દાહોદ : ઝાલોદ તાલુકાના લીમડી- લીમખેડા હાઈવે પર ગત રાત્રે બે બસ, બે ટ્રકો તેમજ અન્ય ત્રણ વાહનો મળી કુલ 7 વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર માર્ગ અકસ્માતમાં એક વાહન ચાલકનું મોત તેમજ અન્ય આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતીઓ પ્રાપ્ત થઇ રહી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલતને તેમજ પૂર ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. તેવામાં ગઈકાલે મધરાતે ઝાલોદ તાલુકાના લીમડી લીમખેડા હાઈવે પર રાજસ્થાન એસટી બસ, એક ખાનગી બસ, બે ટ્રકો તેમજ અન્ય 3 વાહનો મળી કુલ સાત વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય આઠ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. હાઈવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં વરસાદી માહોલમાં હાઈવે પર જતી બસનો બ્રેક ન લાગતા માર્ગ અકસ્માત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે એક પછી એક સાત વાહનો વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના પગલે લીમડી લીમખેડા હાઈવે થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. ત્યારે માર્ગ અકસ્માતમાં બનાવને પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હાઈવેનો વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.