ઓલપાડ: (Olpad) ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી સમુદ્રમાં (Sea) વ્હેલ માછલી (Whale) દેખાતી હોવાની વાત કરી રહ્યાં હતાં. જોકે આ બાબતના કોઈ પુરાવા મળ્યા ન હતા પરંતુ રવિવારે અહીં વ્હેલ માછલીનું એક બચ્ચું તણાઈ આવતા વાતની સાબિતી થઈ હતી. રવિવારે બપોર બાદ મોર ગામે દરિયામાં આવેલ ભરતીમાં વ્હેલ માછલીનું એક 20 ફૂટ લાંબુ અને લગભગ 2 ટન વજન ધરાવતું બચ્ચું કિનારા પર તણાઈ આવ્યું હતું. ભરતીના પાણી ઓસરી જતા આ બચ્ચું કિનારા પર કાદવમાં ફસાઈ ગયું હતું અને બહાર નિકળી શક્યું ન હતું. સ્થાનિક યુવાનોની મદદથી તંત્રએ વ્હેલના બચ્ચાનું રેસ્ક્યુ કરી ફરી સમુદ્રમાં છોડી મુક્યું હતું.
- ઓલપાડના દરિયા કાંઠે વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ કાદવમાં ફસાયું, રેસ્ક્યૂ કરી ફરી સમુદ્રમાં છોડી દેવાયું
- વ્હેલ માછલીનું એક 20 ફૂટ લાંબુ અને લગભગ 2 ટન વજન ધરાવતું બચ્ચું કિનારા પર તણાઈ આવ્યું હતું
ઓલપાડના મોર ગામે દરિયા કિનારે અંદાજિત 2 ટન વજન ધરાવતું 20થી 25 ફૂટ લાંબું વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું હતું. ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રવિવારે બપોરના બે વાગ્યાની આસપાસ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોંચ્યા હતા. ભરતીના પાણીમાં વ્હેલ માછલીનું મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું. પરંતુ ભરતીનાં પાણી ઓસરતાં માછલીનું બચ્ચું કાદવમાં ફસાઈ ગયું હતું. મોર ગામના માછીમાર યુવાનોએ દરિયા કિનારા પર કાદવમાં વ્હેલ માછલીનું જીવતું બચ્ચું જોયું હતું. આ બાબતે તેમણે ગ્રામજનો, ગામના આગેવાનો અને વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગના અધિકારી, જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ અને ગામના યુવાનોની મદદથી આ વ્હેલ માછલીના બચ્ચાને ફરી દરિયાના પાણીમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
વ્હેલ માછલીના બચ્ચાને જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું અને જોતજોતામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જાણકારી મળતાં જ સ્ટાફે મોર દરિયા કિનારે પહોંચી વ્હેલ માછલીના બચ્ચાનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી મોડીરાત્રી સુધી ચાલી હતી. ટોર્ચની મદદથી મહા મહેનતે વ્હેલ માછલીના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું હતું. દરમ્યાન બચ્ચું જીવંત હોવાથી તેને ફરી સમુદ્રમાં છોડવાની નક્કી કરાયું હતું. સ્થાનીય માછીમાર યુવાનોની મદદથી સવારે એક બોટ દ્વારા વ્હેલના બચ્ચાને સમુદ્રના ઉંડા પાણીમાં છોડી દેવામાં આવ્યું હતું.