વિરપુર : વિરપુરમાં ફાયર બ્રિગેડના અભાવથી નાના અને મધ્યવર્ગના પરિવારનોને આગના સમયે ભારે નુકશાની વેઠવી પડી રહી છે. કેવડિયાના મકાનમાં લાગેલી આગમાં પરિવારની સઘળી ઘરવખરી ખાખ થઇ ગઈ હતી. મહીસાગરના વિરપુર તાલુકાના કેવડિયા ગામે મસૂરભાઈ મોતીભાઈ ખાંટના મકાનમાં રાત્રીના આશરે 3 વાગે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં ઘર માલિકને મોટું નુકશાન થયું હતું. મોડી રાત્રે મકાનમાં અચાનક લાગેલી આગથી કેવડિયા ગામે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. વિરપુર તાલુકાના કેવડિયા ગામના મંદિરવાળા ફળિયામાં મસૂરભાઈના લાકડાની છત વાળા મકાનમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી.
અચાનક આગ લાગતા ઘરમાંથી પરિવારજનો તો હેમખેમ બહાર આવી ગયાં હતાં. પરંતુ મકાનમાં રહેલા કપડાં, દસ્તાવેજ તેમજ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતુ કે જોતજોતામાં આખા મકાનને જપેટમાં લઈ લીધું હતું. લાકડાના ઘરમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ જલદી પ્રસરી હતી. આ આગના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેઓએ પાણીનો મારો શરુ કરી દીધુ હતુ. ગામના સરપંચ કવનભાઈ પટેલે મળવાપાત્ર સહાય આપવાની હૈયાધારણા આપી હતી. વિરપુર તાલુકો બન્યાને વર્ષો થઈ ગયા પરંતુ હજી સુધી વિરપુર તાલુકા મથકે કોઈ પણ ફાયર સેફ્ટી માટેની સગવડ ઉપલબ્ધ નથી.