Columns

એક મંચ, છ શાસ્ત્રીય નૃત્ય

એક મંચ.. 6 ભારતીય નૃત્ય શૈલીઓ. ભરતનાટ્યમ, મણિપુરી, કુચીપુડી, મોહિનીઅટ્ટમ, કથક, ઓડિસી સુરતના આંગણે તા 2 મે 2022ના રોજ વિશ્વ નૃત્ય દિવસ અંતર્ગતની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા સહયોગીત અને સુપ્રખ્યાત કલાગુરુ મનાલી નાતાલી, આર્ટ ઓફ હાર્ટ ક્લાસિકલ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને નામાંકિત દિગ્દર્શક સર્જક વૈભવ દેસાઈ દ્વારા સંયુક્ત સર્જિત “ભારતીય નૃત્ય અસ્મિતા” નો નાદ, તાલ અને નૃત્ય મંચ ઉપર ગુંજી ઊઠ્યું. પદ્મશ્રી દર્શનાબેન ઝવેરીના પ્રમુખસ્થાને અને બિજોય શિવરામના અતિથિપદે મંચસ્થ થયું ભારતીય નૃત્ય અસ્મિતા. આપણા દેશનો નૃત્ય ઇતિહાસ ખૂબ ઊંડો અને બહોળો છે.

6 જુદા-જુદા પ્રદેશની શૈલીમાં ભરતનાટ્યમ તામિલનાડુની શૈલી છે જે સુરતના ખ્યાતનામ કલાગુરુ મનાલી નાતાલી અને તેમના નૃત્યવૃંદે મંચસ્થ કર્યું. તેમેણે ત્રણ કૃતિઓ રજૂ કરી જેમાં મલ્લારી, ગણપતિ કીર્તનામ અને શિવ સ્તુતિનો સમાવેશ હતો. મલ્લારી એટલે મંદિરની પરંપરા મુજબ ઉત્સવ કે તહેવારના દિવસે મંદિરની મૂર્તિ રથમાં બેસાડી સરઘસ કાઢવામાં આવે જેનો રાગ ગંભીરનાટે અને તાલ સંકીર્ણ રૂપક છે ઉપરાંત કીર્તનમની પ્રસ્તુતિ થઇ જેમાં ભગવાન ગણેશજીના અદભુત નૃત્યો અને તેમના સ્વરૂપોને નૃત્ય રૂપ અપાયું જેનો રાગ માટે અને તાલ આદિતાલ છે અને ત્યાર બાદ મંચન થયું શિવસ્તુતિનું જેમાં ત્રણેય લોકના શુભકર્તા નટરાજ રૂપી શિવના નૃત્ય અને ભાવ રસની અદભુત વાત હતી આ નૃત્યોમાં મનાલી નાતાલી સાથે જીનલ રાંદેરિયા, વૈષ્ણવી ખત્રી, મૌસમી દત્તા, દુલશા પટેલ, ઇશિકા માસ્ટર, બિનલ પટેલ, કાશ્રી જડીયા, સેજલ અને વૈભવી ભાઠગરા દ્વારા અદભુત રીતે મંચસ્થ કરાયું હતું, તમામ નૃત્યોમાં સંગીત અને પ્રકાશની સાથ નૃત્યની જુગલબંદી પ્રેક્ષકોના હૃદય માં ધબકી ઊઠી. ત્યાર બાદ મહિનીઅટ્ટમની પ્રસ્તુતિ થઇ જે કેરળ રાજ્યમાંથી વિસ્તર્યું. આ નૃત્ય વડોદરાના ખૂબ પ્રચલિત ડો. ઐશ્વર્યા વોરિયર અને તેમની વિદ્યાર્થીઓએ ભજવ્યું. તેઓ કલાગુરુ ઉપરાંત સંશોધક, કલાશ્રી એવોર્ડ – કેરળથી સન્માનિત અને અભિનેત્રી, નિર્માતા હોવા ઉપરાંત નૃત્યકાર છે. તેઓની ફિલ્મ ‘નીલિમા – બિયોન્ડ ધ બ્લ” મોહિનીઅટ્ટમ નૃત્ય આધારિત 2016માં રિલીઝ થઇ અને ખૂબ પ્રખ્યાત થઇ. તેમની આ પ્રસ્તુતિમાં ભાવવાહી અને મુખઅભિનય ભરપૂર હોય છે…બદલાતા સમયને આધારે આ મંચનમાં વૈભવ દેસાઈ એન નિકુંજ દ્વારા નવીન પ્રકાશના રંગોથી અને ટેક્નોલોજીથી સુંદર દ્રશ્યો રચવામાં આવ્યા હતા.

