રાંચી(Ranchi) : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની (IndiaVsEnglandTestSeries) ચોથી મેચ 23 ફેબ્રુઆરી ને શુક્રવારથી રાંચીમાં (RanchiTest) શરૂ થશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે તેની પ્લેઈંગ-11ની જાહેરાત એક દિવસ પહેલા કરી દીધી છે. ખાસ વાત એ છે કે ઈંગ્લેન્ડની (England) પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર જોવા મળ્યા છે.
મિસ્ટ્રી સ્પિનર શોએબ બશીરને (ShoaibBashir) સ્પિનર રેહાન અહેમદની (RehanAhmed) જગ્યાએ પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. માર્ક વૂડના (MarkWood) સ્થાને ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનને (OllieRobinson) પણ પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. ઇંગ્લેન્ડ પણ બે નિષ્ણાત સ્પિનરો હાર્ટલી અને બશીર તેમજ બે ફાસ્ટ બોલરો એન્ડરસન અને રોબિન્સન સાથે ચોથી ટેસ્ટ મેચ રમશે.
ઓલી રોબિન્સન કોણ છે?
30 વર્ષનો ઓલી રોબિન્સ જમણા હાથનો ઝડપી બોલર છે અને તેણે અત્યાર સુધી 19 ટેસ્ટ મેચમાં 76 વિકેટ ઝડપી છે. રોબિન્સ પ્રથમ વખત ભારતીય ધરતી પર ટેસ્ટ મેચ રમશે. રોબિન્સન અગાઉ ઘરઆંગણે ઈંગ્લેન્ડમાં ભારત સામે ચાર મેચ રમ્યો હતો જેમાં તેણે 21 વિકેટ ઝડપી હતી.
શોએબ બશીરની વાત કરીએ તો તે પાકિસ્તાની મૂળનો ઓફ સ્પિનર છે. 20 વર્ષીય બશીરે વિઝાગ (વિશાખાપટ્ટનમ)માં વર્તમાન શ્રેણી દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે ચાર વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે બશીરનો જન્મ ઈંગ્લેન્ડના સમરસેટમાં થયો હતો. પરંતુ તેના માતા-પિતા પાકિસ્તાની મૂળના છે.
ભારતના પ્લેઇંગ-11માં એક ફેરફાર નક્કી
રાંચી ટેસ્ટ માટે ભારતીય પ્લેઈંગ 11ની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો કે ભારતીય ટીમમાં એક ફેરફાર નિશ્ચિત છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, તેથી પ્લેઈંગ-11માં બૂમરાહના સ્થાને મુકેશ કુમાર અથવા આકાશ દીપને સ્થાન મળી શકે છે.
રાંચી ટેસ્ટ માટેની ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર.
રાંચી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર.