દેલાડ: ઓલપાડના (Olpad) ભાંડુત ગામે બંધ ઘરમાં ચોરી (Thief) કરવામાં નિષ્ફળતા મળતાં ભાગવા જતાં બે ચોરો પૈકી એક ચોરટાને ગ્રામજનોએ ઝડપી ઓલપાડ પોલીસને (Olpad Police) હવાલે કર્યો હતો. જ્યારે બીજો ચોર ગ્રામજનોને થાપ આપી ભાગી છૂટવામાં સફળ થતાં ગ્રામજનોએ પોલીસ નાઈટ પેટ્રોલિંગ (Night Patrolling) સઘન બનાવે તેવી તીવ્ર માંગ કરી છે.
ઓલપાડ કાંઠાના ભાંડુત ગામે એક બંધ મકાનને નિશાન બનાવી બે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરો ભાંડુત ગામના ખેડૂત મનુ પરષોત્તમભાઈ પટેલના બંધ ઘરમાં ચોરી કરવા તો ઘુસ્યા પણ ઘરમાંના કબાટ વેરવિખેર કરવા છતાં ચોરોને કોઈ કીમતી ચીજવસ્તુ ન મળતાં ફેરો ફોગટ ગયો હતો. તસ્કરો ઘરમાંથી બહાર નીકળી ચોરીના નવા શિકારની શોધમાં ગામમાં ઘૂમતા હતા. જો કે, ગામમાં ચોરીની બૂમરેંગના પગલે ચોરી ઘટનાવાળા ઘરથી નજીકમાં ત્રીજા ઘરે રહેતા ગામના માજી ડેપ્યુટી સરપંચ અલ્કેશ પટેલ મળસકે પોણા બે કલાકના સુમારે અચાનક ઘર બહાર તપાસ કરવા નીકળ્યા હતા. એ સમયે તેના ઘરની સામે સાધન સામગ્રી સાથે બિનધાસ્ત ઊભેલા બે અજાણ્યા ઈસમને નિહાળતાં તેમણે બંનેની ઉલટ તપાસ કરતાં બંને ચોરો ત્યાંથી ગામની સીમ તરફ ભાગ્યા હતા.
જેથી તેમણે બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો જાગી ગયા હતા અને ભાગતા બંને તસ્કરોનો પીછો કરતાં એક ચોરટો ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો ચોર ગ્રામજનોને થાપ આપી ભાગી છૂટવામાં સફળ થયો હતો. જો કે, ગ્રામજનોએ ચોરને સ્થાનિક પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ગ્રામજનો સહિત ગામની મહિલાઓની રાવ મુજબ સ્થાનિક પોલીસને હવાલે કરેલ ચોર વિરુધ્ધ પોલીસે શનિવારે મોડી સાંજ સુધી કોઈ જ કાર્યવાહી ન કરતાં પોલીસ સામે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી રોષ પ્રગટ કર્યો હતો.
ગામમાં ભંગારનો વેપલો કરતા ઈસમોએ પ્રવેશ કરવો નહીં
ભાંડુત ગામના ડેપ્યુટી સરપંચ અને તાલુકા ભાજપ સંગઠનના અગ્રણી હેમંત પટેલે કહ્યું હતું કે, કાંઠાનાં ગામોમાં પશુઓની ચોરીના બનાવો પણ બની રહ્યા છે. જ્યારે અમારા ગામમાં આજે બે તસ્કર ચોરી કરવાના ઈરાદાથી સાધન સામગ્રીઓ સાથે લઈને આવતાં કાંઠા વિસ્તારના ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ ફેલાયો છે. જો કે, અમે તો અમારા જાનમાલના રક્ષણ માટે રાત્રિ ફેરી ફરીએ જ છીએ. પરંતુ પોલીસ પણ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી કાંઠાના લોકોને સહકાર આપે તેવી અમો ઓલપાડ પોલીસને રજૂઆત કરીએ છીએ. જ્યારે આ મામલે આજુબાજુનાં ગામોના લોકોએ પણ જાગૃત થઈ જો કોઇ અજાણ્યા ઈસમો ગામમાં આવે તો પૂછપરછ કરવા અને ભંગાણનો વેપલો કરતા કોઇપણ ઈસમને ગામમાં પ્રવેશ ન આપવા મારી અપીલ છે. અમે ભંગાણનો વેપલો કરતા ભંગારિયાઓએ ભાંડુત ગામમાં પ્રવેશ કરવો નહીં એ પ્રકારની જાહેર સૂચના જાહેર કરી દીધી છે.