દેલાડ: ઓલપાડ( Olpad) સાયણ રોડની એક રેસિડેન્સીમાં રહેતી યુવતી સાથે તેની રેસિડેન્સીમાં જ રહેતા યુવાને બળજબરીથી પ્રેમસંબંધ (Love Affair) રાખવા યુવતીના પિતા અને વૃદ્ધ દાદા (Grandfather) સાથે બબાલ કરી હતી. આ બબાલમાં યુવાને યુવતીના વૃદ્ધ દાદાના પેટમાં ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારી ઈજાગ્રસ્ત વૃદ્ધને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ભેગા કરતાં આ મામલો ઓલપાડ પોલીસમથકમાં પહોંચ્યો હતો. જો કે, આ બબાલની આખી ઘટના રેસિડેન્સીમાં લગાવેલા CCTV કેમેરાનાં ફૂટેજમાં કેદ થઈ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રેમસબંધ રાખવા માટે તેણીને વારંવાર હેરાન-પરેશાન કરતો હતો
ઓલપાડ-સાયણ રોડ પર આવેલા રૂદ્ર રેસિડન્સીનામાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં મેલેરિયા વિભાગમાં બેલદાર તરીકે નોકરી કરતા નરેશ નારણ મારૂ તેમની પત્ની, ત્રણ સંતાન અને માતા-પિતા અને સાથે રહે છે. છેલ્લા ઘણા સમયથી તેની જ રેસિડન્સીમાં રહેતો દિવ્યેશ દિનેશ પરમાર નામનો શખ્સ બેલદારની 19 વર્ષીય પુત્રી સાથે બળજબરીપૂર્વક પ્રેમસબંધ રાખવા માટે તેણીને વારંવાર હેરાન-પરેશાન કરતો હતો. આથી બેલદારે તેને અગાઉ ઠપકો આપ્યો હતો. આ યુવાન ગત ગુરુવારે રાત્રે 9 કલાકના સુમારે તેની મોટરસાઇકલ લઈ પાલિકાકર્મીના ઘર સામેના રસ્તા ઉપર ક્રોસ કરી ઊભી રાખી હતી.
પેટના ભાગે ઉપરાછાપરી ઘા કરી મારી નાંખવાની કોશિશ કરી
જેથી આ બાબતે તેને ના કહેતાં આ દિવ્યેશ પરમારે પરિવાર સાથે ઝઘડો કરી ગાળો આપી જાતિવિષયક અપશબ્દો કહ્યા હતા. એ સમયે પાલિકાકર્મીના પિતા નારણભાઇએ તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે નારણભાઇ સાથે બબાલ મચાવી લડાઈ, ઝઘડો કરી મારામારી શરૂ કરી હતી. આ ઝપાઝપી સમયે આરોપી દિવ્યેશ પરમારે નારણભાઇને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી પેટના ભાગે ઉપરાછાપરી ઘા કરી મારી નાંખવાની કોશિશ કરી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્ત નારણભાઈને ઓલપાડ સી.એચ.સી. ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત ખાતેની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.
યુવાને પણ યુવતીના પિતા અને દાદા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
આ બબાલમાં દિવ્યેશ દિનેશ પરમારે પણ યુવતીના પિતા નરેશ મારૂ તથા દાદા નારણભાઇ મારૂ વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મોટાભાઇ નિકુંજના પાંચ વર્ષના પુત્ર વાસુને મો.સા. ઉપર બેસાડી રેસિડેન્સીના ગેટ સુધી આંટો મરાવવા જતો હતો. એ વખતે આરોપી નરેશ મારૂના મકાન નં.૧૪૯ પાસેથી પસાર થતી વખતે આ બંને ઈસમે પ્રેમસંબંધની અદાવત રાખી ગાળાગાળી કરી ઢીક્કામુક્કીનો માર માર્યો હતો.