આ નૃત્ય અસ્મિતામાં સૂરતી પ્રેક્ષક અને નૃત્યકારો ભાગ્યશાળી બન્યા કારણ કે ત્યાર બાદ પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી દ્વારા મણિપુરી નૃત્ય ભજવાયું. મણિપુરની આ પ્રચલિત શૈલી સુરતના મંચ ઉપર એક આલા દરજ્જાના નૃત્યકાર ભજવે તો એ સોનામાં સુગંધ અર્પે જ. 83 વર્ષની ઉંમરે પણ રંગમંચ ઉપર નૃત્ય રજૂ કરવાની અનોખી મહેચ્છા, રીત, કળાનો પ્રેમ અને કળાને શ્વાસમાં સતત ધબકાવવું એ પ્રખ્યાત ઝવેરી સિસ્ટરથી જાણીતા તેમના એક માનનીય પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી પાસે સૌએ શીખવું જોઈએ. વિવિધ અંગભંગીનીઓ અને નૃત્યના ભાવ-રસને જે રીતે એમણે રજૂ કર્યા એ જોઈ યુવા નૃત્યકારો જોજનો સુધી એમની કળાનું ઉદાહરણ લેશે જ.

રંગમંચ ઉપર પછી આવ્યું આંધ્રપ્રદેશ… એટલે કે કુચીપુડી. મૂળ આંધ્રના રામ કૌડિન્યે આ નૃત્ય ખૂબ પ્રશંસનીય રીતે રજૂ કર્યું. પુરુષ હોવા છતાં સ્ત્રી વેશમાં નૃત્ય એ જ પોતે આ નૃત્યની ખાસિયત હતી. તેના સંગીતમાં રહેલા કૃષ્ણલીલાના વિવિધ ભાવો વાદ્યો અને પ્રકાશ દ્રશ્ય પરિકલ્પના દ્વારા બેનમૂન ભજવાયા હતા જેમાં અનુક્રમે અન્નામાચાર્યકીર્ત અને વિષ્ણુ કથાની પ્રસ્તુતિ થઇ જેમાં ભગવાન વિષ્ણુ દશાવતારનું વર્ણન કરે છે અને ગજેન્દ્ર મોક્ષની સંચારીનું વર્ણન કરે છે. એક અદભુત મંચન કુચીપુડીનું થયું. ત્યાર બાદ મંચ ઉપર આવ્યું લખનવ-જયપુર એટલે કે કથક.

સુરતના નામાંકિત કલાગુરુ સ્મૃતિ – પરેશ વોરા અને નૂપુર એકેડમી દ્વારા આ નૃત્ય ભજવાયું. તેમના પુત્રી મૃગા વોરા શ્રોફ અને તેમના વૃંદ દ્વારા અતિ સુંદર નૃત્ય રજૂ થયા. તેમાં ખાસ જુગલબંદીના કમ્પોઝિશન અને તાલલય સાથે નૃત્યની રજૂઆત આહલાદક બની હતી. કથક મૂળ સંસ્કૃત શબ્દ કથા ઉપરથી ઉતરી આવ્યો છે, આ નૃત્ય રાસ લોકનૃત્યમાંથી જગ્યું છે. કથા કહે સો કથક.. આ ભાવ ખરેખર તમામ નૃત્યકારોએ ચરિતાર્થ કર્યો હતો. અને અંતમાં દેબાશ્રીતા મોહંતીની વિદ્યાર્થિનીઓ દ્વારા ઓરિસ્સાનું ઓડીસી નૃત્ય ભજવાયું. પદ્મવિભૂષણ શ્રી કેલુચરણ મહાપાત્રાનું આ દિગ્દર્શિત નૃત્ય જેમાં આંખ, ધડ, ગરદન અને પગની ધીમી અને ધ્યાનાકર્ષક ગતિ, લય અને તાલ સંયોગીત પ્રસ્તુતિ ઓરિસ્સાનું પૂર્ણ વાતાવરણ બક્ષી ગયું.

સુરત જયારે કલા માટે ખૂબ પ્રચલિત છે ત્યારે આવા કાર્યક્રમ કરવા બદલ “આર્ટ ઓફ હાર્ટ ક્લાસિકલ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ” અને તમામ કલાકારોને ખૂબ સરાહના બિજોય શિવરામ દ્વારા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નીરવ દેસાઈ, જીનલ રાંદેરિયા, વૈષ્ણવી ખત્રી, કિશન દેસાઈ, સેતુ ઉપાધ્યાય, નિકુંજ મમરાવાળા, રાજુ અરબસ્તાની, મૌસમી દત્તા, શિવાની, વૈભવીથી લઇને અનેક વ્યક્તિઓનો સઘન ફાળો રહ્યો હતો. આ તબક્કે વૈભવ દેસાઈએ સભ્ય સચિવ પી. જી. પટેલ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો આભાર માન્યો હતો અને આભારવિધિ કરી હતી. ભારતીય નૃત્ય અસ્મિતાઓ સમા તમામ કલાકારોને અભિનંદન.

Most Popular

To Top