મહાન સમ્રાટ વીર વિક્રમના રાજ્યની પડોશમાં જ સમ્રાટ ચક્રમનું રાજ્ય આવેલું હતું. મહારાજા ચક્રમનો દરબાર ખૂબ ઊંચા ગજાના વિદ્વાનો, પંડિતો અને મૂર્ધન્ય સાહિત્યકારોથી શોભતો હતો. એકવાર તેના દરબારમાં એક પંડિત આવ્યો અને તેણે એક કોયડો પૂછ્યો. અગાઉ આવું અઘરું પ્રશ્ન પેપર ક્યારેય નીકળેલું નહીં એટલે કોયડો સાંભળીને ભલભલા વિદ્વાનો, પંડિતો વગેરે માથું ખંજવાળવા લાગ્યા. કેટલાક દાઢીમાં (પોતાની જ) હાથ ફેરવવા લાગ્યા, કેટલાક માચીસમાંથી દીવાસળી કાઢી કાન ખોતરવા લાગ્યા. તો કોઈ પ્રોફેશનલ પંડિતો વિઝીટિંગ કાર્ડના ખૂણાથી દાંત ખોતરવા લાગ્યા. પણ ક્યાંયથી કોયડાનો ઉકેલ ન પ્રગટ્યો. સભામાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ.
(જો કે હવે સ્મશાનમાં પણ શાંતિ હોતી નથી.) રાજા ચક્રમને થયું કે કોઈ જવાબ નહીં આપે તો મારી આબરૂ(!) જશે. એટલે રાજાએ દીવાનજીને હુકમ કર્યો બધા જ પંડિતો અને વિદ્વાનો ને એક એક મુઠ્ઠી ભરુચની ખારી શિંગ આપો. ભરૂચની સીંગ ત્યારે પણ પ્રખ્યાત હતી અને રાજ્યના ટોલનાકે વેચાતી. હુકમનો ત્વરીત અમલ થયો. હજુ તો અડધી મુઠ્ઠી સીંગ નહોતી ખવાઇ ત્યાં દશ પંડિતો કોયડાનો ઉતર આપવા ઊભા થયા. પછી તો કોયડો ઉકેલાયો એટલું જ નહીં પણ એ કોયડાના એકથી વધુ જવાબ પણ પંડિતોએ આપ્યા! આવનાર પંડિત તાજ્જુબ થઈ ગયો. તેણે મહારાજાને આમ થવાનું રહસ્ય પૂછ્યું ત્યારે મહારાજાએ કહ્યું, ‘આ છે સીંગનો પ્રભાવ! જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ ન મળે ત્યારે ખારી સીંગ ખાવી, ઉકેલ ચપટી વગાડતા માં મળી જશે!’ પછી મહારાજા ચક્રમેં પંડિતને પાંચ કિલો ખારી સીંગ આપી વાજતેગાજતે વિદાય આપી.
હા, આ જગતની જટિલમાં જટીલ સમસ્યાઓ પણ સીંગને કારણે ઉકેલાય છે. લાખ દુઃખો કી એક દવા છે ખારી સીંગ. સીંગ તો લેલા મજનુના જમાનાથી પ્રખ્યાત છે તેનો શેર જુઓ ‘મજનું ને લૈલા કી આંખો મેં આંખે મિલા કર કહા, લે ખારી સીંગ ખા.’
કોઈના પ્રેમમાં તરબોળ થઈ ગયા હો તો હૈયુ હાથ રાખવા સીંગ ખાઈ શકાય અને દિલ તૂટી ને તિતર બિતર થઈ ગયું હોય તો તેને સંભાળવા પણ એકલા એકલા સીંગ ખાઈ શકાય. પ્રેમથી માંડીને વહેમના ઉકેલ માટે સીંગ રામબાણ ઈલાજ છે. માટે… ‘જબ દિલ કો સતાયે ગમ તું છેડ સખી સરગમ’ ને બદલે ‘તું ખારી સીંગ ખાજે’ સરગમ છેડવા કરતાં પણ સારું રિઝલ્ટ મળશે. વળી સરગમ છેડતા બધાને ક્યાંથી આવડે! (છંછેડતા આવડે.) ત્યારે ખારી સિંગ તો કોઈપણ વ્યક્તિ ખાઈ શકે. આપણે ટ્રેનમાં સફર કરતાં હોઈએ અને કંટાળી એ તો ત્યાં કંટાળાનો એકમાત્ર ઉકેલ છે ખારીસીંગ! બે મૂઠી સીંગ વિલંબિત લયમાં પૂરી કરો ત્યાં સુરતથી અમદાવાદ આવી જાય. હા ,પણ વિલંબિત લયમાં હો. કારણ કે સીંગ એ પેટ ભરવા માટે નથી પણ મગજ મેળમાં રાખવા માટે છે. સમય સામેં બાથ ભીડવામા સીંગ આપણને સાથ આપે છે. મનમાં વિચારોનું વાવાઝોડું ઉમટ્યું હોય ત્યારે અથવા વિચારશૂન્ય હોઈએ ત્યારે તેના પર કાબુ મેળવવામાં સીંગ કામ લાગે છે. કોઈ પણ ઉકેલ ન દેખાતો હોય ત્યારે તેનો એકમાત્ર વિકલ્પ સીંગ છે.
