ગુજરાતમાં BJP તરફી માહોલ કેમ છે? કેમ લોકો એવું કહે છે કે અમે મોદીને વોટ આપવાના! આ બધું રાતોરાત નથી થયું! ભલે ભ્રષ્ટાચાર બેફામ હોય, મોંઘવારીમાં પ્રજા પીસાતી હોય, બેરોજગારી હદ બહાર વધી રહી હોય, પણ છેલ્લા 2 દાયકામાં નરેન્દ્ર મોદીમાં ભરોસો ગુજરાતમાં અને ગુજરાતીઓમાં ઊભો થયો છે તે આ બધા મુદ્દાને, તકલીફોને ઝાંખા પાડી દે છે. ચાલો, એવું વિચારીએ કે મોદી નહીં તો કોણ? એકથી 10 સુધી ગણી કાઢો, ગુજરાતમાં છે કોઈ મોદીનો મુકાબલો કરી શકે એવો વિરલો? ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો ‘હોરા’ જ એટલો હાવી થઈ ગયો છે કે તેનો મુકાબલો કરી શકે એવો વિરલો દૂર દૂર સુધી દેખાતો નથી. મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ખૂબ ખેતરો ખેડ્યાં છે. મોદી ગુજરાતના તમામ સમુદાયો, તમામ ક્ષેત્રો, તમામ વર્ગોના દિલ જીતવામાં સફળ રહ્યા છે. આજે પણ ગુજરાતના કોઈ પણ સ્થળે મોદી જશે તો ત્યાંની સ્થાનિક વ્યક્તિને નામથી બોલાવશે! દરેક સ્થળે તેમની યાદો ધરબાયેલી હશે, ગુજરાતના લોકો મોદીને ઘરની વ્યક્તિ જેવા ગણે છે. ગુજરાતમાં મોદીએ કોઈ મુદ્દો લઈને આવવાની જરૂર જ નથી. ગુજરાતીઓ માટે મોદી જ ગર્વ છે. જનતા વોટ BJPને, BJPના કોઈ નેતાને નથી આપતી, એ વોટ મોદીને આપે છે.
ગુજરાતની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું કેમ્પેઇન એવું હતું કે ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. શું પરિવર્તન રાતોરાત આવે છે? BJPને સત્તા સુધી પહોંચતા 3 દાયકા લાગ્યા હતા. હવે BJPને સત્તાથી ઉખેડીને ફેંકવામાં પણ સમય તો લાગશે જ. ગુજરાતમાં મતદાન થઈ ચૂક્યું છે. રાજકીય પક્ષોનું ભવિષ્ય EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં પુરાઈ ચૂક્યું છે. આવતીકાલે ફેંસલો આવી જશે, પણ એ પહેલાં છેલ્લા 6 મહિના દરમિયાન ચૂંટણી માહોલમાં ગુજરાતના કોઈ પણ ગામ, શહેર કે વિસ્તારમાં તમે જાવ, લોકોને એટલું જ પૂછો કે, આ વખતે ચૂંટણીમાં કેવો માહોલ છે? તમને શું લાગે છે? જવાબ મળશે – માહોલ BJP તરફી છે. તમે આગળ એવું પૂછો કે – આ વખતે ગુજરાતમાં BJP – કોંગ્રેસ ઉપરાંત AAP પણ મેદાનમાં છે, તમને લાગે છે એનાથી કોઈ ફેર પડશે? એટલે જવાબ મળશે – ગુજરાતમાં ક્યારેય ત્રીજો મોરચો ચાલ્યો જ નથી. આ માઈન્ડસેટ ઓલરેડી ગુજરાતી પ્રજામાં ફીટ થયેલું છે. હવે આગળ તમે એવું કહો કે – AAP તો બધું ફ્રી આપવાની વાત કરે છે, વીજળી ફ્રી, એજ્યુકેશન ફ્રી, સારવાર ફ્રી! તમને નથી લાગતું, AAP આ વખતે ચૂંટણીમાં અસર કરશે? જવાબ મળશે – ફ્રી ક્યાંથી આપશે? એનાં ખિસ્સાંમાંથી? જે ફ્રી આપશે એ આપણાં જ ખિસ્સાં કાપીને આપશે ને?
ઉપરનો જે સંવાદ છે કોઈ કાલ્પનિક નથી, અમે અનુભવેલી જમીની હકીકત છે. જેના વોટને આધારે ગુજરાતમાં સરકાર બનવાની છે એ મતદારોની આ વાત છે. આ માઈન્ડસેટને ભૂંસવું એટલું સહેલું નથી.
