નડિયાદ: ગાંધીનગર નાર્કોટીક્સ સેલની ટીમે મહેમદાવાદમાં જાહેર માર્ગ રસ્તા પર રીક્ષા ઉભી રાખી ગાંજાનું વેચાણ કરતાં બે યુવકોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસેથી 22.4 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. નાર્કોટીક્સ સેલની ટીમે ગાંજાનો જથ્થો, મોબાઈલ, રીક્ષા તેમજ રોકડ મળી કુલ રૂ.4,96,550 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદમાં આવેલ મલેક ફાર્મ નજીક જાહેર રોડ ઉપર રીક્ષા ઉભી રાખી બે ઈસમો નશીલા માદક પદાર્થનું વેચાણ કરતાં હોવાની બાતમી ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમ, નાર્કોટીક્સ સેલની ટીમને મળી હતી. જેથી નાર્કોટીક્સ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ સોમવારના રોજ સવારના સમયે મહેમદાવાદ આવી બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળા બે ઈસમો રીક્ષા નં જીજે 23 એયુ 3038 લઈને મલેક ફાર્મ નજીક આવી ઉભા રહ્યાં હતાં. જેથી નાર્કોટીક્સ સેલની ટીમે રીક્ષાને કોર્ડન કરી તેમાં સવાર સૈયદઅલી કાયમઅલી સૈયદ (રહે.ચુથાપુરા વિસ્તાર, મહેમદાવાદ) અને અક્ષય ભરતભાઈ પરમાર (રહે.વણકરવાસ, માંકવા, તા.મહેમદાવાદ) ની અટકાયત કરી હતી. જે બાદ રીક્ષાની તલાશી લેતાં તેમાં પાછળની સીટ પર મુકેલ પ્લાસ્ટીકના કોથળામાંથી 22.4 કિલોગ્રામ જેટલો લીલાશ પડતાં ભુખરા રંગનો વિશિષ્ટ વાસ ધરાવતો વનસ્પતિજન્ય (પાંદડા, ડાળી, બીજ) માદક પદાર્થ મળી આવ્યો હતો. જેના પરીક્ષણ માટે નાર્કોટીક્સ સેલની ટીમે તાત્કાલિક એફ.એસ.એલ અધિકારીને બોલાવ્યાં હતાં. એફ.એસ.એલ અધિકારીએ નાર્કોટીક્સ કીટથી પ્રાથમિક રાસાયણીક કસોટી કરતાં આ માદક પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. ગાંજાના જથ્થા બાબતે નાર્કોટીક્સ સેલની ટીમે અક્ષય અને સૈયદઅલીની પુછપરછ કરતાં, તેઓ આ ગાંજાનો જથ્થો જસ્ટીન (રહે.મહેમદાવાદ), સોનું (રહે.અમદાવાદ) તેમજ રાકેશ ઓરિસ્સાવાળા પાસેથી લાવતાં હોવાની કબુલાત કરી હતી.
નાર્કોટીક્સ સેલની ટીમે 22.4 કિલોગ્રામ ગાંજો કિંમત રૂ.2,24,000, રીક્ષા કિંમત રૂ.2,50,000, ત્રણ મોબાઈલ કિંમત રૂ.20,500 તેમજ રોકડ રૂ.2050 મળી કુલ રૂ.4,96,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલાં સૈયદઅલી કાયમઅલી સૈયદ, અક્ષય ભરતભાઈ પરમાર તેમજ તેઓને ગાંજાનો જથ્થો આપનાર રાકેશ ઓરિસ્સાવાળા, જસ્ટીન અને સોનું સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(સી), 20(બી), 29 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આઈ.ડી કાર્ડના સહારે ગાંજાના વેપલાની આશંકા
મહેમદાવાદમાં ગાંજાનું વેચાણ કરતાં પકડાયેલાં બે યુવકો પૈકી અક્ષય પરમાર નામના યુવક પાસેથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું આઈ.ડી કાર્ડ મળી આવ્યું છે. તે જોતાં આ બંને યુવકો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આઈ.ડી કાર્ડના સહારે છેલ્લાં ઘણાં સમયથી ગાંજાની બેરોકટોક હેરાફેરી અને તેનું વેચાણ કરતાં હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તદુપરાંત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ગાંજાના આ નેટવર્કમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. ત્યારે, નાર્કોટીક્સ સેલ તેમજ પોલીસની ટીમ દ્વારા આ દિશામાં પણ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
8 હજાર રૂપિયે કિલોના ભાવે ગાંજો લાવી, 12 હજાર રૂપિયાના ભાવે વેચતાં હતાં
મહેમદાવાદમાં જાહેર રોડ પર ઉભા રહીને ગાંજાનું વેચાણ કરતાં પકડાયેલાં સૈયદઅલી અને અક્ષય પરમાર અમદાવાદના સોનું, મહેમદાવાદના જસ્ટીન તેમજ રાકેશ ઓરિસ્સાવાળા પાસેથી 8000 રૂપિયે કિલોના ભાવે ગાંજો ખરીદતાં હતાં. જ્યારે ગ્રાહકોને 12 હજાર રૂપિયે કિલોના ભાવે ગાંજો વેચતાં હતાં. આમ, એક કિલો ગાંજાના વેચાણ પર તેઓને 4 હજાર રૂપિયાનો નફો થતો હતો.
ગાંજો વેચનાર અક્ષય પાસેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું આઈ.ડી કાર્ડ મળ્યું
ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમના નાર્કોટીક્સ સેલની ટીમે સોમવારે મહેમદાવાદમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે ઈસમોને પકડ્યાં હતાં. જે પૈકી અક્ષય ભરતભાઈ પરમારની અંગજડતી કરતાં તેની પાસેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ (ગવર્મેન્ટ ઓફ ગુજરાત) નું આઈ.ડી કાર્ડ મળી આવ્યું હતું. 004905 નંબરના આ આઈ.ડી કાર્ડ પર બી.એસ પરમાર લખેલું હતું. તે જોતાં અક્ષયના પિતા અથવા તો કોઈ નજીકના સબંધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં હોવાનું સ્પષ્ટ થાય છે.