સુરત(Surat) : પેન્ટાગોન (Pantagon) કરતા પણ વિશાળ વિશ્વની સૌથી કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં (SuratDiamondBurse) હીરાની ઓફિસો ધમધમતી કરવાની દિશામાં આજે દશેરાના (Dusshera) શુભ દિવસે પહેલું પગલું માંડવામાં આવ્યું છે. આજે સુરત-મુંબઈના 983 હીરાના વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સની પોતાની ઓફિસોમાં કુંભ સ્થાપના કરી હતી. આ પ્રસંગે ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CRPatil) ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કુંભ સ્થાપના કરવા પહેલાં હીરાના વેપારીના પરિવારોએ પરંપરાગત રીતે કળશ યાત્રા કાઢી હતી.
ઓફિસોમાં કુંભ ઘડો મુકવા પહેલાં હીરાના વેપારીઓના પરિવારોએ સુરત ડાયમંડ બુર્સના પરિસરમાં કુંભયાત્રા કાઢી હતી.
સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત સુરતના ખજોદ ખાતે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે 24 ઓક્ટોબર 2023ને દશેરાના શુભ દિને સવારે શુભ મુહૂર્તમાં સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસોમાં કુંભ સ્થાપના કરી હીરાના વેપારીઓએ ઓફિસ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે.
આજે વિજયા દશમીના શુભ પર્વે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કર્યું છે. આ વિરલ ઘટનામાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત 5000 થી વધુ લોકો જોડાયા હતા.
કુંભ સ્થાપનાના શુભ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિશેષ હાજરી આપી હતી.
કિરણ જેમ્સના વલ્લભ પટેલ 21 નવેમ્બરે બુર્સમાં ઓફિસ શરૂ કરશે
તા.21મી નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ પોતાની ઓફિસનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બુર્સના અન્ય ઉદ્યોગકારો પણ પોતાની ઓફિસનું વ્યવસ્થાપન કરવા માંડશે.
સુરત ડાયમંડ બુર્સની મીડિયા કમિટીના દિનેશ નાવડીયા પરિવાર સહિત શુભપ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
વેપારીઓને બુર્સમાં જ તમામ સગવડ મળી રહેશે
બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની રહેશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.
17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુર્સનું ઉદ્દઘાટન કરશે
17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુસ ઉદધાટન કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહની વિગતો હવે પછી વિધિવત રીતે જણાવવામાં આવશે.
કુંભ સ્થાપના બાદ અગ્રણી હીરા વેપારીઓએ એકમેકને શુભેચ્છા પાઠવી હતી.
ડાયમંડ બુર્સના ઉદ્દઘાટનમાં દેશવિદેશના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ હાજરી આપશે
આ અગાઉ રવિવારે ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, સહકારી ધોરણે રૂ. 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબના ઉદ્ઘાટન પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, આગેવાન વ્યક્તિઓને ખાસ ઉપસ્થિત રહેશે.