Columns

સફળ વ્યક્તિના હોઠો પર

એક સેમીનાર હતો, જેમાં વાત કરવાની હતી સફળ થવા માટે જરૂરી વિષયો પર.સફળ વ્યક્તિની  મહત્ત્વની આદતો વિશેના અંગ્રેજી પુસ્તકમાંથી ઘણી વાતો થઇ.એક પછી એક સ્પીકરો આવ્યા અને સફળતા માટે જરૂરી આદતો, ગુણો, આવડતો ,અભ્યાસ વગેરે વિષે સમજાવવા લાગ્યા. એક સ્પીકર આવ્યા તેમનો વિષય હતો –‘સફળ વ્યક્તિના હોઠો પર’…અત્યાર સુધી આવેલા સ્પીકરો કરતાં આ વિષય થોડો જુદો હતો એટલે શ્રોતાજનોને વધારે રસ પડ્યો.સ્પીકરે પોતાની વાત શરૂ કરતાં જ કહ્યું, ‘દરેક વ્યક્તિ સફળ બની શકે છે અને હું તો એમ માનું છું કે દરેક વ્યક્તિ જે માણસ તરીકે જીવન જીવે છે …જે જિંદગીના તડકા છાયંડા સહન કરે છે…

જે પોતાની જવાબદારીઓ પૂરી કરવા સતત લડતો રહે છે તે બધા જ સફળ છે.મારો સવાલ છે જે વ્યક્તિ સફળ છે અથવા જેને જીવનમાં સફળ થવું છે તેના હોઠો પર શું હોવું જોઈએ?’ એક પછી એક શ્રોતાગણમાંથી જવાબ આવવા મંડ્યા કે સફળ થવા માટે બધી જ જાણકારી મોઢે  કડકડાટ યાદ હોવી જોઈએ ….કે સફળ થવા માટે પોતાના વિષયનું જ્ઞાન મોઢે હોવું જોઈએ …કે સફળ થવા માટે એક એક રૂપિયાનો હિસાબ મોઢે હોવા જોઈએ …કે ..કે સફળ થવા માટે અનેક ભાષાઓ બોલતા આવડવી જોઈએ જેથી કસ્ટમર સાથે તેની ભાષામાં વાત કરી તેને પોતાનો કરી શકાય…કે સફળ થવા માટે લોકોના માનસને ઓળખી બોલવું  જોઈએ … 

અનેક જુદા જુદા જવાબ મેળવીને સ્પીકર રાજી થયા અને સમજી ગયા કે શ્રોતાજનોને આ વિષયમાં રસ પડ્યો છે.તેમણે આગળ કહ્યું, ‘તમે આપેલા બધા જવાબ ખોટા છે એમ નહિ કહું , બધા જવાબ પોતપોતના વિચાર પ્રમાણે સાચા છે.પણ હું તમને જે સમજાવવા માંગું છું તે એવા જવાબ છે જે આ બધા જવાબ સાથે જરૂરી છે.હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપો ….’ એક અધીરા શ્રોતાએ  ઊભા થઈને કહ્યું, ‘સાહેબ , તમે પ્રશ્ન પૂછો નહિ, તમે જ જલ્દી જણાવો કે અમને તમારો જવાબ સાંભળવાની ઉતાવળ છે .’ બધા હસ્યા અને સ્પીકર પણ હસતા હસતા બોલ્યા,

‘સફળ વ્યક્તિના હોઠો પર સૌથી મહત્ત્વની વસ્તુ છે સ્મિત …જે દરેકને પોતાના કરી લે છે …પછી મહત્ત્વનું છે મૌન, જે ઝઘડા અને સમસ્યા દૂર કરે છે ….પછી જરૂરી છે ધીરજ જે હમણાં આ સજ્જનની ખૂટી તેમ ખૂટવી ન જોઈએ. પહેલાં સામેવાળાને સાંભળો, પછી જવાબ આપો કે તમારો મત જણાવો અને પછી જરૂરી છે મીઠી વાણી જે બોલો તે મીઠું બોલો સામેવાળાને સાંભળવું ગમે તે રીતે તમારી વાત મૂકો…જો આ હોઠો પર રાખશો તો સફળ થશો અને સફળ રહેશો.’ શ્રોતાઓએ તાળીઓ સાથે સ્પીકરની વાત વધાવી લીધી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top