હજુ તમને આનાથી આગળનો એક સંવાદ જણાવું, ચોંકી જવાશે! મીડિયાના ચૂંટણીરથ મતદારોનો મિજાજ જાણવા ગામેગામ ફરી રહ્યા હતા ત્યારે જે હકીકતો સામે આવી તે ખરેખર ચોંકાવનારી હતી! એક ટીમ જામસાહેબના જામનગરમાં હતી. વહેલી સવારે તમે જામનગરના લાખોટા તળાવની પાળ નજીક જાવ તો શહેરના ભદ્ર અને ઉચ્ચ મધ્યમ વર્ગના શિક્ષિત લોકો અહીં મોર્નિંગ વોક કરવા આવે છે. જામનગર ઉત્તરની બેઠક પર આ વખતે એક જ પરિવારની 2 મહિલાઓ સામસામે છે. પરિવાર પણ કોણ છે – સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો. BJPએ જાડેજાના પત્ની રીવાબાને મેદાનમાં ઉતાર્યા છે, સામે કોંગ્રેસે રવીન્દ્ર જાડેજાના કાકાને ટિકિટ આપી છે. ઉપરાંત રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરે છે. મતલબ કે – નણંદ અને ભોજાઈ સામસામે છે. ખૂબ ચર્ચામાં છે આ બેઠક. પરિવાર પણ ખૂબ જાણીતો હોવાથી ચર્ચા થાય એ સ્વાભાવિક છે. એમાં પણ ખુદ રવીન્દ્ર જાડેજા પત્ની રીવાબા માટે પ્રચાર કરી રહ્યો છે.
અલબત્ત, લખોટા તળાવ પાસેથી પસાર થતાં કેટલાક મતદારોને મીડિયાએ એવું પૂછ્યું કે તમારી સીટ પર તો ભાભી – નણંદ સામસામે છે, તમને ખબર છે? જવાબ મળ્યો કે – આ વિશે વધારે કાંઈ ખબર નથી, એવું સાંભળ્યું છે કે – ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની ચૂંટણીમાં ઊભા છે. પત્રકારે પૂછ્યું કે – તમે ક્યા મુદ્દે વોટ આપવા જશો? તમારા નેતા પાસે શું આશા રાખો છો? હવે સાંભળજો, જવાબ શું મળ્યો? જવાબમાં મતદારોએ કહ્યું – રીવાબાને તો ઓળખતા નથી પણ અમે વોટ નરેન્દ્ર મોદીને આપશું. મતદારને એવું કહેવામાં આવ્યું કે – નરેન્દ્ર મોદી જામનગરથી ચૂંટણીમાં ઊભા જ નથી! જવાબ હતો હા, ભલે ના ઊભા હોય પણ એમણે જે કામ કર્યા છે, ભારતને વિશ્વમાં જે દરજ્જો અપાવ્યો છે, એ જોઈને અમે તો BJPને વોટ આપશું.
આ એક ઉદાહરણ નથી, આવા તો કેટલાંય ઉદાહરણો છે. ગુજરાતમાં આજે પણ વોટ BJPના કોઈ નેતાને નથી મળતો પણ નરેન્દ્ર મોદીને મળે છે. નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં 1, 2, 3, 4 નહીં છેક 10 નંબર સુધી ગણી કાઢજો, બીજો કોઈ નેતા નથી, પછી એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય. એક ખાલીપો છે. નરેન્દ્ર મોદી સામે વિકલ્પ તરીકે ગુજરાતના લોકો બીજા કોઈને જોઈ શકતા નથી. આજે પણ મત આપવા જતા મોટાભાગના લોકો BJP કે તેના ઉમેદવારને નહીં, નરેન્દ્ર મોદીને વોટ આપે છે, એવું અનુભવે છે, એવું માને પણ છે. આ જ જમીની હકીકત છે. આ નામને લોકોના જહનમાંથી હટાવવા માટે નરેન્દ્ર મોદી જેવું કરવું પડશે.
