એક આશ્રમમાં ગુરુજીએ કહ્યું, ‘રોજ તમારે ઈશ્વરને કૈંક અર્પણ કરવું જોઈએ.’બધાના મનમાં તરત પ્રશ્ન ઉદ્ભવ્યો, શું અર્પણ કરવું જોઈએ.ગુરુજીએ આગળ એ જ બાબત સમજાવતાં કહ્યું, ‘તમે ઈશ્વરને પ્રિય લાગે તેવી વસ્તુ …કોઈ પવિત્ર વસ્તુ …કોઈ શુદ્ધ વસ્તુ …કોઈ સુંદર વસ્તુ …તમારી પ્રિય વસ્તુ જેવું કંઈ પણ અર્પણ કરી શકો છો …જરૂરી નથી કે તે વસ્તુ કિંમતી જ હોય …જે કંઈ પણ અર્પણ કરો સાચા સમર્પણભાવ સાથે અર્પણ કરો.’ ગુરુજીએ આગળ કહ્યું, ‘તમે શાંતિથી વિચારીને નક્કી કરજો કે તમારે શું અર્પણ કરવું છે અને સાંજે પ્રાર્થના પછી મને જણાવજો કે કાલે સવારે તમે ઈશ્વરને શું અર્પણ કરવાના છો.’બધા વિચારવા લાગ્યા કે શું અર્પણ કરશું…
સાંજે પ્રાર્થના બાદ ગુરુજીએ બધા શિષ્યોને પૂછ્યું, ‘હવે તમે બધા એક પછી એક મને કહો કે કોણે શું અર્પણ કરવાનું નક્કી કર્યું છે.’એક પછી એક શિષ્યો ઊભા થવા લાગ્યા અને જવાબ આપવા લાગ્યા. કોઈકે કહ્યું ‘ફૂલ’..કોઈકે કહ્યું ‘જલ’…કોઈકે કહ્યું ‘ધૂપ’…કોઈકે કહ્યું ‘દીપ’…શ્રીફળ ..ફળ..ચોખા …આવા અનેક જવાબ મળ્યા, જેમાં કોઈને કોઈ પૂજા સામગ્રીનો ઉલ્લેખ હતો.એક શિષ્યે થોડો જુદો જવાબ આપ્યો કે હું ઉપવાસ કરીશ અને તે તપનું ફળ ભગવાનને આપીશ ..બીજા શિષ્યે કહ્યું, હું જાપ કરીશ અને તે ફળ ભગવાનને આપીશ….આવા અનેક જુદા જુદા જવાબ મળ્યા.પણ ગુરુજી કોઈ જવાબથી એકદમ ખુશ ન થયા.
ગુરુજીએ કહ્યું, ‘આ બધી વસ્તુઓ સારી છે ,સુંદર છે , પણ ફૂલ ભમરાનો સ્પર્શ પામેલું છે અને જલ માછલીઓનો …બધી વસ્તુઓ કોઈક ને કોઈક સ્પર્શથી દૂષિત છે. આપણે પોતે પણ અનેક અવગુણો અને દુર્ગુણોના સ્પર્શથી દૂષિત છીએ.તો ઈશ્વરને શું આપશું…જાત સમર્પિત કરવી પણ શક્ય નથી કારણ કે કોઇ પણ વસ્તુ કે આપનું શરીર બધું જ આપણને ઈશ્વરે આપેલું છે તો શું તેમની જ આપેલી વસ્તુ તેમને અર્પણ કરશું ??’ એક શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, એમ હોય તો તો આપણે ઈશ્વરને કંઈ પણ અર્પણ કરી જ ન શકીએ કારણ બધું જ ઈશ્વરનું જ બનાવેલું અને આપેલું છે.’
ગુરુજી બોલ્યા, ‘આમ તો વાત તારી ખોટી નથી.પણ ઈશ્વરે આપણને આ શરીર આપ્યું છે, બુધ્ધિ આપી છે તેનો ઉપયોગ કરી આપણે અહીં માનવસેવાનાં સારાં કાર્ય કરીએ ..બીજાની નાનકડી પણ મદદ કરીએ અને તે સારા કાર્યને ઈશ્વરનાં ચરણોમાં સમર્પિત કરીએ તો ઈશ્વર સ્વીકાર કરે છે.આપણે તન,મન,ધનથી ભગવાનનાં કાર્ય કરીએ તો તે રાજી થાય છે અને આપણે તે કર્મફળ તેને અર્પણ કરી શકીએ છીએ.’ગુરુજીએ ઉત્તમ રસ્તો દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.