અષાઢી બીજને દિવસે રથયાત્રાનો તહેવાર ઉજવાય છે.તે દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. ભગવાન ભક્તોને ઘરબેઠાં દર્શન આપવા જાય છે. ભારતમાં સૌથી મોટી રથયાત્રા પુરીથી નીકળે છે અને અમદાવાદની રથયાત્રા બીજા ક્રમની મોટામાં મોટી રથયાત્રા ગણાય છે. સુરતમાં પણ નાની મોટી રથયાત્રા નીકળે છે. વર્ષોથી સુરતીઓ એક વિશેષ માન્યતા ધરાવે છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ,ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી રથમાં બેસી મોસાળમાં ‘કેરીગાળો’ કરવા જાય છે. ભગવાન બધાને કેરી ખવડાવી છેલ્લે કેરી ખાય છે. એવી સુરતીઓમાં લોકવાયકા પ્રવર્તે છે. રથયાત્રા તહેવારના શુભ દિને સુરતીઓ કેરીના રસ સાથે માલપુડાનું જમણ કરે છે. આ રીતે સુરતીઓ દરેક તહેવારો અનોખી રીતે અને આગવી શૈલીથી ઉજવે છે. દરેક તહેવારમાં સુરતીઓના જમણનું ખાસ મેનુ હોય છે. જમણ માટે વિખ્યાત સુરતીઓનો કેરીગાળો ખાસ ઉત્સવ છે, જેમાં ભગવાનને રથયાત્રાના અવસરે કેરીનો રસ અને માલપુડાનો શ્રદ્ધાપૂર્વક ભોગ ધરાવી ધન્યતા અનુભવે છે.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નહેરુ અને મોદીની તુલના
રાજયસભામાં ચર્ચાની શરૂઆત કરતાં ભાજપના સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે નહેરુ અને મોદીની તુલના કરવી સંભવ જ નથી કારણ કે બન્ને વચ્ચે કોઇ તુલના થઇ શકે તેમ જ નથી. ભારત જેવા લોકશાહી દેશમાં દેશની જનતાએ તમને જીતાડીને રાજયસભામાં અને લોકસભામાં તેમના પ્રતિનિધિ અને સેવક તરીકે તમને મોકલ્યા છે તો તમારી નૈતિક ફરજ અને જવાબદારી એ છે કે તમે દેશની જનતાને સ્પર્શતા પ્રશ્નો રજૂ કરી તેની ચર્ચા કરો. અમે જનતાના હિતમાં સર્વસંમતિથી કોઇ યોગ્ય નિર્ણય કરો નહીં કે બે નેતાઓની તુલના કરવા કે બેમાંથી કોણ નેતા મહાન હતો કે છે. આ અંગે બન્ને ગૃહના સભ્યોએ દેશની જનતાના હિતમાં ગંભીરતાથી વિચારવું જ જોઇએ.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.