બીજું કે સીંગની મજા એ છે કે તે સસ્તી છે. અમુક વાનગી એવી હોય કે તે અમુક સ્થળે જ ઉપલબ્ધ હોય છે. જ્યારે સીંગ અત્ર-તત્ર-સર્વત્ર ઉપલબ્ધ છે. એક સીંગપ્રેમી સ્વર્ગસ્થ સ્વજને મને સ્વપ્નમાં આવીને કહ્યું કે જ્યારે હું આ ફની દુનિયા છોડીને સ્વર્ગના દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં ચિત્રગુપ્ત, સમ્રાટ ચંદ્રગુપ્ત, સમ્રાટ સમુદ્રગુપ્ત અને યમરાજા નવરાશની પળોમાં સીંગ ખાતા ખાતા મોજ મસ્તીની છોળો ઉડાડતા હતા.
તે સમયે હું સ્વર્ગના દરવાજે પહોંચ્યો અને મે સી.જી. સાહેબ ને( એટલે કે ચિત્રગુપ્તસાહેબને )મારું એકાઉન્ટ જોવા કહ્યું તો તેમણે મને કહ્યું કે હે અતૃપ્ત અને અધીર આત્મા! થોડીવાર બેસ અને અમારી સાથે સીંગ ખા પછી હિસાબ-કિતાબ કરીએ. મે તો તેમની સાથે સિંગ ખાધી, સેલ્ફી લીધી અને મારા એફબી પર અપલોડ કરી છે. તું જોઈ લેજે. અહીં સ્વર્ગમાં પણ સીંગનો મહિમા મોટો છે. એ સ્વર્ગસ્થનો સીંગ પ્રેમ તો એવો હતો કે એને સ્વર્ગની જરૂર નહીં પણ જ્યાં સીંગ મળે ત્યાં તેના માટે સ્વર્ગ બની જાય. સીંગ આપણે ગમ્મે ત્યાં ગમ્મે તે રીતે ખાઈ શકીએ અને તેના ફોતરા ગમે ત્યાં ઉડાડી શકીએ. ‘ઉભા ઉભા કાંગ લ્યો, બેઠા-બેઠા કાંગ લ્યો’ ની જેમ સીંગ ખાઈ શકીએ.
કાઠિયાવાડમાં ગાંઠીયાનો ગજબનો મહિમા છે પણ સીંગ ગાંઠિયા કરતાંય બે કદમ આગળ છે. ગાંઠિયા તમે ચાલતા ચાલતા ન ખાઈ શકો પણ સીંગ ખાઈ શકીએ. ગાંઠીયા બનાવવા પડે અને ગરમ ગરમ હોય તો જ મજા આવે સીંગમાં એવું કાંઈ નહીં. આમ સીંગ રાષ્ટ્રવ્યાપી વ્યંજન છે લોકોને બી.પી ડાયાબિટીસ જેવા દર્દ હોય તો ડોક્ટર ગાંઠીયા ભજિયા ખાવાની ના પાડે પણ સીંગની ક્યારેય ના ન પાડે.
એક લેખકે તો પંચ્યાંસી વર્ષ વટાવ્યા પછી એવું શોધી કાઢેલું કે સિંગ ખાવાથી વાજીકરણ થાય. અત્યારે લોકો ‘મંદી મંદી’ ની બૂમો પાડે છે પણ મંદીનું મારણ પણ સીંગ છે. મંદીમાં જ્યારે દુકાન ખોલીને રોંઢા (afternoon) સુધી બેસવા છતાં ગ્રાહક સાથે ફક્ત માથાકૂટ થાય પણ વકરો ન થાય ત્યારે છેવટે એ મંદિનું મારણ સીંગમાં જ મળે છે. તરત જ શેઠ વીસ રૂપિયાની સિંગ મંગાવે છે અને બાજુવાળા દુકાનદારને બોલાવે. બંને સીંગ ખાતા ખાતા મંદીને નાથવા ના અનોખા ઉપાયો શોધી અજમાવવા માટે બીજાને આપે છે.
