વડોદરા: વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર આર કાબેલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બુધવારે વડોદરા સહિત દેશભરમાં કંપનીઓને લગતા 40 ઠેકાણા પર ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. નવા વર્ષ બાદ પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આટલા વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યું કે ગુજરાત ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર સાથે સંકળાયેલા આર આર કાબેલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આર આર કેબલના વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ સહિત દેશભરમાં 40 વિવિધ ઠેકાણે IT ની ટીમોના દરોડા જારી છે. માત્ર કંપની પરિસર અને ઓફિસો જ નહીં પણ IT દ્વારા સમગ્ર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કને પણ દરોડામાં સમાવી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આર આર કેબલ પર પાડવામાં આવેલા દરોડામાં મોટા બેનામી વ્યવહારો પકડાવવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. આ સાથે જ નવા વર્ષમાં પણ ઇન્કમટેક્સ વિભાગ કરચોરો સામે આકરી કાર્યવાહી કરવાના મુડમાં હોવાનું ફલિત થઈ રહ્યું છે.IT દ્વારા કંપનીના હિસાબો, ખરીદ-વેચાણ ના ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતની માહિતીની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ તપાસના અંતે શુ બહાર આવે છે તેના પર સૌકોઈની નજર રહેશે.
દરોડા બાદ શેર માર્કેટમાં 1.22 ટકા ભાવ તૂટ્યો
RR કેબલ ઉપર ઇન્કમ ટેક્ષ વિભાગના સર્ચ ઓપરેશનના પગલે શેર બજારમાં તેનો ભાવ તૂટ્યો હતો. દિવસના અંતે કંપનીનો શેર 1.22 ટકા તૂટ્યો હતો. શેરબજારમાં આ શેર 1666.60 માં ખુલ્યો હતો આજના દિવસમાં તેની લોએસ્ટ પ્રાઈઝ 1619.20 થઇ હતો. અને દિવસના અંતે તે 1639.30 માં બંધ થયો હતો.
તાજેતરમાં જ કંપનીનો આઇપીઓ ઈશ્યુ થયો હતો
RR કેબલ વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે. સમગ્ર દેશમાં કંપનીની 23 જેટલી બ્રાન્ચ ઓફિસ આવેલી છે. આ કંપની દ્વારા તાજેતરમાં જ આઇપીઓ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા સપ્ટેમ્બર 2023 માં આઇપીઓ ઈશ્યુ કર્યો હતો. તે બાદ આટલા કંપની દ્વારા પ્રાઈઝ બેન્ડ 983 થી 1035 સુધીની મુકવામાં આવી હતી. રૂ. 1,964.01 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ કરાયો હતો . આ ઇશ્યુ રૂ. 180.00 કરોડના 0.17 કરોડ શેરના તાજા ઇશ્યુ અને રૂ. 1,784.01 કરોડના કુલ 1.72 કરોડ શેરના વેચાણની ઓફરનું સંયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં 23 બ્રાન્ચ ઓફિસ અને 5 ફેક્ટરીઓ આવેલી છે
RR કેબલની દેશભરમાં 5 ફેક્ટરીઓ આવેલ છે જેમાં વડોદરાના વાઘોડિયા, સેલવાસ, બેંગ્લોર, હરિદ્વારના રૂરકી, અને હિમાચલ પ્રદેશના ઉનાના ગેંગરેટ ખાતે તેની ફેક્ટરી આવેલી છે. તો ચારેય ખૂણામાં તેની બ્રાન્ચ ઓફિસ આવેલી છે. દેશમાં કુલ 23 બ્રાન્ચ ઓફિસ આવેલી હોવાની માહિતી સાંપડી રહી છે