Gujarat

સવા લાખ ખેડૂતો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે : આચાર્ય દેવવ્રત

GANDHINAGAR : બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ હરિધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે તૈયાર થનાર નવીન ગૌ હોસ્પિટલનું ખાતમૂર્હત કર્યુ હતું. આ પ્રસંગે ગૌ શાળાના નિભાવ માટે દાન આપનાર દાતાઓને અભિનંદન પાઠવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે ગૌ સેવાનું કાર્ય પવિત્ર કાર્ય છે. ગુજરાતને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે. હાલમાં રાજ્યમાં સવા લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે.


પાલનપુર ખાતે તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના ખેડૂતો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ બંધ કરી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય રાખવા માટે ખેડૂતને દર મહિને રૂ. ૯૦૦ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વધુ ૨ લાખ અરજીઓ આવી છે તેમને દેશી ગાય માટે દર મહિને રૂ. ૯૦૦ સહાય આપવામાં આવશે.ભાભર ગૌ શાળામાં દર વર્ષે રૂ. ૨૫ લાખનું આજીવન માતદાર દાન આપવાની ઘોષણા કરનાર ઉદ્યોગપતિ જયેશ પટેલ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ ગૌ શાળાઓમાં રૂ. ૭૫ લાખનું માતબર દાન આપવાની જાહેરાત કરનાર સમસ્ત મહાજન સમાજ મુંબઇના પ્રમુખ ગિરીશ શાહના કાર્યને બિરદાવી રાજ્યપાલએ અભિનંદન પાઠવી આ ઇશ્વરીય કાર્યમાં જોડાવા બધાને આહવાન કર્યું હતું.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાભરની ગૌ શાળામાં રૂ. ૧૧ લાખનું દાન આપવાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મને ઘણાં સમયથી આ ગૌ શાળામાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પવિત્ર ધરતી પર આવ્યા પછી જાણ્યું કે આ ધરતી પર ગૌ સેવાનું આટલું સરસ કામ કરનારા લોકો છે. બિમાર, અશક્ત, પિડીત ગાયોની માતૃત્વ ભાવથી કરાતી સેવાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, અહીંના ટ્રસ્ટીઓ, ર્ડાક્ટરો અને સેવાધારીઓની આખી ફોજ દ્વારા કરવામાં આવતા ગૌ સેવાના અનુપમ કાર્યને જોઇને ખુશી અને આનંદ થાય છે. ગૌ માતામાં આસ્થા, શ્રધ્ધા અને લગાવથી તમે ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગૌ માતા કોઇ પણ જાતના ધર્મના ભેદભાવ રાખ્યા સિવાય તમામને અમૃત સમાન દૂધ આપે છે. એક સમય હતો જ્યારે સંપૂર્ણ બળદ પર આધારિત ખેતી થતી હતી ત્યારે લોકોને શુધ્ધ ખોરાક મળતો હતો અને રોગોનું પ્રમાણ ઓછું હતું. આજે ખેતીમાં રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે પર્યાવરણને નુકશાન થાય છે અને માણસના સ્વાસ્થ્યને પણ ખુબ અસર થાય છે. રાસાયણિક દવાઓ અને ખાતરોને લીધે જમીન અને પાણી દૂષિત થયા છે. તેમણે કહ્યું કે, તંદુરસ્ત અને સુખી જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં મારા પ્રયાસથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે જેનાથી ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને જમીનની ફળદ્રુપતા વધી છે.


રાજ્યપાલે ગાયના છાણમાંથી જીવામૃત બનાવવાની પધ્ધતિ ખેડૂતોને સમજાવી

ગુજરાતના ખેડૂતોને આ દિશામાં આગળ વધવાની અપીલ કરતાં રાજયપાલે જણાવ્યું હતું કે, દેશી ગાયના ગૌ મૂત્ર અને છાણમાંથી જીવામૃત બનાવી પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે અને વસૂકેલી ગાયના છાણમાં ૫૦૦ કરોડ જીવાણું હોય છે. તેમાંથી જીવામૃત દેશી ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. એક દેશી ગાયના છાણથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. રાજ્યપાલે ગાયના છાણમાંથી જીવામૃત બનાવવાની પધ્ધતિ ખેડૂતોને સમજાવી હતી તથા આ જીવામૃતથી ખેતરમાં પેદા થતાં અળસીયા અને અળસીયાની ખેતીમાં ઉપયોગીતા વિશે તેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top