વહાલા વિદ્યાર્થી મિત્રો,
2022માં શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે બોર્ડની પરીક્ષાઓ સમયસર શરૂ થઇ ચૂકી છે. આપ સૌએ પણ પૂરતી તૈયારીઓ સાથે પરીક્ષાઓ આપવાનું શરૂ કરી દીધું છે. પરીક્ષા પૂર્ણ થતાં 9-10 એપ્રિલ આવશે ત્યાં સુધી બીજા પાંચ બાકી રહેલાં પેપરો પણ આપવાના રહેશે. પરીક્ષાઓ શરૂ થવાની enxiety (ચિંતાઓ) અલગ હોય છે. પણ શરૂ થયા પછી પેપરનાં પર્ફોર્મન્સ પ્રમાણે તમારી ચિંતાનો પારો ઉપરનીચે થતો રહેશે અને એની અસર બાકી રહેલાં પેપરની પરીક્ષા ઉપર પડશે. થોડાં વર્ષોથી ગુજરાત બોર્ડમાં પણ સી.બી.સી.એસ. પ્રમાણે પરીક્ષાઓનું સમયપત્રક વિદ્યાર્થીઓને થોડું વધુ રીલેકસેશન મળી રહે તે માટે રજાઓ સાથેનું બનાવવામાં આવે છે.
- આજના દિવસ સુધીમાં એક-બે પરીક્ષાઓ પૂર્ણ થઇ છે. પેપર સારા જ લખાયા હશે, બીજા શેડયુલ પ્રમાણેની તૈયારીઓ આરંભી હશે ત્યારે થોડાંક સૂચનો:
- ઘણા વાલીઓ પેપર પૂરું થયા પછી સંતાન ઘરે આવે એટલે પેપરનું સોલ્યુશન કરાવે જેથી કેવું ગયું/લખ્યું છે તે ખબર પડે. હવે જો પેપર ખૂબ જ સારું ગયું હશે તો વિદ્યાર્થી ઓવર કોન્ફિડન્સમાં આવી જશે અને આપણાં તો બધાં જ પેપર સારાં જવાનાં છે એમ માની થોડુંક વધુ રીલેકસેશન લેવાનો પ્રયત્ન કરશે. જેની કદાચ બીજા પેપરમાં નકારાત્મક અસર પડવાની શકયતાઓ વધી જાય છે અને જો પેપર સોલ્વ કરતાં ખબર પડશે કે Up to the mark નથી ગયું તો એની નકારાત્મક અસર બીજા પેપરની તૈયારી પર પડશે માટે સંતાન ઘરે આવ્યા બાદ પ્રશ્નપત્રની ચર્ચા બહુ ઊંડાણથી ન કરવી, સારું ગયું હોય તો પણ અને અઘરું ગયું હોય તો પણ પ્રોત્સાહનના શબ્દો કહી, નૈતિક-ભાવનાત્મક સપોર્ટ આપજો જેથી અન્ય પરીક્ષાની તૈયારીઓ સારી થઇ જશે.
- વિદ્યાર્થીમિત્રો, જો કદાચ કોઇ કારણસર તમારું પેપર ધાર્યા મુજબ ન ગયું તો એના લીધે પરીક્ષાનો ટેમ્પો-મૂડ બગાડશો નહીં. એવું વિચારજો કે આ ગયેલા પેપરની કસર બીજા પેપરોમાં કવર કરવાની તકો હજુ ઊભેલી છે માટે નબળાં પર્ફોર્મન્સથી વિચલિત થયા વગર તમારો પરીક્ષાનો મૂડ જાળવી સમયપત્રકને ફોલો કરો.
- પ્રશ્નપત્ર હાથમાં આવતાં જે વાંચવાનો સમય તમને ફાળવવામાં આવ્યો છે તેને તમે પ્રથમ ક્રમથી જ વાંચો અને છેલ્લા ક્રમ સુધી શાંતિથી વાંચી જાવ. તમારું અર્ધજાગ્રત મન તમે કેળવેલી મેમરીમાંથી જવાબો શોધીને તૈયાર રાખશે.
