ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વાગરા,ગંધાર, જંબુસર વિસ્તારોમાં ઓએનજીસી (ONGC) દ્વારા ક્રૂડ ઓઇલ કાઢવાના વેલ તથા ONGCની પાઇપલાઇનો આવેલી છે. જે પાઇપલાઇનો મારફતે ક્રૂડ ઓઇલ રીફાઇન થઇ કોયલી વડોદરા મુખ્ય પ્રોડક્શન બ્રાન્ચમાં જાય છે. જેમાં અમુક અસામાજિક તત્ત્વો દ્વારા પાઇપલાઇનમાં (Pipeline) પંચર કરી વાલ્વ લગાવી ક્રૂડ ઓઇલની ચોરી કરી ટેન્કરોમાં ભરી બારોબાર સગેવગે કરવાનાં ઓર્ગેનાઇઝ કૌભાડનો પર્દાફાશ કરી ઝડપી પાડવા ભરૂચ જિલ્લા એલસીજી, એસઓજી (LCB, SOG) સહિતના થાણા અમલદારોને સૂચના અપાઈ હતી.
- જંબુસરમાં ONGCની લાઇનમાં પંચર શોધી ચોરી કરાતી હતી
- અંકલેશ્વર, દહેજ, વાગરા,ગંધાર, જંબુસર વિસ્તારોમાં કરાતી હતી ચોરી
- ભરૂચ એલસીબીએ ગેંગના બે સભ્યને ઝડપી લીધા
- એલસીબીએ ગેંગના અન્ય 9ની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં
જંબુસર તાલુકાના ખાનપુર ગામનો ઇકબાલ ઇસ્માઇલ પટેલ તેના મળતીયાઓ સાથે ONGCની પાઇપલાઇનમાંથી પંચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. જેને સુરત ખાતેથી ઝડપી લઈ ભરૂચ એલ.સી.બી. ખાતે લાવી તેની કડક હાથે પૂછપરછ કરતાં ઇકબાલે કબૂલ્યું હતું કે, તેણે જાવેદ પટેલ તથા બીજા મળતીયાઓ સાથે ભેગા મળી જંબુસર નજીક ખેતરોની સીમમાં ONGCની પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરી ટેન્કરો ભરેલ હોવાની પણ કબૂલાત કરતાં તેના સાગરીત જાવીદને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આ બંને આરોપીને સાથે રાખી તથા ONGCના કર્મચારીઓને સાથે રાખી આરોપીઓના બતાવ્યા અનુસાર વાંસેટા ગામથી મંગણાંદ ગામ જતી ચાલુ ONGCની પાઇપલાઇનમાં પાડેલ એક્ટિવ પંચર શોધી કાઢવામાં આવ્યું હતું. પોલીસે જંબુસર-ખાનપુરના ઇકબાલભાઇ ઇસ્માઇલ પટેલ અને ‘માંઇનો લીમડો’ ફળિયું, જંબુસરનો જાવીદભાઇ ઉર્ફે લખું ગુલામભાઇ પટેલ રહેવાસી પાસેથી રૂ.7210 કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી આ ગેંગના અન્ય 9ની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
વોન્ટેડ આરોપીઓ
(૧) ઇમરાનખાન રહીમખાન પઠાણ (રહે.,મંડાલી, તા.જિ. મહેસાણા)
(૨) ઇકબાલમીંયા ગોરામીંયા સૈયદ (રહે., આલમપુર, સૈયદવાસ,તા.જોટાણા જી.મહેસાણા)
(૩) સંજયભાઇ લક્ષ્મણભાઇ નાદીયા (રહે., મંડાલી તા.જિ.મહેસાણા)
(૪) ઇમ્તીયાઝ
(૫) ટેન્કર ડ્રાઇવર અલાઉદ્દીન (રહે., મહેસાણા)
(૬) કૈયુમ હસનખાન પઠાણ (રહે.,મંડાલી, તા.જિ.મહેસાણા)
(૭) અસ્લમખાન મુસ્તુફાખાન પઠાણ (રહે., મંડાલી, તા.જિ. મહેસાણા)
(૮) એન.ડી.
(૯) સાકીબ સાદીક પટેલ (રહે., ખાનપુર, તા.જંબુસર)