નવી દિલ્હી : ભારત ODI World Cup ની યજમાની કરવા જઈ રહ્યું છે. આ મેગા ઈવેન્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ICCએ વર્લ્ડ કપ માટે તેનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે. આ શેડ્યૂલ અનુસાર વર્લ્ડ કપની મેચો ભારતના (India) 10 સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ પહેલા BCCI આ તમામ સ્ટેડિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. BCCI વર્લ્ડ કપ પહેલા આ સ્ટેડિયમોમાં 500 કરોડથી પણ વધુ ખર્ચ કરી ફેરફાર કરવાની કામગીરી કરશે.
ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની મેચો ભારતના અમદાવાદ, ચેન્નાઈ, મુંબઈ, ધર્મશાલા, દિલ્હી, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ, લખનૌ અને કોલકાતા શહેરોમાં આવેલા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમોમાંથી અડધા સ્ટેડિયમમાં હજુ પણ ખામીઓ છે. જેમાં ચેન્નાઈ, મુંબઈ, ધર્મશાલા, દિલ્હી અને લખનૌના સ્ટેડિયમોનો પણ સમાવેશ થાય છે. જોકે હાલ તેની ખામિ દુર કરવા માટે બોર્ડ દ્વારા કામગીરી ચાલાવામાં આવી રહી છે. બીસીસીઆઈ દરેક સ્ટેડિયમમાં જરૂરીયાત પ્રમાણેના ફેરફારો કરશે. જેના માટે એક પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન પ્રમાણે દરેક સ્ટેડિયમમાં ફેરફાર માટે ક્રિકેટ બોર્ડ દ્વારા 50 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ચેન્નાઈના સ્ટેડિયમમાં નવી LED લગાવવામાં આવી રહી છે
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં નવી LED લાઈટો લગાવવામાં આવી રહી છે. આ સાથે ત્યાં બે લાલ પીચ પણ બનાવવામાં આવી રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લાઈટો બદલવામાં આવી રહી છે. આ સાથે ત્યાં કોર્પોરેટ બોક્સને પણ નવુ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે રમાયેલી IPL અને કેટલીક આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન લખનૌના ઈકાના સ્ટેડિયમની પીચોની ખૂબ ટીકા થઈ હતી. જેને ધ્યાનમાં રાખી ત્યાની પીચો બદલવામાં આવી રહી છે. દિલ્હીમાં આવેલ અરુણ જેટલી સ્ટેડિયમમાં 10,000 સીટો બદલવામાં આવશે અને સાથે ત્યાં નવા શૌચાલય પણ બનાવવામાં આવશે.
વર્ષ 2011 પછી ભારત ODI વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે
ભારત વર્ષ 2011 પછી ODI વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. વર્ષ 2011માં જ્યારે ભારતે ODI વર્લ્ડ કપની યજમાની કરી હતી તે સમયે તે વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ભારતીય ટીમની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે.