સુરત: સીએનજી વિક્રેતાઓના કમિશનમાં વધારો કરવાની માંગ સંબંધિત સત્તાધિશો સુધી પહોંચાડવા માટે આજે સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ સવારે 6.00 વાગ્યાથી 7 મી ફેબ્રુઆરીના રોજ સવારે 6.00 વાગ્યા સુધી સીએનજી પંપવાળાઓ સીએનજીનું વેચાણ નહીં કરીને એક દિવસની પ્રતિકાત્મક હડતાલ પાડશે. જોકે, આ તો માત્ર ટ્રેલર છે. સીએનજી પંપવાળાઓએ માંગણી નહીં સંતોષાય તો તેઓ 16મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
- કમિશન વધારાની માંગ સાથે આજે સીએનજી પંપ ચાલકોની હડતાલ
- 16મી ફેબ્રુઆરીથી કમિશન ન વધે તો ત્યાર સુધી સીએનજીનું વેચાણ બંધ રહેશે
પ્રાપ્ત માહિતી અનુસાર સીએનજીનું માર્જીન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું હોય છે જે દર 2 વર્ષે સીજીડી કંપની અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રિન્યુ કરવાના સમયે વેપારમાં થતાં ખર્ચને ધ્યાનમાં લઈને વધારવામાં આવે છે. માર્જિનમાં આ વધારો છેલ્લે 2017માં એગ્રીમેન્ટ સમયે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, આજ દિન સુધી માર્જીનમાં વધારો કરાયેલ નથી. આ સામે આ સમયગાળામાં વેપારમાં ખર્ચનું પ્રમાણ ઘણું વધી ગયું હોય તે સ્થિતિ ખૂબ ગંભીર છે. સીએનજી રિક્ષા ચાલકોની માગણી ઉપર સરકારે ધ્યાન આપીને રિક્ષા ભાડામાં વધારો કરી આપેલ છે. જ્યારે સીએનજી વિક્રેતાઓને વ્યાજબી માગણી પર આંખ આડા કાન કરી કંપની માર્જિન નથી વધારી રહી.
કંપની દ્વારા એગ્રિમેન્ટ રિન્યુ ન થાય તો સીએનજી વિક્રેતા આકરા પગલા લેવા પર મજબૂર થયા હોય આજરોજ તા. 6 ફેબ્રુઆરીના રોજ સવારે 6.00 વાગ્યાથી 7મી ફેબ્રુઆરીના રોજ સવારે 6.00 વાગ્યા સુધી એક દિવસ માટે
અન્યાય સામે સીએનજી વેચાણ બંધ રાખવાનું નક્કી કરેલ છે અને જો આ અન્યાય ચાલુ રહેશે તો 16મી ફેબ્રુઆરીથી જ્યાં સુધી એગ્રીમેન્ટ રિન્યુ ન થાય અને સીએનજી માર્જિંન ન વધારવામાં આવે ત્યાં સુધી વેચાણ બંધ રાખવાનું યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ ઓફ ગુજરાત અને સીએનજી ફ્રાંચાઈઝીઓ દ્વારા નક્કી કરેલ છે જેના થકી જાહેર જનતા ને જે તકલીફ અનુભવાશે તે બદલ અમોને ખેદ છે. સુરત ડિવિઝનમાં 160 સીએનજી પંપો, જ્યારે સુરત સીટીમાં 40 જેટલા સીએનજી પંપો છે. દરેક પંપ પર એક દિવસમાં એવરેજ 4 હજાર કિલો ગેસનું વેચાણ થાય છે. સુરત શહેરમાં 150000 જેટલી સીએનજી રિક્ષા અને 2 લાખથી વધારે અન્ય સીએનજી વાહનો છે.