સુરત: આ વર્ષે ચોમાસાની સિઝનમાં શહેરના મોટા ભાગના રસ્તાની હાલત બદતર થઈ ગઈ હતી. વરસાદે વિરામ લેતાં જ મનપાએ તાબડતોબ રસ્તા રિપેર કરવાનું બીડું ઉપાડ્યું હતું. પરંતુ શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં હજી ઘણા વિસ્તારમાં રસ્તા રિપેર ન થયા હોવાની સ્થાનિકોની ફરિયાદ ઊઠતાં મનપાના કર્મચારીઓની કામ કરવાની અવળચંડાઈ બહાર આવી રહી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ મંત્રી પૂર્ણેશ મોદીએ એવો દાવો કર્યો હતો કે, સુરત શહેરમાં 90 ટકા ખાડા પૂરી દેવામાં આવ્યા છે. મંત્રીએ દાવો કર્યો ત્યારે એવી ચર્ચા પણ ઉઠી હતી કે મંત્રી સાહેબ કદાચ હવામાં જ ઉડતા હશે એટલે તેમને રસ્તાના ખાડા દેખાતા નહીં હોય. ખાસ કરીને સુરત શહેરના સેન્ટ્રલ ઝોન જૂના કોટ વિસ્તારના રહીશોએ મંત્રીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી હતી.
હવે સેન્ટ્રલ ઝોનમાં જ ખાડા પુરવાના બદલે સુરત મનપાના અધિકારીઓ દ્વારા કાગળ પર કામગીરી દર્શાવી દેવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સેન્ટ્રલ ઝોનના જુનિયર ઈજનેર ભૌતિક મિસ્ત્રીને નવાપુરા વિસ્તારમાં 10થી 12 ગલીના રસ્તાના પેચવર્ક કરવાની કામગીરી સોંપાઈ હતી. પરંતુ એક જ ગલીમાં માત્ર રિકાર્પેટ કરીને મૂકી દેવાતાં સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેથી સેન્ટ્રલ ઝોનના કર્મચારીનું ભોપાળું બહાર આવ્યું હતું. જેથી સેન્ટ્રલ ઝોન દ્વારા જુનિયર ઈજનેરને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોનમાં નવાપુરા વિસ્તારમાં 10થી 12 ગલીના પેચવર્કની કામગીરી કરવા માટે જુનિયર ઈજનેર ભૌતિક મીસ્ત્રીને 3 ગાડી ફાળવવામાં આવી હતી. પરંતુ જુનિયર ઈજનેર દ્વારા માત્ર 1 જ ગલીમાં રસ્તાનું કાર્પેટિંગ કરી દીધું હતું. પરંતુ અન્ય ગલીઓમાં ખાડા જ રહેતા સ્થાનિકોએ કોર્પોરેટરો તેમજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી. જેથી સમગ્ર મામલો બહાર આવતાં સેન્ટ્રલ ઝોનના જુનિયર ઈજનેરને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
છેલ્લાં કેટલાંય સમયથી સેન્ટ્રલ ઝોનના રહીશો રસ્તા પર ખાડાની સમસ્યાથી પીડાઈરહ્યાં છે. ડ્રેનેજ પાઈપલાઈન, મેટ્રો સહિત વિકાસના અનેક કામોના લીધે અવારનવાર સેન્ટ્રલ ઝોનમાં રસ્તા ખોદવામાં આવી રહ્યાં છે. આ ખાડાઓનું બરોબર પૂરાણ નહીં કરવાના લીધે ચોમાસામાં વરસાદ પડતા ખાડા વધુ પડ્યા હતા. હવે જ્યારે મનપાના અધિકારીનું જ ખાડાકૌભાંડ બહાર આવ્યું છે ત્યારે સુરત મનપા અને રાજ્ય સરકાર ખાડે ગયેલા તંત્રને સુધારવા શું કરે છે તે જોવું રહ્યું!