સુરત: એકતરફ વાવાઝોડાના (Cyclone) એલર્ટના (Alert) લીધે તંત્રમાં ભાગદોડ મચેલી છે ત્યાં બીજી તરફ આજે મંગળવારે તા. 13 જૂન 2023ની સવારે વરાછા વિસ્તારમાં એવી ઘટના બની કે પાલિકાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અહીં સવારે રોડ પર મોટા મોટા ભુવા પડ્યા હતા. લંબેહનુમાન રોડ પર જ્યાં મેટ્રોનું (Metro) કામ ચાલતું હતું ત્યાં ચાર દિવસ પહેલાં પાલિકા દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો હતો, તે રોડ પર આજે મોટા મોટા ભુવા પડ્યા હતા.
શહેરમાં હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે પરંતુ કામગીરી દરમિયાન અનેક જગ્યાએ વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ વચ્ચે વરાછા લંબે હનુમાન રોડ વિરાટ નગરથી સાગર સુધીના રોડ ઉપર મેટ્રોની કામગીરી પુર્ણ થયા બાદ ચાર દિવસ પહેલા બનાવવામાં આવેલા રોડ ઉપર મોટા ભુવા પડતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
મેટ્રો દ્વારા કામગીરી પુરી કર્યા બાદ યોગ્ય પુરા કે વોટરીંગ ન કરતા આ રોડ લોકો માટે જોખમી બની ગયો છે. ઘટના અંગે પાલિકાના અધિકારીઓએ મેટ્રોના અધિકારી સાથે બેઠક કરી તાકિદે ક્ષતિ દુર કરવા માટે સુચના આપી હોવાનુ કહેવાય છે મેટ્રો દ્વારા કાપોદ્રા થી રેલવે સ્ટેશન સુધીના અન્ડર ગ્રાઉન્ડ રુટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
દરમિયાન થોડા સમય પહેલાં જ વરાછા ઝોનમાં આવેલા લંબે હનુમાન રોડ થી વિરાટ નગર સુધીના રોડ પર કામગીરી કરી હતી અને ચાર દિવસ પહેલા કામગીરી પુરી થતાં રોડ પણ બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ રોડ બનાવવા પહેલાં વોરિંગ અને પુરાણની કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાથી આજે સવારથી આ રોડ પર અનેક જગ્યાએ મોટા ભુવા પડી ગયા છે.
આવા ભુવાના કારણે વાહન ચાલકો સામે ખતરો ઉભો થવા સાથે લોકોમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે. જે રોડ પર ભુવા પડ્યા છે તે વિસ્તારમાં નાના મોટા વાહનોનીસતત અવરજવર રહેતી હોય છે તે ઉપરાંત અહીં નજીકમાં જ સ્કુલ પણ આવી છે તેથી આ ભુવાના કારણે વાહનચાલકો સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ મોટો ખતરો ઉભો થયો છે. આ અંગેની ફરિયાદ બાદ પાલિકા તંત્ર પણ દોડતું થયું છે. પાલિકાએ મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરીને આ ભુવા પુરવાની અને યોગ્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવા માટે સુચના પણ આપી છે.