નવી દિલ્હી: (Delhi) ટોક્યો ઓલમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ભારતના 119 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓલમ્પિક (Olympic)માં જતા 15 ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે ખેલાડીઓએ ઓલમ્પિકમાં નિર્ભિક થઈને રમે. ખેલાડીઓએ પોતાની ઉપર કોઈપણ પ્રકારના અપેક્ષાઓનો બોજો લાદવાની જરૂર નથી. વડાપ્રધાને જે ખેલાડીઓ સાથે વાત કરી હતી તેમાં એમસી મેરી કોમ (બોક્સીંગ), સાનિયા મિર્ઝા (ટેનિસ), આર્ચર્સ દીપિકા કુમારી અને પ્રવીણ જાધવ ઉપરાંત ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા શામેલ હતાં. આ સિવાય દુતીચંદ (એથ્લેટીક્સ), આશિષકુમાર (કુસ્તી), પીવી સિંધુ (બેડમિંટન), ઈલાવેનિલ વલારીવાન (શૂટર), સૌરભ ચૌધરી (શૂટર), શરથ કમલ (ટેબલ ટેનિસ), મણીકા બત્રા (ટેબલ ટેનિસ), વિનેશ ફોગાટ (કુસ્તી), સાજન પ્રકાશ (સ્વિમિંગ) અને મનપ્રીત સિંઘ (હોકી). વાતચીત દરમિયાન રમત પ્રધાન અનુરાગ ઠાકુર, નિસિથ પ્રમાનિક અને કાયદા પ્રધાન કિરન રિજિજુ પણ હાજર હતા.
પીએમ મોદીએ મેરી કોમને પૂછ્યું – તમારા મનપસંદ ખેલાડી કોણ છે?
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એસસી મેરી કોમ સાથે વાત કરતી વખતે પીએમ મોદીએ પૂછ્યું કે તમારા મનપસંદ ખેલાડી કોણ છે? આ અંગે ‘સુપરમોમે’ કહ્યું કે બોક્સીંગમાં મારા પ્રિય ખેલાડી મોહમ્મદ અલી છે. તે મારા માટે પ્રેરણારૂપ છે.
સિંધુને કહ્યું – સાથે મળીને આઈસ્ક્રીમ ખાઈશું
બેડમિંટન ખેલાડી પીવી સિંધુ સાથે વાત કરતી વખતે વડા પ્રધાને ટોક્યો ઓલમ્પિક્સ માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે પ્રેક્ટિસ દરમિયાન તમારા માતાપિતા તમને આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરતા હતા. પીએમએ કહ્યું કે ટોક્યોમાં તમારી સફળતા પછી હું તમારી સાથે આઈસ્ક્રીમ ખાઈશ.
ભારત 119 ખેલાડીઓ સહિત 228 સદ સભ્યોની ટીમ મોકલશે
પીએમ મોદીએ ખેલાડીઓ નિર્ભયતાથી રમવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે આખું ભારત ખેલાડીઓની સાથે છે. તમામ ખેલાડીઓને તેમણે શુભકામનાઓ પાઠવી હતી. ભારતીય ઓલમ્પિક એસોસિએશન (આઇઓએ) ના પ્રમુખ નરિન્દર બત્રાએ મંગળવારે કહ્યું હતું કે ભારત ટોક્યો ઓલમ્પિક્સમાં 119 ખેલાડીઓ સહિત 228 સભ્યોની ટુકડી મોકલશે. 17 જુલાઈએ ભારતીય એથ્લેટ્સની પ્રથમ બેચ ટોક્યો ઓલિમ્પિક માટે રવાના થશે.
મનપ્રીત અને મેરી કોમ ભારતીય ધ્વજવહક
ટોક્યો ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે દિગ્ગજ મહિલા બોક્સર એમસી મેરી કોમ અને ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંઘની પસંદગી કરવામાં આવી છે. 23 જુલાઈએ યોજાનારા ટોક્યો ગેમ્સના ઉદઘાટન સમારોહમાં બંને ખેલાડીઓ ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે. બજરંગ પુનિયા 8 ઓગસ્ટે સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહકની ભૂમિકા ભજવશે.