Madhya Gujarat

યુરિયા ખાતરની પાછળ વરસે સવા લાખ કરોડ સબસીડીરૂપે ખર્ચાય છે

આણંદ : ‘પાક વધારવા માટે ખેડુતો દ્વારા વધતા જતા રાસાયણીક ખાતરના કારણે જમીન અને પાણીમાં બગાડ થઇ રહ્યો છે. જેના કારણે પર્યાવરણની બરબાદી થઈ રહી છે. સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાંથી સવા લાખ કરોડની ગ્રાન્ટ ફક્ત યુરીયા પર જ ખર્ચાય જાય છે. જો આ ગ્રાન્ટનો ઉપયોગ અન્ય વિકાસ કામોમાં કરવામાં આવે તો વિકાસ ઝડપી થઇ શકે છે. આથી, ખેડૂતોએ રાસાયણીક ખાતરની ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.’ તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ ખાતે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા યોજાયેલા ત્રિદિવસીય પ્રિ – એગ્રી સમિટનો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટીના આંગણે વાયબ્રન્ટ ગુજરાત સમિટ – ૨૦૨૨ પૂર્વે પ્રિ – એગ્રી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં ત્રણ સોથી વધુ દેશ – વિદેશની કંપની પોતાની કૃષિ પ્રોડકશનનું નિદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે એ સાંપ્રત સમયની માંગ છે. જૈવિક ખેતી કરતા જીવામૃત ખેતી વધુ અસરકારક છે.

જૈવિક ખેતીમાં બહારના દેશોમાંથી લવાતા અળસિયા ભારતીય આબોહવામાં જીવી શકતા નથી અને તે માત્ર લાકડા જ ખાય છે. માટી ખાતા નથી એ તે ખેતી માટે કામ આવી શકતા નથી. વિદેશથી લાવવામાં આવેલા અળસિયા 28 ડિગ્રીથી ઉપર અને 16 ડિગ્રીથી નીચે જીવી નથી શકતા જ્યારે આપણા દેશી અળસીયા માઈન્સ  અને 50 ડિગ્રીથી ઉપરના તાપમાનમાં પણ જીવીને જમીનમાં પોશક તત્વ આપે છે. તેની સામે જીવામૃત ખેતી પધ્ધતી સરળ અને અસરકારક છે. 

વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, માનવજાત દ્વારા પ્રકૃતિને બહુ નુકસાન થયું છે. આજે ધરતી કસ વગરની થતી જાય છે. રસાયણોને પરિણામે ખેડૂતોની લાગત વધતી જાય છે. આપણે વૈજ્ઞાનિકોનો આભાર માનવો જોઈએ કે જે સમયે જરૂર હતી ત્યારે સંશોધનો કરી રસાયણો થકી દેશમાં અનાજના ભંડારો ભરી દીધા હતા. આ બાબત તે સમયે જરૂરી હતી. જોકે, હાલ દેશમાં દર વર્ષે સવા લાખ કરોડ યુરીયા ખાતર પાછળ ખર્ચાય છે. જેના વપરાશ સાથે પ્રકૃતિને પણ નુકસાન થાય છે અને તેને ખાવાથી આરોગ્ય ઉપર ખતરો ઊભો થાય છે.

હવે જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો કુદરતનું પણ જતન કરી શકશું અને આરોગ્ય પણ સારું રાખી શકશું. રસાયણોના દુષ્પરિણામોથી બચવાનો આ જ તાકીદનો સમય છે. દેશમાં અનેક પ્રકારના નવતર સંશોધનો થઈ રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં પણ વધુ સંશોધન કરવાની જરૂર છે. ખેડૂતો માટે ખેતી વધુ સરળ બને અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા આવિષ્કાર કૃષિ વૈજ્ઞાનિકોએ કરવા જોઈએ. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ, રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરી, દેવાભાઈ માલમ, ત્રિપુરાના ગૃહ મંત્રીશ્રી રામપ્રસાદ પૌલ, શ્રમ મંત્રીશ્રીએ ભગબાન ચંદ્ર દાસ, બિહારના કૃષિ મંત્રીશ્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહ, કેન્દ્ર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ નિષ્ણાતો સહિત ખેડૂતો હાજર રહ્યા હતા.

Most Popular

To Top