આ કોલમમાં મેં શનિવારે જ લખ્યું હતું કે ‘‘તાલિબાન ગણતરીના દિવસોમાં કાબુલ પર પોતાનો કબજો જમાવી દેશે.’’ ત્યારે મેં એવી કલ્પના નહોતી કરી કે કાબુલ પત્તાંના મહેલની જેમ તાલિબાનના હાથમાં આવી જશે. અમેરિકાની કઠપૂતળી જેવા અફઘાન પ્રમુખ અશરફ ગની ખાન તાલિબાનનો સામનો કર્યા વિના કાયરની જેમ ફ્લાઇટ પકડીને તાજિકિસ્તાન ભણી નાસી ગયા હતા. તેમની સાથે તેમના કેટલાક વિશ્વાસુ રાજદ્વારી સાથીઓ હતા, જેમણે અફઘાનિસ્તાનને લૂંટવામાં બિલકુલ બાકી રાખ્યું નહોતું. કહેવાય છે કે અમેરિકા દ્વારા તાલિબાન સામે લડવા માટે અફઘાનિસ્તાનને જે આર્થિક સહાય મળતી હતી તેના ૫૦ ટકા જેટલી રકમ અશરફ ગની ખાન અને તેમના સાગરીતો ચાઉં કરી ગયા હતા. આ રકમમાંથી દુનિયાના સેફ હેવન ગણાતા દેશોમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે કાબુલમાં સત્તા છોડતાં પહેલાં અશરફ ગની ખાને આ મિલકતની કોઈ તપાસ કરવામાં નહીં આવે તેવું વચન અમેરિકા પાસે મેળવી લીધું હતું.
હજુ ગયા સપ્તાહે અમેરિકાના કેટલાક નિષ્ણાતો તાલિબાન ૩૦ થી ૯૦ દિવસમાં કાબુલનો કબજો મેળવી લેશે એવી આગાહીઓ કરતા હતા. તાલિબાને તે આગાહીના ૩૦ થી ૯૦ કલાકમાં કાબુલનો કબજો મેળવીને અમેરિકાના ગુપ્તચર તંત્રની ફજેતી કરી છે. અમેરિકા દ્વારા છેક છેલ્લી ઘડી સુધી તાલિબાન સાથે સત્તામાં ભાગીદારી માટેનો કરાર કરવાની ઓફર આપવામાં આવી હતી; પણ અમેરિકા સાથે કુલડીમાં ગોળ ભાંગવાને બદલે તાલિબાને પોતાની શરતે સ્વતંત્રતા મેળવી લીધી છે. અમેરિકાએ ૨૦ વર્ષ દરમિયાન પોતે ઘડેલું અન્યાયકારી બંધારણ અફઘાનિસ્તાનને માથે ઠોકી બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. તાલિબાને તેનો કચ્ચરઘાણ કાઢીને અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરીને ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન અમીરાતની સ્થાપના કરી દીધી છે. પશ્ચિમી મીડિયા ભલે ગમે તે કહે, અફઘાનિસ્તાને ૧૫ ઓગસ્ટે આઝાદી હાંસલ કરી લીધી છે.
તાલિબાને જે સલુકાઈથી અફઘાન રાજધાની કાબુલ પર પોતાનો કબજો જમાવી દીધો તે એક વિજેતાને છાજે તેવી રીત હતી. કાબુલનાં નાગરિકોને તાલિબાન દ્વારા હૈયાધારણ આપવામાં આવી હતી કે તેઓ કોઈ પણ જાતનો રક્તપાત કરવા માગતા નથી. કાબુલનાં નાગરિકો દ્વારા પણ તાલિબાનનો કોઈ પણ જાતનો પ્રતિકાર કરવામાં આવ્યો નહોતો. અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભાડૂતી લશ્કરે પણ પોતાનાં શસ્ત્રો કોઈ પણ જાતની લડત આપ્યા વિના તાલિબાનને સોંપી દીધા હતા. લોકો કાબુલની શેરીઓમાં તાલિબાનને આવકારવા ઉમટ્યાં હતાં.
સરકારના જે ચમચાઓ દ્વારા ૨૦ વર્ષ દરમિયાન તાલિબાન સામે યુદ્ધ છેડવામાં આવ્યું હતું તેઓ હવાઈ માર્ગે કે રોડ દ્વારા કાબુલ છોડીને પોબારા ગણી ગયા હતા. કાબુલના લોકોને ડર હતો કે તાલિબાનનું શાસન આવતાં જ મહિલાઓને બુરખા પહેરવાનો આદેશ બહાર પાડવામાં આવશે અને છોકરીઓને સ્કૂલે જતી રોકવામાં આવશે; પણ તેવું કાંઇ બન્યું નહોતું. ૧૯૯૬ ના તાલિબાનમાં અને ૨૦૨૧ ના તાલિબાનમાં ફરક દેખાતો હતો. કાબુલની બધી સ્કૂલો ચાલુ રાખવામાં આવી હતી.
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાય તે પહેલાં અમેરિકાના પિઠ્ઠુ પશ્ચિમી મીડિયા દ્વારા ફરીથી પ્રચાર વહેતો કરવામાં આવ્યો છે કે તાલિબાનના રાજમાં સ્ત્રીઓની કોઈ સલામતી નથી. તાલિબાને બુરખો પહેરવાનો ઇનકાર કરતી મહિલાને ગોળીથી ઠાર મારી, એવા બિનપાયેદાર સમાચારો પણ પશ્ચિમી મીડિયા દ્વારા વહેતા મૂકવામાં આવ્યા હતા. તાલિબાન દ્વારા પરણવાલાયક ૧૫ થી ૪૫ વર્ષની સ્ત્રીઓની યાદી તૈયાર કરાઇ રહી છે, તેવા સમાચારો પણ વહેતા મૂકાયા છે. આ બધાનો ઉદ્દેશ તાલિબાનને જગતના ચોકમાં બદનામ કરવાનો છે. જો તાલિબાન રાક્ષસ હોત તો અફઘાનિસ્તાનની પ્રજા દ્વારા તેને આટલો સહકાર આપીને પાછા લાવવામાં આવ્યા ન હોત.
