વડોદરા : નર્મદા કેનાલનું સમારકામ હાથ ધરાતા ભર ઉનાળે વડોદરાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં સાત દિવસ સુધી પાણીનો કકળાટ સર્જાશે.આ વિસ્તારની પાંચ પાણીની ટાંકી અસરગ્રસ્ત બનતા સાત દિવસ સુધી પાણી હળવા દબાણથી ઓછા સમય માટે વિતરણ કરાશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય કેનાલનું સમારકામ 15 મી એપ્રિલથી 21 મી એપ્રિલ સુધી હાથ ધરવામાં આવ્યું છે.પરિણામે તેને સંલગ્ન વડોદરા બ્રાન્ચ કેનાલમાં પાણીની અછત સર્જાશે.અને શેરખી ઇન્ટેક્વેલ ખાતેથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચતા પાણીના જથ્થામાં ઘટાડો થશે.જેના કારણે 15 મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી ખાનપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી મેળવતો પશ્ચિમ વિસ્તાર અસરગ્રસ્ત બનશે. ગાયત્રીનગર ટાંકી,હરીનગર ટાંકી, તાંદલજા ટાંકી,દક્ષિણ વિસ્તારની જીઆઇડીસી ટાંકી અને માંજલપુર ટાંકીઓના દાયરામાં પાણીની આવક મુજબ હળવા દબાણથી,ઓછા સમય માટે અને વિલંબથી પાણી વિતરણ કરાશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરદાર સરોવર ,નર્મદા નિગમ દ્વારા ભર ઉનાળે નર્મદા મુખ્ય કેનાલ માં કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જેથી શુક્રવાર તારીખ 15 એપ્રિલથી 21 મી એપ્રિલ સુધી આ કામગીરી ચાલશે.જેના કારણે વડોદરા બ્રાન્ચ કેનાલમાં પાણીની અછત ઊભી થશે અને શહેરને પાણી પુરુ પાડતા અલગ-અલગ સ્ત્રોત પૈકી નર્મદાનું પાણી પણ એક મહત્વનો સ્ત્રોત છે.ત્યારે શેરખી ઈન્ટેક વેલ ખાતેથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચતા પાણીના જથ્થામાં ઘટાડો થશે.જેના કારણે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી મેળવતી શહેરની 6 અલગ અલગ પાણીની ટાંકીઓમાં આગામી એક સપ્તાહ સુધી હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે તેમજ નિર્ધારિત સમય કરતાં પણ મોડા સમયે પાણી વિતરણ કરવામાં આવશે.ખાસ કરીને શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં આગામી સપ્તાહ માટે પાણીનો કકળાટ ઊભો થવાનો હોવાથી ટાંકીમાં કમાન્ડ વિસ્તારમાં રહેતા ત્રણ લાખથી વધુ નાગરિકોએ ભર ઉનાળે પાણીથી હાલાકી વેઠવી પડશે.