નડિયાદ: વસો તાલુકાના અલિન્દ્રા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીની અનિયમિતતા સામે ગ્રામજનો જિલ્લા વિકાસ અધિકારીના શરણે પહોંચ્યા છે. આરોગ્ય કેન્દ્રના સ્ટાફનર્સ દ્વારા પોતાના ફરજના સમયે આરોગ્ય કેન્દ્રમાં હાજર ન રહી અને મનમાની મુજબ નોકરી કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે. તો વળી, સરપંચ દર્દીને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરવા જતા નર્સ તેમના પર પણ તૂટી પડ્યા હોવાનું ડીડીઓને કરાયેલી અરજીમાં ઉલ્લેખ્યુ છે.
આજે અલિન્દ્રા ગામના ગ્રામજનો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા વિકાસ અધિકારીને એક અરજી આપી અલિન્દ્રા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લોલમલોલ અંગે રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહેલાથી જ કર્મચારીઓની ઘટ્ટ છે. તો હાલ સ્ટાફ નર્સ તરીકે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા વંદનાબેન દ્વારા તેમની મનમાની મુજબ કામકાજ કરવામાં આવી રહ્યુ છે. વંદનાબેનની નોકરી પર ફરજનો સમય બપોરે 2 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીનો છે.
પરંતુ તેઓ બપોરે આવ્યા બાદ મોટાભાગે 5થી 5:30 કલાકે છૂમંતર થઈ જતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. જેના કારણે ત્યાં સારવાર લેવા આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. માત્ર 3-4 કલાક નોકરી કરી વંદનાબેન બાકીના સમયે સતત ગેરહાજર રહેતા હોવાથી અલિન્દ્રા અને આસપાસના દર્દીઓને મુશ્કેલી ભોગવવી પડે છે. વંદનાબેનને તેમની બેદરકારી માટે નોટીસ પણ અપાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. તો બીજીતરફ વંદનાબેન પોતે સ્ત્રી હોવાથી મહિલા અધિકારો આગળ ધરી પોતાનો બચાવ કરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
તેમજ આ અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં વંદનાબેન પર ઉચ્ચાધિકારીઓના છુપા આશીર્વાદ હોય તેમ કાર્યવાહી ન થતી હોવાનું સ્થાનિકો રટણ કરી રહ્યા છે. આ મામલે તાત્કાલિક સ્ટાફનર્સ સામે પગલાં લેવાય તેવી માગ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગના ડોક્ટર સહિત કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાં ભારે અનિયમિત હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે. આ અગાઉ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી બેદરકારી બહાર આવી હતી. ખેડા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર પણ હાજર ન હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કડક હાથે કામ લેવા માટે પ્રજામાં પણ સૂર ઉઠ્યો છે.
બુધવારે ઝેરી જાનવરે ડંખનું દર્દી આવ્યુ, પણ આ.કેન્દ્ર ખાલીખમ
બુધવારે મોડી સાંજે 6થી 7 વાગ્યાના અરસામાં ખાંધલી ગામના વિનુભાઈને ઝેરી જાનવર કરડતા બેભાન અવસ્થામાં અલિન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. વિનુભાઈ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા હતા. જો કે, પ્રા.આ.કેન્દ્રમાં પહોંચતા ત્યાં કોઈપણ સરકારી કર્મચારી હાજર ન હતા. વળી, જેની મુખ્ય જવાબદારી થાય છે, તે સ્ટાફનર્સ વંદનાબેન પણ આરોગ્ય કેન્દ્ર પર ન હતા. આ ગંભીર બાબત સરપંચપતિના ધ્યાને આવતા તેમણે વંદનાબેન સાથે ટેલિફોનીક વાત કરતા વંદનાબેને અસભ્ય વર્તન કર્યુ હતુ.
આયુષ અધિકારીને પણ ખખડાવી નાખ્યા
ઝેરી જાનવર કરડતા આરોગ્ય કેન્દ્ર પર પહોંચેલા દર્દીને સારવાર ન મળતા આ અંગેની રજૂઆત મોડી સાંજે જ ડીડીઓ સુધી પહોંચી હતી. જ્યાં ડીડીઓએ સબંધિત અધિકારીને ધ્યાન દોરતા આયુષ ઓફીસર જીતેશ પટેલને સ્ટાફનર્સ સાથે વાતચીત કરવા જણાવાયુ હતુ. જો કે, વંદનાબેનના ઉપરી અધિકારી હોય, જીતેશ પટેલે વંદનાબેનને ફોન કર્યો હતો. જ્યાં વંદનાબેન દ્વારા આયુષ ઓફીસરનો પણ ઉધડો લઈ નાખવામાં આવ્યો હતો.
રેકોર્ડિંગમાં શું હશે?
આ મામલે ગ્રામજનોએ સરપંચપતિ અને આયુષ ઓફીસર સાથે વંદનાબેન સાથે કરેલી ટેલિફોનીક વાતચીતનું રેકોર્ડિંગ પણ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કર્યુ છે. ત્યારે આ રેકોર્ડિંગમાં પણ વંદનાબેન દ્વારા કરાયેલો વાણી-વિલાસ આપી તેનો અભ્યાસ કરી તેમની સામે પગલાં લેવા માગ કરાઈ હોવાનું જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યુ છે.