અલબત્ત, ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી અને BJP છવાયેલો રહ્યો હતો. AAP નવા ઉમેદવાર તરીકે મેદાનમાં છે તે હકીકત હોવા છતાં વાત એટલી જ છે કે – નરેન્દ્ર મોદી નામ જ કાફી છે. કોંગ્રેસે તો જાણે મેદાન છોડી દીધું હોય એવો અહેસાસ આ વખતે મતદારોને થયો હતો. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉદાસીન વલણ પાછળનો એક તર્ક એવો હોય શકે કે પાર્ટી ગુજરાતમાં એટલે પડવા નથી માગતી કારણ કે કોંગ્રેસ ફરી ધીમે ધીમે બેઠી થઈ રહી છે. બિન ગાંધી અધ્યક્ષ હમણાં જ ચૂંટ્યા છે, રાહુલ ગાંધી પદયાત્રાએ નીકળ્યા છે અને કોંગ્રેસના કાર્યકરોમાં જોમનો સંચાર કરી રહ્યા છે. પાર્ટી અત્યારે પોતાની એનર્જી ગુજરાતની ચૂંટણીમાં વાપરી નાખશે તો 2024ની મોટી લડાઈ કેવી રીતે લડશે?
જો કે, સામે કોઈ પણ ચૂંટણીને ક્યારેય હળવાશથી ન લેનાર BJPએ હંમેશની જેમ ગુજરાતમાં પ્રચારમાં સંપૂર્ણ શક્તિ લગાવી દીધી હતી. BJPને મોદીના ગયા પછી હોમ પીચ ગુજરાતમાં 2017માં જે પરિણામો જોવા પડ્યાં હતાં, તેનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી આ ચૂંટણીમાં ખાસ લેવામાં આવી છે. ગુજરાતમાં BJPનો દરેક સંભવિત પ્રયાસ AAP તેના પગ અહીં મજબૂત રીતે જમાવે તે પહેલાં જ મૂળમાંથી ઉખેડી નાખવાનો છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો ‘હોરા’ જ એટલો હાવી છે કે તેનો મુકાબલો કરી શકે એવો વિરલો દૂર દૂર સુધી દેખાતો નથી. આમ જોવા જઈએ તો, BJPને હવે પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે કે છેલ્લા એક દાયકાથી ચાલી રહેલું કોંગ્રેસનું પતન હવે એવા મોડ પર પહોંચી ગયું છે કે, કોંગ્રેસથી કોઈ ખતરો રહ્યો નથી. જો કે એ વાત પણ નિશ્ચિત છે કે દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળની જેમ કોંગ્રેસ ગાયબ થઈ જાય તો પણ, તેનો વફાદાર મત સામાન્ય રીતે BJPને જતો નથી. તે હંમેશાં અન્ય વિકલ્પ શોધે છે. ઉદાહરણ તરીકે, પ.બંગાળમાં મમતાની TMC, ઓડિશામાં નવીન પટનાયકની BJD અથવા તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની AAP હોઈ શકે. પંજાબ તાજેતરનું ઉદાહરણ છે.
હવે ગુજરાતની વાત કરીએ તો, કોંગ્રેસ લગભગ 3 દાયકાથી ગુજરાતમાં BJP સામે હારી રહી છે, પરંતુ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી ત્યારે પણ તેનો મત હિસ્સો સ્થિર અને નોંધપાત્ર લગભગ 30%થી વધુ રહ્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ BJPથી 20 બેઠકોથી પાછળ હતી પરંતુ તેનો વોટ શેર 41.4 % હતો. ચૂંટણી હોવા છતાં રાહુલ ગાંધીની પદયાત્રા ગુજરાતમાંથી પસાર ન થઈ, કોઈ મોટા નેતા ગુજરાતમાં પ્રચાર માટે ન આવ્યા, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી કોઈ ન આવ્યું, પરિણામે તેના કારણે કોંગ્રેસના વોટ શેરને ચોક્કસપણે નુકસાન થઈ શકે છે.
આમ છતાં એક વિચિત્ર વિરોધાભાસી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે. એક તરફ, તે ઈચ્છે છે કે AAPને જે પણ વોટ મળે તે માત્ર કોંગ્રેસનો જ હોવો જોઈએ. સાથે જ BJP એવું પણ નથી ઈચ્છતો કે AAPને તેનાથી વધુ ફાયદો થાય! કારણ કે જયારે એક ભાંગી રહેલો હરીફ BJP માટે વરદાન છે, ત્યાં નવા હરીફનો ઉદભવ પણ BJP માટે એક મોટા જોખમથી ઓછો નથી. જોવાનું એ છે કે, આવતીકાલે BJP સામે નવો હરીફ કેટલું કાઠું કાઢે છે?