સુરત: સરથાણાથી કામરેજના સેવણી ગામે ફાર્મ હાઉસમાં ગયેલા પરિવારની દોઢ વર્ષની દિકરી રમતા-રમતા સ્વિમિંગ પુલમાં પડી જતા ચોથા દિવસે તેનું મોત નિપજ્યું હતું. બાળકીને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સુરત શહેરના સરથાણા સ્થિત હરિકૃષ્ણ રેસિડેન્સીમાં સોફ્ટવેર એન્જિનિયર હિતેનભાઈ પેથાણી પત્ની, દોઢ વર્ષની દિકરી વેદિકા અને અન્ય સંબંધીઓના ગૃપ સાથે તા. 28 મી મેના રોજ રવિવારની રજા માણવા માટે કામરેજના સેવણી ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ગયા હતા. સાંજના સુમારે ઘરે ફરવાની તૈયારી કરી રહ્યાં હતા. બધા ફાર્મ હાઉસમાં બનાવવામાં આવેલા રૂમમાં હતા ત્યારે વેદિકા રમતા-રમતા સ્વિમિંગ પુલ પાસે પહોંચી જતા તે પુલમાં પડી ગઈ હતી.
પરિવારજનો વેદિકાને આખા ફાર્મ હાઉસમાં શોધી રહ્યાં હતા. થોડા સમયમાં સ્વિમિંગ પુલમાં નજર પડતા તેને બહાર કાઢવામાં હતી. પહેલા વેદિકાને બારડોલીની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યારબાદ સુરત રિંગરોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આજ રોજ વેદિકાને નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગ વિભાગના એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી પાછા સાંજે પરિવારજનો વેદિકાને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે વેદિકાને લઈને નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં વેદિકાનું મોત નિપજ્યું હતું.
રસોઈ બનાવતા દાઝેલી 30 વર્ષીય મહિલાનું મોત
સુરત: મગદલ્લામાં રસોઈ બનાવતા દાઝેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં મગદલ્લામાં બ્રીજ નીચે વિજય બિલવાડ પરિવાર સાથે રહે છે. તેની પત્ની રેખીબેન(30 વર્ષ) ચાર દિવસ પહેલા બ્રિજ નીચે ચુલા પર રસોઈ બનાવતી હતી. તે સમયે તે કોઈ રીતે આખા શરીરે દાઝી ગઈ હતી. તેને સારવાર માટે તેનો પતિ નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. રેખીબેનને બર્નસ વોર્ડમાં દાખલ કરાયા હતા. આજ રોજ સારવાર દરમિયાન રેખીબેનનું મોત નિપજ્યું હતું.