- જો તમને પરીક્ષાખંડમાં વાંચેલું યાદ ન આવે ત્યારે… થોડીક ક્ષણો શાંત ચિત્તે બેસો-આંખ બંધ કરી તમારી વાંચન પ્રક્રિયાને જુઓ. તમને તમારા વાંચેલા મુદ્દાઓ યાદ આવશે.
- જો તમે પરીક્ષાખંડમાં બ્લેન્ક મહેસૂસ કરો તો ગભરાઈ નહીં જાવ. પાણીનો ઘૂંટડો પીને ચિંતાભર્યા વિચારો મગજમાંથી કાઢી નાંખો. ઊંડા શ્વાસ લઇ ફરી લેખનકાર્યમાં વ્યસ્ત થઇ જાવ.
- પરીક્ષાખંડમાં માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે પૂરતી ઊંઘ હોવી એ ખૂબ જ જરૂરી છે. વધુ પડતી ઊંઘ નહીં પરંતુ મગજને પૂરતો ઓક્સિજન, આરામ મળે ત્યારે આપણે જેતે મેમરીમાં રીટ્રાઈવ કરી શકીએ છીએ.
ધ્રુવીલ ધો. 12નો વિદ્યાર્થી, ગણિતના પેપરમાં મધરાતે ઊઠીને દાખલાઓની પ્રેક્ટિસ બપોર સુધી કરી પછી પરીક્ષાખંડમાં બ્લેન્ક થઇ ગયેલો. જેની અસર પરિણામમાં જોવા મળેલી માટે તમે બનાવેલાં સમયપત્રકનો અમલ જાળવી રાખો જેથી તમારી બોડી કલોક સરખી ચાલે અને માનસિક પ્રક્રિયા- learning, thinking, memmory, retrieving, writing જળવાઈ રહે. - Reading holidays જે બે પેપર વચ્ચે રજાઓ આપી હોય છે તેમાં પણ આયોજન કરી અન્ય પેપરનું રીવીઝન કરી શકાશે.
- છેલ્લી ઘડીના VIP અને VVIPના આવતા સમાચારો પર બિલકુલ ધ્યાન કેન્દ્રિત ન કરતાં. ઘણી વખત પરીક્ષા દરમ્યાન નબળા વિદ્યાર્થીઓ જેમનું વાંચન/અભ્યાસ પૂર્ણ થયો નથી તેઓ હવે શું થશે? ની ચિંતામાં રહેતાં હોય ત્યારે લેભાગુ લોકો કહે કે ‘આ તો 100 % આવવાનું જ છે’ કરવું જ રહ્યું. મારા ટયુશન ટીચરે કહ્યું છે એવા પણ મેસેજ આવે છે. મિત્રો આવી અફવાઓ પર ધ્યાન ના આપશો. તમારી તૈયારીઓને ધ્યાન આપી બાકીની તૈયારીઓ/ટેમ્પો/ મૂડ જાળવી રાખશો.
- વાલીઓને ખાસ સૂચન કે પરીક્ષાના દિવસો દરમ્યાન ઘરના વાતાવરણમાં હળવાશ, સંવાદ જાળવી રાખવા, અન્યોનાં છોકરા-છોકરીઓનાં પર્ફોર્મન્સ વિષે ચર્ચા કરવી નહીં. એમની સરખામણી પણ ન કરવી કેમ કે ભગવાને દરેક વ્યક્તિ અજોડ બનાવી છે દરેકને અમાપ શક્તિઓની ભેટ આપી છે અને દરેકની ભેટ અનોખી હોય છે માટે તમારા અનોખા ફૂલને સાચવજો. જરૂરથી સુવાસ ફેલાવશે જ.
‘‘Trust yourself
you know more than
you think, you do.’’
‘‘you are so close to the victory, Don’t you dare give up goal.’’