Vadodara

બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે જુના જોગીઓ

વડોદરા: મધ્ય ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય ગણાતી બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના મલાઈદાર પદ માટે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલ હુંસાતુંસીનો આજે અંત આવ્યો હતો. પ્રદેશ કક્ષાએથી આવેલ મેન્ડેડને સહુએ માથે ચઢાવ્યો હતો. અને આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ તરીકે સતીષ પટેલ ( નિશાળિયા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી.સોલંકીની સર્વાનુમતે બિનહરીફ નિમણુંક કરવામાં આવી હતી.

બરોડા ડેરીના પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીએ ભારે હંગામો મચાવ્યો હતો. અગાઉ 26 જૂનના રોજ ડેરીની ચૂંટણી યોજાનાર હતી. જો કે મેન્ડેડ આવે તે પહેલા જ તેમાં વિરોધના સુર ઉઠ્યા હતા. મેન્ડેડ આવે તે પહેલા જી.બી.સોલંકીએ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવવાની તૈયારી બતાવી હતી. જો કે તે દિવસે વિરોધનો વંટોળ પારખી ગયેલ ભાજપાએ ચૂંટણી અધિકારીને જ યેન કેન પ્રકારેણ ચૂંટણી માટે પહોંચવા દીધા ન હતા અને લાજ બચાવી હતી. જો કે ત્યાર બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને તમામને બોલાવી તેઓ સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યાર બાદ 1 જુલાઈના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને તમામના મંતવ્યો લેવામાં આવ્યા હતા.

આજરોજ બપોરે 3 કલાકે વડોદરા શહેર ભાજપાના પ્રભારી ગોરધન ઝડફિયા મેન્ડેડ લઈને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ડિરેક્ટરો સામે પ્રમુખ તરીકે સતીષ પટેલ નિશાળિયા અને ઉપપ્રમુખ તરીકે જી.બી સોલંકીના નામની જાહેરાત કરી હતી. જેને સહુએ વધાવી લીધી હતી. ચૂંટણી અધિકારી સમક્ષ આ બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. ચૂંટણી બાદ સહુએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યો શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ, જિલ્લા સંગઠનના આગેવાનો સહીત ડેરીના સભાસદો અને આગેવાનોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. ડેરીનો વહીવટ સારી રીતે ચાલે અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે તેવા પ્રયાસો હાથ ધરવા નવનિયુક્ત પ્રમુખ – ઉપપ્રમુખે તૈયારી બતાવી હતી.

ધારાસભ્યના માનીતાનું પત્તુ કપાયું
ડેરીમાં ભ્રષ્ટાચાર, સગાવાદ જેવા આક્ષેપો જિલ્લાના એક ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા હતા અને અવાર નવાર ડેરીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવતી હતી. ત્યારે અઢી મહિના માટે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી ભાજપામાં જોડાયેલ ક્રિપાલસિંહને ઉપપ્રમુખ બનાવાયા હતા. જો કે આ વખતે આ એક વ્યક્તિનો 11 ડિરેક્ટરોએ વિરોધ કર્યો હતો. જે મોડે મોડેથી ભાજપના પ્રદેશ મોવડી મંડળના પણ ધ્યાનમાં આવ્યું હતું. અને તેના કારણે આ વખતે તેઓનું પત્તુ કાપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ધારાસભ્ય પોતાનો ડેરી ઉપર દબદબો અને પ્રભુત્વ રહે તે માટે આક્ષેપો કરી રહયા હતા જો કે તેઓના માનીતા કપાતા તેઓના સુર બદલાય છે કે કેમ તે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું.

પશુપાલકોના હિતમાં કામ કરીશું
પ્રદેશે જે મેન્ડેડ મોકલ્યો છે તેને સહુએ માથે ચઢાવ્યો છે. કોઈ વાદવિવાદ નથી સહુ સાથે મળીને કામ કરીશું અને ડેરી અને પશુપાલકોના હિતમાં જે નિર્ણય લેવાના હશે તે લઈશું. – સતીષ નિશાળિયા, પ્રમુખ
સોંપેલી જવાબદારી નિભાવીશું
મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે નિભાવીશ. પશુપાલકોને હાલમાં સારા જ ભાવ આપવામાં આવે છે અને આગળ પણ તેઓને ફાયદો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. સહુ સાથે મળી સંસ્થાને આગળ લઇ જઈશુ.
– જી.બી.સોલંકી, ઉપપ્રમુખ

Most Popular

To Top