Comments

એક રાષ્ટ્ર એક ચૂંટણીઃ ભાજપનો લાંબા સમયથી ચાલી રહેલો એજન્ડા

અપેક્ષા મુજબ, દેશમાં એકસાથે ચૂંટણી યોજવા અંગે તપાસ કરવા અને ભલામણો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાના મોદી સરકારના પગલાએ રાજકીય તોફાન શરૂ કર્યું છે. આનો અર્થ એ છે કે, એક મતદાર દર પાંચ વર્ષે બૂથ એટલા માટે જશે અને તે પસંદ કરશે કે રાજ્ય તેમ જ દિલ્હીમાં કોની સરકાર બનવી જોઈએ. આ ઉદ્દેશ્ય માટે સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં આઠ સભ્યોની સમિતિની જાહેરાત કરી છે.આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ, ન્યાયશાસ્ત્રી હરીશ સાલ્વે, ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારી, નાણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ અને લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ સી કશ્યપ સામેલ છે. પેનલ મીટિંગમાં કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી પણ હાજરી આપશે.

જોકે, નારાજ કોંગ્રેસે અધીર રંજન ચૌધરીને પેનલમાંથી રાજીનામું આપવાનો નિર્દેશ આપ્યો. કારણ કે, કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે, જેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા છે, તેમની ન તો સલાહ લેવામાં આવી હતી કે ન તો તેમને પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે બંધારણ, લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ-1950, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ- 1951 અને અન્ય કોઈપણ કાયદા અથવા નિયમોમાં ચોક્કસ સુધારાની ભલામણ પણ કરશે, જેમાં એકસાથે ચૂંટણી યોજવાના હેતુસર સુધારાની જરૂર પડશે. ભારતમાં 1951થી 1967 દરમિયાન કેન્દ્ર અને રાજ્યો બંને માટે એકસાથે ચૂંટણી યોજાઈ હતી. જોકે, કેટલાંક રાજ્યોની વિધાનસભાઓના સમયથી પહેલાં વિસર્જનને કારણે લોકસભા અને વિધાનસભા માટે અલગ ચૂંટણીઓ જરૂરી બની ગઈ.

આ ઉપરાંત 1971માં કોંગ્રેસ પક્ષમાં વિભાજનને પગલે લોકસભાની ચૂંટણી સમયથી પહેલાં કરાવવામાં આવી હતી. આ પહેલી વાર નથી જ્યારે સરકાર એકસાથે ચૂંટણીની વાત કરી રહી છે. અગાઉ, ભારતના કાયદા પંચ, નીતિ આયોગ અને સંસદીય સ્થાયી સમિતિ આ મુદ્દાની તપાસ કરી ચૂકી છે. જ્યારે કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય પરની સ્થાયી સમિતિએ ડિસેમ્બર 2015માં તેનો અહેવાલ સુપરત કર્યો હતો, તેના પર કાયદા પંચના 2018ના ડ્રાફ્ટ રિપોર્ટના કારણે ડિસેમ્બર 2022-જાન્યુઆરી 2023 દરમિયાન તમામ હિતધારકો પાસેથી વધુ પ્રતિસાદ એકત્ર કરવામાં આવ્યા હતા. 21મા કાયદા પંચે રાષ્ટ્રીય રાજકીય પક્ષો, ભારતના ચૂંટણી પંચ, અમલદારો, શિક્ષણવિદો અને નિર્ણાયક મુદ્દાઓ પર નિષ્ણાતોની સલાહ લીધા બાદ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

કાયદા પંચના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એકસાથે ચૂંટણીથી જાહેર ભંડોળની બચત ઉપરાંત, સુરક્ષા દળો પરનો બોજ ઘટશે અને સતત ચૂંટણીની તૈયારીઓને બદલે ચાલુ વિકાસ કાર્યોમાં વહીવટી તંત્રની વધુ ભાગીદારીને પ્રોત્સાહન મળશે. જોકે, કમિશને 2022-2023માં આ મુદ્દા પર ફરીથી મંતવ્યો માંગ્યા ત્યારે એકસાથે ચૂંટણીઓ યોજવાથી લોકશાહી પ્રક્રિયા, બંધારણના મૂળભૂત માળખા અથવા દેશની સંઘીય રાજનીતિ પર અસર થશે કે કેમ તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા.

