પેટલાદ : પેટલાદ પાલિકાના કાયમી અને હંગામી કર્મચારીઓ છેલ્લા ત્રણેક દિવસથી પડતર માંગણીઓ સંદર્ભે હડતાળ ઉપર ઉતર્યા છે. આ હડતાળ દરમિયાન કર્મચારીઓ અને પ્રમુખ – સીઓ સાથે તબક્કાવાર બેઠકો યોજાઈ હતી. પરંતુ સફાઈ કામદારોની કેટલીક માંગણીઓ સંદર્ભે સમાધાન નહી થતા હડતાળ યથાવત રહી છે. જેને કારણે સમગ્ર શહેર ગંદકીમાં ગરકાવ થઈ ગયું છે. જેથી પાલિકાના ચીફ ઓફિસર આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેઓએ ગુરૂવારે હડતાળીયાઓ સામે લાલઆંખ કરી 24 કલાકની નોટીસ ફટકારી ફરજ ઉપર હાજર થવા ફરમાન કર્યું છે. આ ઉપરાંત કાયમી કર્મચારીઓ સામે જરૂર પડશે તો એસ્મા લાગુ કરવાની ચીમકી પણ નોટીસ દ્વારા ઉચ્ચારી છે.
પેટલાદ નગરપાલિકાના આશરે 45 જેટલા કાયમી સફાઈ કામદારો ત્રણેક દિવસ અગાઉ પડતર માંગણીઓ સંદર્ભે હડતાળ ઉપર ઉતર્યા હતા. તેઓની માંગણીઓ પૈકી સાતમાં પગારપંચનો લાભ, સફાઈ તથા સેફ્ટીના સાધનો, યુનિફોર્મ, રવિવારની આખી રજા વગેરે હતી. બાદ બે દિવસ પછી પાલિકાના આશરે 60 જેટલા ફિક્સ પગારદાર સફાઈ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયાં હતા. તેઓની મુખ્યત્વે માંગણી પગાર વધારાની હતી. આ હંગામી સફાઈ કામદારોને રૂા.9 હજારથી રૂા.10 હજારથી વધુનો પગાર મળી રહ્યો છે.
જેના બદલે તેઓની માંગણી રૂા.16,200ની હતી. આ ઉપરાંત આ હંગામી કર્મચારીઓ પગાર સ્લિપ પણ માંગી રહ્યા છે. આ તમામ પડતર માંગણીઓ માટે કાયમી અને હંગામી સફાઈ કામદારો હડતાળ ઉપર છે. બીજી તરફ હાલ વરસાદી માહોલને કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ જવા સાથે ગંદકીના ઢગ ખડકાઈ ગયા છે. જેથી સફાઈ કામની સ્થિતી વણસી રહી છે. જેને કારણે ગતરોજ કાયમી અને હંગામી સફાઈ કામદારો સાથે સત્તાધીશો સહિત ચીફ ઓફિસર સંજય રામાનુજની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી.
જેમા ફિક્સ પગારદાર સફાઈકામદારો પ્રત્યે સહાનુભૂતી રાખી પગાર વધારો કરવા આગામી સામાન્ય સભામાં રજૂઆત કરી યોગ્ય કરવા ચીફ ઓફિસરે બાહેધરી આપી હતી. આ ઉપરાંત જે કોઈ હંગામી સફાઈ કામદારને પગાર સ્લિપ જોઈએ તેઓને માંગણી મુજબ ચોક્કસ હેતુસર પગાર સ્લિપ આપવા પણ ચીફ ઓફિસરે તૈયારી બતાવી હતી. આ સાથે કાયમી સફાઈ કામદારોની કુલ માંગણીઓ પૈકી યૂનિફોર્મ, સાધનો વગેરે જેવી માંગણીઓ સ્વિકારવામાં આવી હતી. તેઓની માંગણીઓ પૈકી ફક્ત સાતમાં પગારપંચનો લાભ આપવા સંદર્ભે તે કામ સરકાર હસ્તક હોવાનું જણાવ્યું હતુ.
સરવાળે કાયમી અને હંગામી સફાઈ કામદારોની સ્વિકારી શકાય તેવી લગભગ તમામ માંગણીઓ મંજૂર કરી હોવા છતા હડતાળ ચાલુ રાખવામા આવી છે. જેને કારણે ગુરૂવાર સવારથી પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજે હડતાળીયાઓ સામે લાલઆંખ કરી કાયમી તમામ સફાઈ કામદારોને અલ્ટીમેટમ નોટીસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. આ નોટીસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કાયમી સફાઈ કામદારોએ 24 કલાકમાં ફરજ ઉપર હાજર થઈ જવુ. જો તેમ કરવામાં નહી આવે તો કામ નહી તો પગાર નહી મુજબ કાયમી સફાઈ કામદારો વિરૂદ્ધ ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ઉપનિયમ અને જોગવાઇ મુજબ પાલિકા દ્વારા કાયદેસર કાર્યવાહી કરશે. આ ઉપરાંત કલેક્ટર સમક્ષ એસ્મા દાખલ કરવા દરખાસ્ત પણ કરવામાં આવશે. જો જરૂર પડશે તો બહારથી સફાઈ કામદારો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા ચીફ ઓફિસરએ જણાવ્યું હતું. જો આ કામગીરી દરમિયાન કોઈ હડતાળીયા દ્વારા કામગીરી રોકવામાં આવશે તો તેઓ વિરૂદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવા ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.