તાલિબાને ૧૯૯૬ પછી અફઘાન મહિલાઓ પર જેટલા અત્યાચાર નહીં ગુજાર્યા હોય તેના કરતાં અનેક ગણા અત્યાચારો ૨૦૦૧ પછી અમેરિકી લશ્કરે અફઘાન મહિલાઓ પર ગુજાર્યા હતા. અફઘાનિસ્તાન પર અમેરિકાનો કબજો ટકાવી રાખવા માટે જે સૈનિકોને મોકલવામાં આવ્યા હતા તેમણે હજારો યુવાન અને ખૂબસૂરત અફઘાન મહિલાઓને તેમનાં ઘરોમાંથી ખેંચીને તેમની પર સામુહિક બળાત્કારો ગુજાર્યા હતા. તેના કોઈ હેવાલ મેઇનસ્ટ્રિમ મીડિયામાં આપવામાં આવતા નહોતા, કારણ કે અમેરિકાનું સૈન્ય તો અફઘાનિસ્તાનનો ઉદ્ધાર કરવા માટે આવ્યું હતું. યુટ્યૂબ પર અફઘાન મહિલાઓ પરના અમેરિકન સૈન્યના અત્યાચારોના અનેક વીડિયો મોજૂદ છે.
અમેરિકા ભલે જગતની મહાસત્તા ગણાતી હોય, ભલે તેની પાસે દુનિયાનું સૌથી શક્તિશાળી સૈન્ય હોય, ભલે તેની પાસે અદ્યતનમાં અદ્યતન અણુશસ્ત્રો હોય, ભલે તેની પાસે અબજો ડોલરની જીડીપી હોય; હવે એટલું સાબિત થઈ ગયું છે કે અમેરિકાની સરકાર કે લશ્કર દુનિયાના કોઈ પણ દેશ પર તેની ઇચ્છાથી વિરુદ્ધ લાંબા સમય સુધી કબજો જમાવી શકે તેમ નથી. જે તાલિબાન પાસે લડાઇના કોઈ સાધનો નહોતાં, આવકનો કોઈ કાયમી સ્રોત નહોતો, સૈનિકોને આપવા માટે પગાર નહોતો, રહેવા માટે કોઈ મકાનો નહોતાં, તેમણે પણ પરાક્રમ દાખવીને અમેરિકા જેવી મહાસત્તાને શિકસ્ત આપી છે. હકીકતમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું નથી ખેંચ્યું પણ તાલિબાને પોતાની તાકાતથી અમેરિકાને અફઘાનિસ્તાન છોડવાની ફરજ પાડી છે.
ઇ.સ. ૨૦૦૧ માં અમેરિકાએ જે કુટિલ ચાલના ભાગરૂપે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું તેનો ઇરાદો કાંઇક ઓર જ હતો. અમેરિકા પર આતંકવાદી હુમલો કરનારો ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં છૂપાયો છે તેવાં જૂઠાં બહાનાં હેઠળ આ હુમલો કરવામાં આવ્યો હતો. ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં નથી તે તો અમેરિકાને થોડા જ સમયમાં સમજાઈ ગયું હતું, પણ તેનો ઇરાદો જુદો જ હોવાથી તેણે અફઘાનિસ્તાન પર પોતાનો કબજો છોડ્યો નહોતો.
૨૦૧૧ માં પાકિસ્તાનમાં લાદેનને મારવામાં આવ્યો તે પછી તો અફઘાનિસ્તાન પર કબજો જમાવી રાખવાનું અમેરિકા પાસે કોઈ બહાનું પણ નહોતું. તેમ છતાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ચૂંટણીનું નાટક કરાવીને, પોતાની કઠપૂતળી જેવી સરકારની સ્થાપના કરાવીને, તેમની પાસે પોતાને માફક આવે તેવું બંધારણ બનાવડાવીને, રિમોટ કન્ટ્રોલથી પોતાનું કાયમી રાજ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. બહાદુર, સ્વદેશાભિમાની અને પરાક્રમી તાલિબાને તે પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો.
અફઘાનિસ્તાને ૧૫મી ઓગસ્ટે અમેરિકાની ૨૦ વર્ષની ગુલામીથી છૂટકારો મેળવી લીધો તેમાંથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહેલા ભારતે પણ બોધપાઠ લેવાની જરૂર છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં ભારતની પ્રજાએ પણ બ્રિટીશ રાજ સામે સ્વતંત્રતાનો જંગ માંડ્યો હતો. શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિવીરો ભારતને પોતાની શરતે આઝાદી અપાવવા માગતા હતા, પણ બ્રિટીશરો ચાલાક નીકળ્યા હતા. તેમણે ભારતમાં તૈયાર કરેલા પોતાના ચમચાઓને પોતાની શરતે જૂઠી આઝાદી આપી હતી અને પોતે તૈયાર કરેલું બંધારણ ભારતના માથે ઠોકી બેસાડ્યું હતું. ભારતનાં લોકોએ પણ તાલિબાનની જેમ દેશને મુક્ત કરવાની જરૂર છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.