પેનલે એ પણ પૂછ્યું હતું કે, શું ત્રિશંકુ સંસદ/વિધાનસભાના કિસ્સામાં વડા પ્રધાન/મુખ્ય મંત્રીની નિમણૂક અથવા પસંદગી ગૃહ/વિધાનસભાના અધ્યક્ષની પસંદગીની જેમ જ થવી જોઈએ અને શું તેના માટે બંધારણની દસમી અનુસૂચિમાં સુધારાની જરૂર પડશે?  કાયદા પંચે તારણ કાઢ્યું હતું કે, એકસાથે ચૂંટણી યોજવી એ આદર્શ અને ઇચ્છનીય છે, પરંતુ તેના માટે બંધારણમાં એક કાર્યક્ષમ ફોર્મ્યુલાની જરૂર પડશે. 2018માં પણ કાયદા પંચે એકસાથે ચૂંટણીની ભલામણ કરી હતી, પરંતુ નોંધ્યું હતું કે હાલના બંધારણીય માળખામાં તે શક્ય નથી. કાયદા પંચે બી.પી. જીવન રેડ્ડીના નેતૃત્વમાં અગાઉ 1999માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની પ્રથામાં પાછા ફરવાની હિમાયત કરી હતી.

2017માં નીતિ આયોગે પણ વારંવાર મતદાનને કારણે શાસનમાં થતા વિક્ષેપને ધ્યાનમાં રાખીને એકસાથે બે તબક્કાની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનું સૂચન કર્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમની એકલ-પક્ષની જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત એકસાથે ચૂંટણીની હિમાયત કરી છે. ત્યાં સુધી કે 2014ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ સંસ્થાકીય સુધારણા હેઠળ પૃષ્ઠ 14 પર સંક્ષિપ્તમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, ‘’ભાજપ અન્ય પક્ષો સાથે પરામર્શ દ્વારા ‘વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા’ માટેની એક પદ્ધતિ વિકસિત કરવાનો પ્રયાસ કરશે.’’

વિપક્ષી દળો દ્વારા નોંધાવવામાં આવેલ જોરદાર વિરોધને જોતાં, જેમાંથી ઘણા નિર્ણાયક રાજ્યો પર શાસન કરે છે, વન નેશન, વન ઇલેક્શન બિલ સરકાર માટે એક મોટા પડકાર જેવું લાગે છે. આ પગલાનો વિરોધ કરી રહેલા કેટલાક લોકો માને છે કે, મોદી સરકાર દ્વારા સંસદીય સિસ્ટમમાંથી રાષ્ટ્રપતિની પદ્ધતિમાં સ્થળાંતરિત કરવાનો પ્રયાસ છે. અન્ય લોકો દલીલ કરે છે કે તે વિવિધતાને નબળી પાડે છે, પ્રાદેશિક પક્ષોની તુલનામાં રાષ્ટ્રીય પક્ષોની તરફેણ
કરે છે.

કેટલાક લોકોને ડર છે કે જો રાજ્યની રાજનીતિ રાષ્ટ્રીય ચૂંટણીઓને પ્રભાવિત કરે છે તો તે અસ્થિર સરકારો તરફ દોરી શકે છે, જે સંઘવાદની વિરુદ્ધ છે. જો ભારત તેની એસેમ્બલી અને લોકસભા માટે એકસાથે ચૂંટણીઓ માટે જાય છે તો તે દેશોના એક નાના જૂથનો ભાગ હશે જે એકસાથે ચૂંટણી યોજે છે. એકસાથે ચૂંટણી યોજનારા અન્ય ત્રણ દેશો બેલ્જિયમ, સ્વીડન અને દક્ષિણ આફ્રિકા છે. સ્વીડનમાં દર ચાર વર્ષે સામાન્ય ચૂંટણીઓ સાથે કાઉન્ટી અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ યોજાય છે તે હકીકત સામાન્ય રીતે જાણીતી નથી.

