સુરત : છેલ્લાં એક-દોઢ મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસની (Petrol, Diesel, CNG) કિંમતોમાં કમ્મરતોડ વધારો થયો છે. વાહનચાલકોની હાલત કફોડી બની છે. પેટ્રોલ 100નો આંક વટાવી ગયું હોઈ કાર ચાલકો સીએનજી કીટ લગાવી રહ્યાં છે તો હવે સીએનજીની કિંમત પણ 10 દિવસમાં 10 રૂપિયા વધી ગઈ છે.
સીએનજીના ભાવ વધવાની સૌથી વધુ અસર રીક્ષાચાલકોને થઈ છે. શહેરમાં મોટા ભાગની રીક્ષા (Rickshaw ) સીએનજી પર ચાલતી હોય છે. 10 દિવસમાં 10 રૂપિયા જેટલો ભાવ વધી જતાં રીક્ષાચાલકોનો ખર્ચો વધી ગયો છે, સામા પક્ષે મુસાફરી ભાડા વધારી શકાતા નહીં હોય તેઓ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. શહેરના રીક્ષાચાલકો હવે ભાડા વધારવાની હિલચાલ કરી રહ્યાં છે.
પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસ સહિતના બળતણના ભાવમાં ટૂંકા ગાળામાં ભારેખમ વધારો થતાં ઓનલાઈન પેસેન્જર સેવા આપતાં સંગઠને ઓલા (Ola) અને ઉબેરના (Uber) સ્થાનિક મેનેજરોને આવેદનપત્ર આપી મિનિમમ ભાડું વધારવા અને કિલોમીટરે 1થી 2 રૂપિયાનો વધારો કરવા માંગ કરી છે. ઓનલાઈન ઓલા, ઉબેર, કુક અને જુગનૂ સહિતની એપ્લિકેશનોમાં સેવા આપતા રિક્ષાચાલકો દ્વારા મિનિમમ ભાડું અને દર કિલોમીટર દીઠ ભાડામાં 1 રૂપિયાનો વધારો કરવા માટે આવેદનપત્ર આપ્યું છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે, ગેસના ભાવમાં 10 દિવસમાં 9.40 રૂપિયાનો, પેટ્રોલના ભાવમાં 20 દિવસમાં 4.62 રૂપિયા અને ડીઝલના ભાવમાં 20 દિવસમાં 5.71 રૂપિયાનો વધારો નોંધાયો છે. બીજી તરફ રિક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા ઓઈલના ભાવમાં 15 ટકા અને સ્પેર પાર્ટ્સના ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ઓલા, ઉબેર, કુક અને જુગનૂ (Jugnoo) જેવી એપ્લિકેશનમાં સેવા આપતા રિક્ષાચાલકોને મિનિમમ ભાડું 20 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે પ્રત્યેક કિલોમીટરે 10 રૂપિયા ભાડું આપવામાં આવે છે. ઓનલાઈન ઓટો ડ્રાઈવર એકતા ગ્રુપ સુરતના પ્રમુખ હનીફ હંજારાએ કુબેરના પ્રતિનિધિ દત્તારામ મોરે અને ઓલાના મેનેજર આલોક શુક્લાને રજૂઆત કરી છે કે, ઓટો રિક્ષાનું પ્રત્યેક કિલોમીટરે 1થી 2 રૂપિયા વધારવું જોઈએ. ઓનલાઈન સેવા આપતી કંપનીઓ દ્વારા રિક્ષાચાલકોને મિનિમમ ભાડું 30 રૂપિયા અને કિલોમીટર દીઠ 12 રૂપિયા ભાડું આપવા રજૂઆત કરવામાં આવી છે. જો આ રજૂઆત પર નિર્ણય ન લેવાય તો હડતાળ પાડવાની ચીમકી આપવામાં આવી છે.