમ કુલ 13500 લીટર ક્રુડ એક વેલમાંથી મળે છે. બધુ મળી 27 હજાર લીટર ક્રુડ ન મળતાં ઓએનજીસીને 21 કરોડ જેવું ભારે નુકશાન ભોગવવાનો વખત આવ્યો છે.