Health

ઓમિક્રોને બાળકોને ચપેટમાં લીધા: દક્ષિણ આફ્રિકામાં 5 વર્ષથી નાની વયના બાળકોમાં નવા વેરિએન્ટના કેસ જોવા મળ્યા, તબીબો ચિંતામાં મુકાયા

દિલ્હી: કોરોના વાયરસ (Corona virus) નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) ઝડપથી દક્ષિણ આફ્રિકા (South Africa)માં ફેલાઈ રહ્યો છે. જેને લઈને તબીબી આલમે ચિંતા વ્યક્ત કરી છે. દક્ષિણ આફ્રિકાના ડોક્ટર્સનું કહેવું છે કે ઓમિક્રોનનું સંક્રમણ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. બાળકોમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળતા વૈજ્ઞાનિક માટે ચોક્કસ ચિંતાનો વિષય બન્યો છે. દક્ષિણ આફ્રિકામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ સંક્રમિત છે. શુક્રવારે એટલે કે 3 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકામાં 16,055 નવા કેસ નોંધાયા હતા અને 25 દર્દીઓના મોત થયા હતાં. વધતાં જતા કોરોના સંક્રમણના કારણે અનેક દેશોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. સાઉથ આફ્રિકામાં એક્ટિવ કેસની સંખ્યા 61,365 છે, જ્યારે USAમાં 1,47,434 નવા કોરોના સંક્રમિતોની સાથે 1352 મોત નોંધાયા હતા. UKમાં 50,584 નવા કેસો નોંધાયા હતા અને 143 લોકોના મોત નિપજ્યા હતા. રશિયામાં 32,930 કોરોના કેસની સાથે 143 મોત નોંધાયા હતા. ભારતમાં પણ હાલમાં જ ઓમિક્રોનના શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે.

દક્ષિણ આફ્રિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેબલ ડીસીઝ (NICD)ના ડો. વસિલા જસાટે(Dr. Waasila jassat)કહ્યું કે કોઈપણ વાયરસમાં બાળકોને ચેપ લાગવાનું જોખમ ઓછું રહેલું હોય છે અને અગાઉના વેરિયન્ટમાં પણ આ જ પ્રમાણે જોવા મળ્યું છે કે બાળકોમાં વાયરસનો ચેપ લાગવાનું જોખમ નહીંવત પ્રમાણમાં હતું, પરંતુ ત્રીજી લહેરમાં 5થી 15 વર્ષના બાળકો અને 19 વયના યુવાનો હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, અને હવે આ ચોથી લહેરમાં તમામ વય જૂથોમાં ચેપ વધવાનાં કેસ સામે આવ્યા છે. ખાસ કરી ને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં કેસમાં વધારો થયો રહ્યો છે. આ એક નવો ટ્રેન્ડ છે. જેને સમજવા માટે સમય લાગશે. આ ઉંપરાત 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ નવા વેરિયન્ટથી સંક્રમિત છે. NICD સાથે જોડાયેલ ડો. મિશેલ ગ્રોમે ( Dr. Michelle Groome)આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે નાના બાળકોમાં ચેપ ઝડપથી કેમ ફેલાય રહ્યો છે તે અંગે સંશોધન ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રશાસને બાળકો માટે બેડ અને સ્ટાફ વધારવાની જરૂર છે. અને બાળકોનું સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેરની આંક્ષકા વચ્ચે નવા વેરિયન્ટ વધુ જોખમી સાબિત થાય છે. તેથી ઘણા ખરા દેશોમાં વિદેશથી આવતા લોકોને એરપોર્ટ પર જ કોરોનાનો રિપોર્ટ અને હોમ ક્વોરન્ટિન માટે જાણકારી આપવામાં આવી રહી છે. આ સાથે જ ભારતમાં વિદેશથી આવતા મુસાફરોને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટિન અને RT-PCR કરાવવું ફરજિયાત છે. ભારતમાં હાલમાં 6 કેસ શંકાસ્પદ છે, જેમાંથી પ્રથમ કેસ વિદેશથી આવનાર વ્યકિતનો હતો. નોંધનીય છે કે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ સાઉથ આફ્રિકામાંથી મળી આવ્યો હતો. અને હવે એ ખૂબ ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાય રહ્યો છે.

Most Popular

To Top