એક દિવસ ઓસ્ટ્રેલિયન ઓપનમાં

ટેનિસની દુનિયામાં આખા વર્ષમાં વ્યક્તિગત રીતે પ્રોફેશનલ ખેલાડીઓ વચ્ચે ઘણી બધી ટુર્નામેન્ટ રમાય છે પણ તેમાં ચાર ખૂબ અગત્યની છે અને તેમને ગ્રાન્ડ સ્લેમ તરીકે ઓળખાય છે. આ ચાર છે – ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને US ઓપન. વર્ષની શરૂઆત મેલબર્નમાં રમાતી ઓસ્ટ્રેલિયન ઓપનથી થાય છે અને આ લેખ છપાશે તે દિવસે કદાચ ફાઇનલ રમાતી હશે. આ વખતે ગયા વર્ષના પુરુષ સિંગલ્સ ચેમ્પિયન અને કુલ નવ વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકેલા નોવાક જોકોવિચને કોવિડ રસી ન લેવા બદલ આ ટુર્નામેન્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યો તેના સમાચાર અને વૉટ્સએપ જોક્સ બધાએ વાંચ્યા જ હશે. મારો ગમતો ટtચકો છે – આ રમતગમતના ઇતિહાસમાં પહેલો ખેલાડી હશે કે જેને ડ્રગ ન લેવા માટે કાઢી મૂકવામાં આવ્યો!

મેલબર્ન ઓસ્ટ્રેલિયાનું રમતનું પાટનગર છે. ઓસ્ટ્રેલિયન ઓપન અને બોક્સિંગ ડે ક્રિકેટ ટેસ્ટ મેચ પર એનો ઈજારો છે. અમારી ગઈ સફરમાં અમે એશિઝની બોક્સિંગ ડે ટેસ્ટ એક દિવસ જોવા ગયેલા. આ સમયે અમે મેલબર્નમાં છીએ એટલે સ્વાભાવિક રીતે આ ટુર્નામેન્ટ જોવાની ઈચ્છા થાય. દીકરી જાહ્નવી અને જમાઈ તપન સાથે ક્યારે અને કઈ મેચ જોવી એ વિચારતા હતા. એક વિચાર એવો હતો કે ગ્રાઉન્ડ પાસ લઈને પહેલા અઠવાડિયામાં જવું. પહેલા અઠવાડિયામાં આગળના રાઉન્ડ રમાય એટલે રોજ ઘણી મેચ એક સાથે ચાલતી હોય. ગ્રાઉન્ડ પાસ હોય તો મુખ્ય ત્રણ કોર્ટ સિવાય બીજી બધી શો-કોર્ટમાં જઈ શકાય. મુખ્ય ત્રણ કોર્ટ – રોડ લેવર એરેના, જ્હોન કેઇન એરેના અને માર્ગારેટ કોર્ટ એરેના માટે ચોક્કસ ટિકિટ લેવી પડે. સ્વાભાવિક રીતે ગ્રાઉન્ડ પાસ સસ્તો પડે. પણ આ બધી વાતો કરતા હતા ત્યારે જ દીકરીની ઓળખાણને લીધે લગભગ 7000 પ્રેક્ષક બેસી શકે એવી માર્ગરેટ કોર્ટ એરેનાની સૌથી પ્રાઈમ ટિકિટ સામેથી મળી ગઈ અને હું અને તપન એનો લાભ લેવા MCGની બાજુમાં જ આવેલા મેલબર્ન પાર્ક પહોંચી ગયા. બધાં પાર્કિંગ ઘણાં દૂર હતાં. અમે ઘણું મોંઘું પેઈડ પાર્કિંગ લીધું તે છતાં 15 મિનિટ ચાલવું પડ્યું! અંદર QR કોડ સ્કેન કરીને જવાનું હતું, મેં મારું વેક્સીન સર્ટિફિકેટ બતાવ્યું એટલે બહારના માણસ તરીકે લાલ રંગની AO લખેલી રાખડી પહેરાવી.