સ્વીડનમાં પ્રમાણસર ચૂંટણી પ્રણાલી છે, જેનો અર્થ છે કે રાજકીય પક્ષોને તેમના મતના હિસ્સાના આધારે ચૂંટાયેલી વિધાનસભામાં કેટલીક બેઠકો સોંપવામાં આવે છે. બેલ્જિયમમાં યુરોપીયન ચૂંટણીઓ સાથે સમન્વયમાં ફેડરલ સંસદની ચૂંટણીઓ દર પાંચ વર્ષે યોજાય છે, જે પ્રાદેશિક ચૂંટણીઓને અસર કરે છે. નેપાળની પાસે 2017માં એક જ વખત રાષ્ટ્રીય અને રાજ્યની ચૂંટણીઓ એકસાથે યોજવાનો અનુભવ છે

. 2015માં દેશે નવું બંધારણ અપનાવ્યા પછી આ નેપાળની પ્રથમ ચૂંટણી હતી, પરંતુ નેપાળના ચૂંટણી પંચે સમગ્ર દેશમાં આવી એકસાથે ચૂંટણી યોજવામાં મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ સરકારે અંતરાલ અવધિ સાથે બે તબક્કાની ચૂંટણી યોજી હતી. પરિણામે નેપાળમાં ચૂંટણી બે તબક્કામાં વહેંચાઈ ગઈ હતી. પ્રથમ તબક્કો 26 નવેમ્બર, 2017ના રોજ યોજાયો હતો. ત્યાર બાદ તે જ વર્ષે 7 ડિસેમ્બરે બીજો તબક્કો યોજાયો હતો. વિસ્તાર મુજબ, બેલ્જિયમ, નેપાળ અને સ્વીડન નાના દેશો છે અને ત્યાં એકસાથે ચૂંટણી યોજવી એ આટલો મોટો પડકાર નથી.

તેનું સારું ઉદાહરણ દક્ષિણ આફ્રિકા હશે. ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત સાતમા ક્રમે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 24મા ક્રમે છે. દક્ષિણ આફ્રિકામાં દર પાંચ વર્ષે એકસાથે પ્રાંતીય અને રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાય છે. આફ્રિકન દેશમાં નવ પ્રાંત છે. રાષ્ટ્રીય અને પ્રાંતીય ધારાસભાઓ માટે મતદાન કરવા માટે મતદારોને અલગ-અલગ મતદાનપત્રો આપવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાની ચૂંટણી પ્રણાલી – સંસદ અને પ્રાંતીય ધારાસભાઓના સભ્યોને પસંદ કરવા માટે પ્રમાણસર પ્રતિનિધિત્વ માળખા પર આધારિત છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવામાં અનેક તર્કસંગત પડકારો છે. જોકે, તે બહુવિધ તબક્કામાં હાથ ધરવામાં આવી શકે છે, એકસાથે ચૂંટણીઓ માટે એક જ સમયે માનવબળ તૈનાત કરવાની જરૂર પડશે.

તેના માટે વધુ સંખ્યામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) અને વોટર વેરીફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએટી) મશીનોની પણ જરૂર પડશે. આ  ઉપરાંત, જો કોઈ પણ રાજ્ય સરકાર તેમની નિર્ધારિત પાંચ વર્ષની મુદત પહેલાં તૂટી પડે અથવા વિસર્જન થાય તો જટિલતાઓ ઊભી થઈ શકે છે. જ્યારે ખર્ચમાં ઘટાડો દર્શાવવામાં આવે છે ત્યારે બિનપક્ષીય પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ ખર્ચમાં વધારો થયો છે. ઘણા લોકો આ મતદાનને અવાસ્તવિક અને લાંબા ગાળે લોકતાંત્રિક આદર્શો માટે ખતરો માને છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top