ટ્રેનમાં પણ આપણે સીંગ લઈએ કે બાજુવાળો લે, કે તરત જ આપણને આગ્રહ કરે..’ લો ને’ આ રીતે જેટલી સિંગ શેર થાય છે એટલો અન્ય કોઈ ખાદ્ય પદાર્થ શેર થતો નથી. સીંગમાંથી માણસને ‘ખાનાર કરતાં ખવડાવનાર મોટો છે.’ એ જ્ઞાન લાગે છે. સીંગ શેરિંગ એ ઉદારતાનું ઉદાહરણ છે. આગળ જતાં તે કેટલીક વાર મોટા મોટા ક્ષેત્ર સુધી વિસ્તરે છે એટલે કે આજે સીંગ ખવડાવનાર ભવિષ્યમાં મોટું અન્નક્ષેત્ર શરૂ કરી અનેકને રોટલો ખવડાવે તેવી શક્યતા ભારોભાર હોય છે. ખાદ્ય પુરાણમાં લખ્યું છે કે જે માનવ સીંગ પણ એકલો એકલો ખાતો હોય તેનું સવાર સવારમાં મો જોવાથી અપશુકન થાય છે. એની અસર માણસ પર આખો દિવસ રહે છે. તેને કારણે માણસ એવો કડે ચડે છે કે આખા દિવસમાં રોટલો તો શું સીંગ પણ ખાવા પામતો નથી.
અમારો મિત્ર બળવંત બેતાળીસનો થયો તો ય સગાઈ નહોતી થઈ. છેવટે બળવંતે સાવ આશા છોડી દીધી. જો કે તેના બાપુજી તો અગાઉથી જ છોડી દીધી હતી. આવા કપરા કાળમાં બળવંતના બાપુજી બોટાદના બસ સ્ટેશનમાં એકલા બેઠા બેઠા સીંગ ખાતા હતા. ત્યાં તેમણે એક સજ્જનને બાજુમાં બેસીને બગાસા ખાતા જોયા એટલે બળવંતના બાપુજીએ તેમને સીંગ ખાવામાં સહભાગી થવા બોલાવ્યા. સીંગ ખાવાથી એમના બગાસા શાંત થયા.
મનમાં પોઝિટિવે વિચારો ઉદ્દભવ્યા. સીંગ ખાધા પછી બળવંતના બાપુજીએ બીડી સળગાવી અને એક લીલીછંમ બીડી તે સજ્જનને આપી. પછી હવામાં બંનેની બીડીના ધુમાડા એકમેકમાં ભળી ગયા. એ જ રીતે આ બંને ગૃહસ્થ પણ એક મેકમાં ભળી ને એકબીજાના મિત્ર બની ગયા. બળવંતના બાપુજીએ મિત્રભાવે બળવંતની સગાઈની વાત કરી તો સામેવાળા પ્રસન્ન થયા અને બોલ્યા, ‘ભલા માણસ, તમારા જેવા માણસ તો દીવો લઈને ગોતવા જાવ તો ય ન મળે’ અને બળવંતનું ચોકઠું ગોઠવાઈ ગયું. જે વીસ રૂપિયાની સીંગને આભારી હતું. હા ,બીડીનો મજબૂત ટેકો ય ખરો! આમ સિંગમાં આપણી લગભગ તમામ સમસ્યાઓનો ઉકેલ રહેલો છે. માટે હવે પછી કોઈ સમસ્યા સામે આવે તો જ્યાં-ત્યાં હડિયાપટ્ટી કરવાને બદલે સીંગ નું શરણું લેજો. સૌ સારા વાના થશે. ગરમાગરમ ઘણી ફિલ્મોમાં હીરો રોમાન્સ, દેશ-વિદેશમાં ગીતો ગાય, હોડીમાં અને હેલિકોપ્ટરમાં ફરે પણ તે ધંધો શું કરે છે તે છેલ્લે સુધી ખબર જ ન પડે! આપણને થાય કે મારો બેટો કોઈ ધંધો કરતો નથી તો ય આવા જલસા કરે છે કઈ રીતે!!????