વડોદરા : કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા 50 હજારની આર્થિક સહાયની જાહેરાત બાદ એમસીસીડી સર્ટિફિકેટ લેવા માટે સગાઓની ભીડ ઉદભવી રહી છે. ત્યારે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે પણ મૃતકોના પરિવારજનોનો ફોર્મ મેળવવા તેમજ ડેથ સર્ટિફિકેટ લેવા ભારે ધસારો જોવા મળ્યો હતો.જેને કારણે સિક્યુરિટી દ્વારા દરવાજો એક તબક્કે બંધ કરવાની પણ ફરજ પડી હતી. કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનોને સરકાર તરફથી રૂપિયા 50 હજારની આર્થિક સહાય માટેના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે.બીજી તરફ વડોદરા મહાનગર પાલિકાના ચોપડે માત્ર 623 ના સત્તાવાર મોત સામે પાંચ દિવસ સુધીમાં 2022 જેટલા ફોર્મ વિતરણ થયા છે.હાલ મંજૂર થયેલા 862 ફોર્મ પૈકી 501 લાભાર્થીઓને સહાયની 2,50,50,000 ની રકમ ચૂકવી દેવામાં આવી છે.
કોરોનાના કપરા કાળમા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. રાજ્ય સરકારે આર્થિક સહાયના ભાગરૂપે 50 હજારની જાહેરાત કરતા અનેક પરિવારોને આર્થિક મદદની આશા બંધાઇ છે.વડોદરા તંત્ર દ્વારા પણ કોરોના મૃતક સહાયના ફોર્મનું વિતરણ શરૂ કરાતા છઠ્ઠા દિવસે પણ ફોર્મનો ઉપાડ યથાવત જોવા મળી રહ્યો છે.વડોદરા પાલિકા દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર થી ફોર્મનું વિતરણ કરાઇ રહ્યું છે. ત્યારબાદ ફોર્મ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરી સહાયની રકમ વિતરણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 2022 ફોર્મ નો ઉપાડ જોવા મળ્યો છે. તેની સામે 862 ફોર્મ મંજૂર થતા 501 લાભાર્થીઓને સહાય ની રકમ 2,50,50,000 ની સહાય ચૂકવવામાં આવી છે.તો બીજી તરફ હવે કોર્પોરેશન દ્વારા કોરોનામાં સત્તાવાર 623 લોકોના મોત અંગેના આંકડા સવાલ ઉભા કરી રહ્યા છે.