આ કોમ્પ્લેક્સમાં ઘણી કોર્ટ છે જે આ ટુર્નામેન્ટ સિવાય બીજી રમતગમત અને પ્રોગ્રામ માટે બાકીના સમયે વપરાય છે. મુખ્ય ત્રણ કોર્ટની ખાસિયત એ છે કે તેમની ક્ષમતા વધુ છે અને ઉપર ખૂલી શકે એવું (રિટરેક્ટેબલ) છાપરું છે.  મેલબર્નમાં ગમે ત્યારે વરસાદ પડી શકે અને મેચ રાતે પણ ચાલી શકે એ સમયે આ છાપરું બંધ કરી લાઈટ શરૂ કરી શકાય. અમે સવારે અગિયાર પહેલા પહોંચી ગયા ત્યારે બેઉ બાજુના છાપરાનાં અડધિયાં એવી રીતે ખોલેલાં કે ફક્ત કોર્ટના ભાગમાં જ તડકો આવે એટલે અમને પહેલી પંક્તિમાં હોવા છતાં બિલકુલ તડકો ન લાગ્યો. આ પ્રતિયોગિતા હાર્ડ કોર્ટ પર રમાય છે અને એનો રંગ ભૂરો રાખવામાં આવ્યો છે. મોટા ભાગની ખુરશીઓ અને કોર્ટની ચારે બાજુની વાડ -દીવાલ, જેના પર સ્પોન્સરની જાહેરાત આવે તે  પણ એ જ રંગની છે એટલે બ્લુ છવાયેલો રહે છે! બેઉ ખેલાડીઓને એક પછી એક મેદાનમાં આવવાનું નિમંત્રણ આપવામાં આવે. પછી ટોસ થાય અને થોડું વોર્મઅપ માટે બેઉ ખેલાડી રમે. પછી રમત શરૂ થાય. રમત પતે એટલે જીતેલા ખેલાડીનો ઇન્ટરવ્યૂ થાય.

રમત શરૂ થાય પછી કોઈ આવ-જા ન કરી શકે કે ન અવાજ કરી શકે. પોઇન્ટ પતે પછી તાળી કે એક-બે શબ્દની કોમેન્ટ આવી શકે. બે ગેમ પછી ખેલાડીઓ એક મિનિટનો આરામ કરતા હોય ત્યારે બહાર જઈ શકાય. ખેલાડીઓની ખુરશી ઉપર પણ એક રિટરેક્ટેબલ કવર હોય જેથી તેમને ત્યાર પૂરતો તડકો ન લાગે. બાકી મેલબર્નના ઉનાળાનો ઓઝોન પડ વગરનો તડકો સહન કરવા માટે ખેલાડીઓને અભિનંદન તો આપવા જ પડે! આરામના સમય દરમિયાન તમે બહાર જઈ ખાવા-પીવાનું અંદર લાવી શકો. તે સમયમાં સ્કોરબોર્ડ પર બીજી ચાલતી મેચના સ્કોર આવતા રહે. અમે બીજા રાઉન્ડની બે વિમેન્સ સિંગલ્સ જોઈ. એકમાં ડચ ખેલાડી ક્લારા ટોસને છઠ્ઠી સીડ એનેટ કોન્ત્યેતને હરાવી અપસેટ સર્જ્યો. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મેડીસન ઇંગ્લીશે અમેરિકન ખેલાડી બાપ્ટિસ્ટને હરાવી. શિસ્ત અને પ્રોટોકોલના અનોખા સંયોજન વચ્ચે આ ટુર્નામેન્ટનો આનંદ માણવાની મજા આવી ગઈ. કરવાનાં બાકી બકેટ લિસ્ટમાંથી એક વસ્તુ કમી થઇ!

Most Popular

To Top