કીમ: (Kim) ઓલપાડના ઉમરાછી ગામે યુવા આગેવાનના મોત મામલે મોટો ખુલાસો થયો હતો. ગામના ગાંધી આશ્રમનું (Gandhi Ashram) સંચાલન કરતી પત્ની સંચાલિકા અને અમદાવાદથી વિઝિટ કરતા પ્રેમી (Lover) સંચાલકે સાથે મળી અડધી રાત્રે પ્રેમીએ પતિને પેવર બ્લોકના ઘા મારી કરી હત્યા (Murder) કરી ફરાર થઈ ગયાનું પોલીસની તલસ્પર્શી તપાસમાં બહાર આવ્યું હતું.
ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગત તા.૧૫ના રોજ પૂર્વ સરપંચ વિરેન્દ્રસિંહ સેવાણીયાનું મોત થયું હતું. પત્નીના જણાવ્યા અનુસાર રાત્રે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી અગ્નિસંસ્કાર પણ કરી નાંખવામાં આવ્યાં હતાં. પરંતુ પરિવારજનોને પત્નીના વ્યવહારથી કંઇક અજૂગતું થયું હોવાનું લાગી રહ્યું હતું. જેથી સમગ્ર બાબતે પોલીસ સામે આશંકા વ્યક્ત કરી હતી. જો કે, આશંકાને લઇ કીમ પોલીસ સાથે સાથે જિલ્લા એલસીબી તેમજ એસઓજી પણ તપાસમાં જોડાઈ હતી. અને આખરે જિલ્લા એસઓજીને સમગ્ર બાબતે સફળતા મળી હતી.
ઉમરાછી ગામે ગાંધી આશ્રમનું સંચાલન કરતી ડિમ્પલ વિરેન્દ્રસિંહ સેવાણીયા તેમજ અમદાવાદથી આશ્રમની વિઝિટ કરવા આવતા અધિકારી હેમંત ઉર્ફે પીન્ટુ હશ્મુખ શર્મા (ઉં.વ.૩૨) (રહે.,હાલ-૪૦૧, શ્રી શરણ અબજી બાપા ગ્રીન્સની પાસે, અંજના ચોક, નવા નિકોલ, અમદાવાદ, મૂળ રહે., જયપુર, રાજસ્થાન) વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અને પ્રેમી-પ્રેમિકા હત્યા કરવા સુધી પહોંચી ગયાં હતાં. ઘટનાની રાત્રે પ્રેમિકા ડિમ્પલે પ્રેમી હેમંતને અમદાવાદથી બોલાવ્યો હતો. અને મધ્ય રાત્રિએ હેમંતે મૃતક વિરેન્દ્રસિંહના માથામાં પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ પત્ની ડિમ્પલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લોહીના ડાઘા સાફ કર્યા હતા તેમજ પથ્થર પણ ધોઈ નાંખ્યો હતો. અને આખી ઘટનાને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસની તલસ્પર્શી તપાસને લઇ આખી ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. અને પોલીસે મૃતકની હત્યારી પત્ની ડિમ્પલ તેમજ પ્રેમી હેમંત શર્માની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે.
દાયકાના લગ્નજીવન પર દોઢ વર્ષનો પ્રેમ ભારે પડ્યો
વિરેન્દ્રસિંહ અને ડિમ્પલનાં લગ્ન આશરે દશ વર્ષ અગાઉ લગ્ન થયાં હતાં. અને જેમને ૨ નાની દીકરી પણ છે. ડિમ્પલ અને હેમંત દોઢ વર્ષથી પ્રેમમાં હતાં. અને એક મહિના અગાઉ પત્ની ડિમ્પલે પ્રેમી હેમંત સાથે હત્યાનો પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ પ્રેમી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાંડો ફૂટી જતાં પત્ની અને પ્રેમીને પોલીસે જેલ હવાલે કર્યાં હતાં.